Atul from

Sunday, 2 November 2025

ગુજરાતના જીલ્લોઓમાં આવેલી મહત્વની નદીઓ.


૧. કચ્છ - ખારી, કનકાવતી, રૂકમાવતી, ભૂખી, સુપી, માલણ, ચાંગ, નારા, નાગમતી, કાળી.

૨. બનાસકાંઠા - સિપુ, બનાસ, સરસ્વતી, અર્જુન.

૩. પાટણ - બનાસ, સરસ્વતી, રૂપેણ.

૪. મહેસાણા - રૂપેણ, પુષ્પાવતી.

૫. ગાંધીનગર - સાબરમતી, ખારી, મેશ્વો.

૬. સાબરકાંઠા - હરણવાવ, હાથમતી, સાબરમતી.

૭. અરવલ્લી - માઝમ, વાત્રક, મેશ્વો.

૮. છોટાઉદેપુર - સુખી, ઓરસંગ, હિરણ, મેણ.

૯. મહીસાગર - મહી, પાનમ, દેવ, મેસરી.

૧૦. પંચમહાલ - મેસરી, ગોમા, કારોડ, પાનમ.

૧૧. દાહોદ - પાનમ, અનાસ, માચણ, હડફ, પાનમ.

૧૨. ખેડા - વાત્રક, માહોર, મહી, શેઢી, લુણી.

૧૩. આણંદ - મહી, સાબરમતી.

૧૪. અમદાવાદ - સાબરમતી, મેશ્વો, ખારી, સુક ભાદર.

૧૫. વડોદરા - વિશ્વામિત્રી, ઢાઢર.

૧૬. ભરૂચ - નર્મદા.

૧૭. નર્મદા - નર્મદા, કરજણ.

૧૮. સુરત - કીમ, તાપી, મીંઢોળા, પૂર્ણા, અંબિકા.

૧૯. તાપી - તાપી, પૂર્ણા.

૨૦. ડાંગ - પૂર્ણા, અંબિકા.

૨૧. નવસારી - પૂર્ણા, અંબિકા, મીંઢોળા, કાવેરી.

૨૨. વલસાડ - ઔરંગા, પાર, કોલક, દમણ ગંગા.

૨૩. સુરેન્દ્રનગર - વઢવાણ ભોગવો, લીંબડી ભોગવો.

૨૪. બોટાદ - ધેલો, કાળુભાર, નિલકા.

૨૫. ભાવનગર - ધેલો, કાળુભાર, શેત્રુંજી, માલણ.

૨૬. અમરેલી - શેત્રુંજી, માલણ, કાળુભાર.

૨૭. ગીર સોમનાથ - હિરણ, શિંગવડુ, માચ્છુદ્રિ, માલણ, રાવળ.

૨૮. જૂનાગઢ - ઓઝત, ઉબેણ.

૨૯. પોરબંદર - ભાદર, ઓઝત, ઊબેણ, મીણસાર, મઘુવંતી.

૩૦. દેવભૂમિ દ્વારકા - સની.

૩૧. જામનગર - નાગમતી, ફુલજણ, સાસોઈ, કંકાવતી, ઊંડ.

૩૨. રાજકોટ - ભાદર, ધેલો, ગોંડલી, માજ, આજી, ફોકળ.

૩૩. મોરબી - મચ્છુ, બ્રહ્માણી.

ગળધરા ( આઈ શ્રી ખોડિયાર માતાનું સ્થાનક)

       ગુજરાત રાજ્યનાં અમરેલી જિલ્લા નાં ધારી ગામથી આશરે પાંચેક કિ.મી.નાં અંતરે શેત્રુંજી નદી ને કાંઠે ખુબજ પ્રભાવશાળી ખોડિયાર માતાજીનું ગળધરા મંદિર આવેલુ છે. શેત્રુંજી નદી ગીર માંથી નીકળી ને ધારી પાસે થઇ ને નીકળે છે. નદી માં ગળધરા પાસે ખુબ ઊંડા પાણી નો ધારો આવેલો છે તે ગળધરો યા કાળીપાટ ઘુનો તરીકે પણ ઓળખાય છે. આ ઘુના ની આજુ બાજુ માં ખુબ ઊંચી ભેખડો આવેલી છે. આ ભેખડો પર એક રાયણ નું ઝાડ છે તે ઝાડ ની નીચે માં ખોડિયાર માં બિરાજમાન છે. આ જગ્યાએ નદીના કિનારે અત્યારે ખોડિયાર માં નું મોટું મંદિર બનાવામાં આવ્યું છે અને ત્યાં રહેવા ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

