Atul from

Sunday, 12 May 2024

કવિ પરિચય

 કવિ પરિચય


                    હું નાનો ત્યાર થી નાગધ્રા નું મને ઘેલું.. ત્યાં ની નદી.. નદી નો ઓવારો.. ખજૂરી ના ઝાડ.. ઉનાળા ની રજા ઓ માસી ને ત્યાં જ વીતે. મારા માસિયાઈ ભાઈ જયંતીભાઈ, દિનેશભાઈ અને આડોશ પાડોશ ના દોસ્તો બધા સરખી ઉમરના, નદી બારે માસ વહે... નદીમાં નાહવાનું, ખજૂરી ખંખેરવાની અને ખજૂર ખાવાનાં.. ખૂબ મજા પડતી.. નાગધ્રા જેવાં રળિયામણા ને લીલાછમ ગામમા 'રાજ' જેવા કવિ અવતરે એમાં નવાઈ શું ?.

                    મારાં માસા અરજણભાઇ તેમનાં મોટા ભાઈ રાજાભાઈ કવિ. અને નાના ભાઈ દેવશીભાઇ એમ ત્રણે અમરાદાદાનો પરિવાર, બધાનું કામ કડિયાકામનું, પથ્થર અને ઈટો સાથે માથાકૂટ કરવાંની, પથ્થરોને ઈંટો ને સરખા ગોઠવી ને તેમાંથી રહેણાંક બનાવવાનું.

                    કવિ રાજાભાઈ 'રાજ'ને વાચવા નો ખૂબ જ શોખ અને આ વાંચન માંથી કદાચ આ કવિ જન્મ્યા હોય એવુ બને, પોતે ઓછું ભણેલા પણ તોય તેમને શબદ હાથવગા, દુહા છંદો પર પકડ અદભુત, માત્રા મેળમાં લખેલું જોરદાર, વાંચી ને એમ થાય કે નક્કી કુદરતની મહેરબાની હશે નહિતર આવું લખવું અઘરું છે. તેમને ચલાલાના ઓલિયા સંત દાનબાપુમાં અખૂટ શ્રદ્ધા એટલે કદાચ દાન મહારાજના આશિર્વાદ કવિને ફળ્યા હશે.

      બધા જ વિષયો ઉપર કવિએ લખ્યું છે. સ્તુતિ, દૂહા, છંદ, સોરઠા, ગઝલ ઉપર પણ તેમણે હાથ અજમાવ્યો છે. ભારતના વિર પુરુષો ઉપર તેમણે શ્રદ્ધાંજલિઓ લખી છે. શબ્દો ઊપર તો તેમણે જમાવટ જ કરી છે ! બઘા કાવ્યો માં તેમની ધાર્મિક વિચારધારા પણ સ્પષ્ટ તરી આવે છે. કવિએ છાપા, સામયિકો માં પોતાની કવિતાઓ મોકલાવી છે. અને તે કવિતાઓ છપાઈ પણ છે. ગુજરાત સમાચારની સહિયર પૂર્તિમાં વખતોવખત તેમની રચનાઓ છપાતી રહી છે. કવિની કવિતામાં તળપદા શબ્દોની જમાવટ છે, ભાતિગળ દુહાઓથી કવિ મનને પ્રભાવિત કરે છે.


કવિની એક રચના :


મારે તારું પ્રિય પાત્ર થાવું છે 

બોલ હા કે ના !

ગમે ત્યાં ભેળાં એકત્ર થાવું છે 

બોલ હા કે ના !


           સાથે સાથે આ પુસ્તક નાં પ્રસ્તાવક અમરેલીનું ઘરેણું એવાં કવિ શ્રી હરજીવનભાઈ દાફડા નો આભાર માનીએ એટલો ઓછો છે. તેમણે પોતાનો કિંમતી સમય આ રચનાઓને મઠારવા માટે આપ્યો. હૃદય પૂર્વક આભાર કવિ સાહેબ

ઉપરાંત દલિત વાચા ના સંપાદક શ્રી જયંતીભાઈ ગોહિલ જેમણે આ પુસ્તક ને સુંદર રૂપ આપ્યું તેમનો પણ ખૂબ ખૂબ આભાર 


            કવિ 'રાજ' આવી મસ્ત કવિતાઓ, દુહાઓ, સવૈયા અને સોરઠાનો સંગ્રહ આપ વાચકનાં હાથમાં આપી રહ્યાં છે. જે આપને ચોક્કસ ગમશે જ આ પુસ્તક વિશે આપના અભિપ્રાય આવકાર્ય છે. 



- બગડા અતુલભાઈ જી. (તથ્ય)

A - 51 ' શ્રીજી' સિદ્ધિવિનાયક સોસાયટી 

ગાયત્રી મંદીર રોડ, ચિતલ રોડ અમરેલી.

ફોન : 9724413560


No comments:

Post a Comment