શેત્રુંજી નદી સૌરાષ્ટ્ર ની સૌથી મોટી નદી છે. તે ગીર માંથી નીકળે છે. તેના પર ધારી પાસે ગળધરા નજીક મોટો ડેમ બાંધવામાં આવ્યો છે. આ ડેમ ખોડિયાર ડેમ તરીકે ઓળખાય છે. આ ડેમ માંથી આજુબાજુ ના ગામો ને પાણી મળી રહે છે. આ ડેમ 1967 માં બાંધવામાં આવ્યો હતો. ધારીના ખોડીયાર ડેમનુ ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ વધારે છે. આ સ્થળે ગળધરા ખોડિયાર માતાજીનું સુપ્રસિધ્ધ મંદિર આવેલું હોવાથી ડેમ નુ નામ ખોડિયાર ડેમ રાખવામાં આવ્યું છે. તેની સામે નદીના કાળા પથ્થરોમાં પાણીનો ઝરો વહે છે. વર્ષમાં લાખો શ્રધાળુઓ અહિ દર્શન કરી તેમની માનતા પુરી કરવા આવેછે. શેત્રુંજી નદી કાઠે આવેલું આ પૌરાણિક એવું ગળધરા ખોડીયાર મંદિર નયનરમ્ય અને હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. નવરાત્રી માં ભક્તો દૂર દૂર થી માં ખોડિયાર ના દર્શન કરવા આવે છે. ભક્તો પોતાની મનોકામના પુરી કરવા માટે માં ખોડિયાર ની માનતા, બાધા રાખે છે. માં ખોડિયાર પોતાના ભક્તો ની મનોકામના પુરી કરે છે.

સૌરાષ્ટ્રમાં ખોડિયાર માતાજીનાં મુખ્ય ત્રણ સ્થાનકો છે. જેમાંથી એક સ્થાનક મા ખોડિયારનું ગળધરા મંદિર ધારીથી પાંચ કિ.મી. દૂર શેત્રુંજી નદીના કિનારે આવેલું છે. આ પૌરાણિક મંદિર નું નિર્માણ આશરે ઇ.સ.ની 9મીથી 11મી સદી દરમિયાન થયું હોવાનું મનાય છે. અહીં શેત્રુજી નદી ના ઊંડા પાણી ના ધરા પાસે ભેખડો પર રાયણ ના ઝાડ નીચે ખોડિયાર માં ની મૂર્તિ બિરાજમાન છે. એવું કહેવામાં આવે છે કે બહુ સમય પેલા અહીંયા જંગલ માં રાક્ષસો રહેતા હતા અને આજુબાજુ ના લોકો ને પરેશાન કરતા હતા એટલે માં ખોડિયાર માં એ છ એ બહેનો સાથે એમનો સંહાર કર્યો હતો. માતાજી એ એમનો સંહાર ખાંડણી માં ખાંડી ને કર્યો હતો. રાક્ષસો નો સંહાર કર્યા પછી માતાજીએ અહીં પોતાના મનુષ્ય દેહને ધરામાં ગાળી નાખ્યો અને ત્યાં માત્ર માતાજી ના ગળાનો અંશ દેખાતો રહી ગયો હતો તેથી આ સ્થળ ગળધરા તરીકે પ્રખ્યાત થયું. કહેવાય છે કે અહીં માતાજીનું ગળું બિરાજમાન છે અને માતાજી ના મસ્તકની પૂજા કરવામાં આવે છે. માતાજીએ બાળકીના સ્વરૂપમાં ઘણા લોકો ને અહીં દર્શન આપેલા છે.

એવું કહેવાય છે કે જુનાગઢ નાં રાજા ને સંતાન ન હતું. રાણી સોમલદે ને ખોડિયાર માં પર અપાર શ્રદ્ધા હતી આથી રાણી સોમલદે એ માં ખોડિયાર ની માનતા રાખેલી અને તેમને દીકરા નો જન્મ થયો હતો. તેનું નામ રા’નવઘણ રાખવામાં આવ્યું હતું. રા’નવઘણ નો જન્મ ખોડિયાર માં ના આશીર્વાદ થી થયો હતો એટલે માં ખોડિયાર ની કૃપા રા’નવઘણ પર અપરંપાર હતી. જૂનાગઢ ની ગાદી નો વારસદાર માં ખોડિયાર ના આશીર્વાદ થી મળ્યો હોવાના લીધે લોકો નો વિશ્વાસ અને શ્રદ્ધા માં ખોડિયાર પ્રત્યે વધી ગઈ અને આ કુળ ના લોકો રાજપૂતો માં ખોડિયાર ને કુળદેવી તરીકે પૂજવા લાગ્યા. રા’નવઘણ વારંવાર ગળધરા માં ખોડિયાર ના દર્શને આવતો.

એવું કહેવાય છે કે રા’નવઘણ ની માનેલી બહેન જાહલ ને સિંધ માં સુમરા એ કેદ કરી તી ત્યારે રા’નવઘણ બહેન ની વારે જતો તો ત્યારે અહીંથી નીકળતા તેનો ઘોડો ઉપરથી નીચે નદી માં પડ્યો તો ત્યારે માં ખોડિયારે તેની રક્ષા કરી હતી. આ સ્થળ પણ ત્યાં નજીક માં આવેલું છે. ત્યાર પછી માં ખોડિયાર રા’નવઘણ ના ભાલા પર ચકલી બનીને બેઠા હતા અને નવઘણ ની વારે ચડ્યા હતા. આમ નવઘણે માં ખોડિયાર ની કૃપા થી પોતાની માનેલી બેન ને સુમરા ની કેદ માંથી છોડાવી હતી ને માં ખોડિયારે તેમની રક્ષા કરી હતી.

માં ખોડિયાર ના મંદિરની દીવાલો કાચથી મઢવામાં આવી છે. ગળધરામાં આવેલો ધરો જ અહીંનું સૌથી મોટું આકર્ષણ છે. ખોડિયાર જયંતી, બેસતું વર્ષ, નવરાત્રીની આઠમ અને તહેવાર ના દિવસે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડે છે. નવરાત્રીના પ્રથમ આઠ દિવસ ત્રણ આરતી થાય છે, આ ત્રીજી આરતી રાત્રે 12 વાગ્યે થાય છે. મંગળા આરતી સવારે 5.30 વાગ્યે થાય છે. અને સાંજ ની આરતી 7.30 વાગ્યે થાય છે. દર્શન માટે સવારે 6 વાગ્યા થી સાંજ ના 7.30 સુધી મંદિર ખુલ્લું જ રહે છે. અહીંયા ભક્તો માટે રહેવા તથા જમવાની સગવડ પણ કરવામાં આવેલી છે.

શેત્રુંજી નદીના કિનારે આવેલા માં ખોડીયાર ના ભવ્ય મંદિર ના પ્રવેશ દ્વાર પર માં ખોડીયારની સાત બહેનોની પ્રતિમાઓના દર્શન થાય છે. દુર દુરથી માં ના ભક્તો અહિંયા આવી માના ચરણોમા મસ્તક નમાવી પોતાના દુ:ખ દૂર કરવા પ્રાર્થના કરે છે. મા ખોડીયાર એક પડકારે પોતાના ભક્તો ના દુઃખ દૂર કરે છે. નવરાત્રિના દિવસોમાં મંદિર માં ખોડિયાર ના ગરબાથી ગુંજતું રહે છે. લોકવાયકા મુજબ આ મંદિર આશરે બે હજાર વર્ષ જુનું છે. પહેલા આ મંદિર શેત્રુંજી નદીના કાંઠે હતું અને ધીમે ધીમે મંદિર નો જિર્ણોધ્ધાર થયો અને ઉપર ના ભાગ પર માં નું મોટું મંદિર બનાવવામાં આવ્યું છે. જો કે અહિંયા દર્શને આવનાર તમામ ભક્તો માં ના પ્રાગટ્ય સ્થાનના દર્શન કરે જ છે.

ગળધરા જવા માટે ધારી થી એસ.ટી. બસ અને પ્રાઈવેટ વાહનથી ખોડિયાર ડેમ ઉપર થઇ ને જવાય છે. ગળધરા ધારી થી પાંચ કિમી, અમરેલીથી 42 કિમી દૂર છે. ધારી થી 50 કિલોમીટર તુલશીશ્યામ અને 33 કિલોમીટર વિસાવદર થઈને સતાધાર થઇ સાસણ ના જંગલ માંથી પસાર થઇ તલાલા સોમનાથ જઈ શકાય છે. અહીંયા જવા માટે ખાનગી વાહન લઇ ને જવું વધારે અનુકૂળ રહે છે.

ચોમાસા માં અહીંયા ની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે તો એ જોતા જોતા જવાની મજા કંઈક અલગ જ હોય છે. વરસાદ ની સીઝન માં અહીંયા જવું એ સ્વર્ગ નો અનુભવ કરાવે છે. જુલાઈ થી નવેમ્બર આ જગ્યા એ ફરવામાં ખુબ મજા આવે એમ છે.

બે ગામ નું એક ગામ... સાવર અને કુંડલા, સાવરકુંડલા..

      સાવરકુંડલા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું વહીવટી મથક છે. સુપ્રસિદ્ધ કાંટા ઉદ્યોગના કારણે તે ગુજરાતમા અનોખુ સ્થાન ધરાવે છે. હાલમાં અમરેલી જિલ્લાના એક વિશાળ તાલુકા તરીકે જાણીતુ સાવરકુંડલા પહેલા ભાવનગર રાજ્યનુ અને બાદમાં તે ભાવનગર જિલ્લાનું શહેર હતુ. જોગીદાસ ખુમાણ ભાવનગર રાજ્યના કુંડલાના અંબારડી (હવે, સાવરકુંડલા)ના ગરાસિયા હતા. તેઓ અને તેમના પિતા હાદા ખુમાણ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા. ભાવનગરના દરબાર વજેસિંહે તેમના પૂર્વજોએ આપેલા ગામો પાછાં લઇ લેતાં તેઓ રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા અને છેવટે ભાવનગરના રાજવીએ સમાધાનનો પ્રસ્તાવ મૂકતા બંનેની વચ્ચે સમાધાન થયું હતું. લોકપ્રિય ગુજરાતી ગઝલ ગાયક મનહર ઉધાસનું જન્મ સ્થળ પણ આ. અહીં દિવાળી ઉપર દેશી હાથ બનાવટના ઇન્ગોરિયા ફટાકડાં ફોડવાની પરંપરા. સૌરાષ્ટ્રના સાવરકુંડલા નગર માટે ઘણી વખત સંભળાતું કે કુંડલાની નાવલીનું પાણી પીધું હોય ઈ' ક્યાંય પાછો નો પડે, આ વાતનો સામાન્ય ભાવાર્થ એ જ કે, કુંડલામાં રહેલો માણસ એવો તો ઘડાઈ જાય કે એ ક્યાંય અને ક્યારેય સુખમાં કે દુ:ખમાં હિંમત ન હારે. 

આ વર્તમાન સાવરકુંડલાની વાત નથી. પણ એ સાવરકુંડલાની વાત જે સાવરકુંડલામાં ગામને વચ્ચેથી ખરેખર અને સાચુકલી એક નાવલી નામે નદી વહેતી હતી. અને નદી પર પુલ નહોતો! કેવું હતું એ સાવરકુંડલા...! એક તરફ સાવર અને બીજી તરફ કુંડલા. વચ્ચે નાવલી નદી. રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન બંને સાવરમાં અને મોટાભાગની દુકાનો કુંડલામાં. એથી જે કોઈ કુંડલામાં ખરીદી કરવા આવે એણે આવતી વખતે અને પાછા ફરતી વખતે નાવલીમાં પગ બોળવા પડે. વિચાર કરો કે કોઈ નવાં કપડાં પહેરીને સાવરકુંડલામાં આવ્યો છે અને એક હાથમાં થેલી અને જોડાં અને બીજા હાથમાં કપડા ઊંચા કરીને નાવલી પસાર કરી રહ્યો છે… 

અને સામેથી અચાનક એક ઘોડાગાડીવાળો આવી રહ્યો છે અને એને જગ્યા આપવામાં હાથમાંથી કપડા છૂટી જાય છે અને પાણીથી ભીંજાય જાય છે! અને એ કાંઠે આવીને પાયચાને નીચોવતો નીચોવતો બજારમાં જ હટાણું કરે છે. એનાં ભીનાં કપડાં સુકાઈ જાય છે અને પાછો ફરે છે ત્યારે ફરી નાવલી નદીમાં ભીનો થાય જ...! "નાવ" જેવા અકારથી જેનું નામ ‘નાવલી’ પડ્યું છે, વર્ષોનો ઈતિહાસ અને ત્યાનો લોક સમુહ સાક્ષી છે કે સાવર અને કુંડલાની વચ્ચોવચ્ચ કાળદુકાળે બારેમાસ ગોઠણ સમાણા પાણીથી વહેતી જોઈ છે, જે ખોડીયારના સ્થાનકે થી નીકળી કુંડલાની ઉત્તરે નદિ ના પાણી બારે માસ સરખા ઉભરાતા વહેતા.., જે પાણી કાળે ઉનાળે પણ સુકાતા નહી અને બાકીના એકાદ ગાઉ ના પટ ભર શીયાળે પણ સુકાઇ જતા હતા.