Atul from

Saturday 3 February 2018

ગુજરાતી સાહિત્ય નાં અદભુત શેર

મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ,
આંગળી જળમાંથી નીકળી ને જગા પૂરાઈ ગઈ.
- ઓજસ પાલનપુરી

અધીરો છે તને ઈશ્વર બધુંયે આપવા માટે,
તું ચમચી લઈને ઊભો છે દરિયો માગવા માટે?
- અનિલ ચાવડા

દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું,
મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો લે.
– મરીઝ

જીવ હજી તો જભ્ભામાં છે,
ફાટી ગઈ છે જાત કબીરા.
- ચંદ્રેશ મકવાણા

તારું કશું ન હોય તો છોડીને આવ તું,
તારું જ બધું હોય તો છોડી બતાવ તું.
- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

આભમાં કે દરિયામાં તો એક પણ કેડી નથી,
અર્થ એનો એ નથી કે કોઈએ સફર ખેડી નથી.
- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

આ અહીં પ્હોંચ્યા પછીથી એટલું સમજાય છે,
કોઈ કંઈ કરતું નથી બસ આ બધું તો થાય છે.
- રાજેન્દ્ર શુક્લ

હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને,
કોક દરવાજો કરી દે બંધ તો!
- ચિનુ મોદી

જીવી શકું હું કઈ રીતે તમને સ્મર્યા વગર,
પાંપણ કદીયે રહી શકે મટકું ભર્યા વગર?
- મનહર મોદી

પાનખર વીતી છતાં ખરતાં રહે છે
પાંદડાને લાગી આવ્યું પાંદડાનું.
- ઉદયન ઠક્કર

 શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!
- અનિલ ચાવડા

 કેવા શુકનમાં પર્વતે આપી હશે વિદાય,
નીજ ઘરથી નીકળી નદી પાછી વળી નથી.
- જલન માતરી

 ઘર સુધી તું આવવાની જીદ ન કર,
ઘર નથી નહીંતર હું ના પાડું તને?
- ખલીલ ધનતેજવી

 મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે.
- મનોજ ખંડેરિયા

 ક્રોધ મારો જોઈને ડરશો નહીં,
પુષ્પના ડાઘા કદી પડતા નથી.
- ચિનુ મોદી

 ભૂલ જો થાય મિત્રોની તો માફ કર,
જીભ કચડાય તો દાંત તોડાય નૈં.
- અનિલ ચાવડા

 ચિંતા કરવાની મેં છોડી,
જેવું પાણી એવી હોડી.
- ભાવેશ ભટ્ટ

 સિગારેટને રસ્તા ઉપર આ રીતથી ન ફેંક ભાઈ,
આ દેશમાં ચંપલ ઘણાં તળિયેથી કાણા હોય છે.
- ભાવિન ગોપાણી

 અફસોસ કેટલાય મને આગવા મળ્યા,
ગાલીબને મારા શેર નથી વાંચવા મળ્યા.
- ભરત વીંઝુડા

 સંપ માટીએ કર્યો તો ઈંટ થઈ,
ઈંટનું ટોળું મળ્યું તો ભીંત થઈ.
- અનિલ ચાવડા

 શ્રદ્ધાનો હો વિષય ત્યાં પુરાવાની શી જરૂર?
કુરઆનમાં તો ક્યાંય પયંબરની સહી નથી.
- જલન માતરી

 બધો આધાર છે એના જતી વેળાના જોવા પર,
મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.
- મરીઝ

જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી,
જે ખુશી આવી જીવનમાં આખરી સમજી લીધી.
- મરીઝ

લઇ કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે ?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે ?
- ઉદયન ઠક્કર

 હું મંદિરમાં આવ્યો અને દ્વાર બોલ્યું,
પગરખાં નહીં બસ અભરખા ઉતારો.
- ગૌરાંગ ઠાકર

 જત જણાવવાનું તને કે છે અજબ વાતાવરણ,
એક ક્ષણ તું હોય છે ને એક ક્ષણ તારું સ્મરણ.
- રાજેન્દ્ર શુક્લ

તમને સમય નથી અને મારો સમય નથી,
કોણે કહ્યું કે આપણી વચ્ચે પ્રણય નથી.
- બાપુભાઈ ગઢવી

 રડ્યા ‘બેફામ’ સૌ મારા મરણ પર એજ કારણથી,
હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી.
- બરકત વિરાણી ‘બેફામ’

 તફાવત એ જ છે,તારા અને મારા વિષે, જાહિદ!
વિચારીને તું જીવે છે, હું જીવીને વિચારું છું
- અમૃત ઘાયલ

 જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી’તી,
બહુ ઓછાં પાનાં જોઈ શકયો બહુ અંગત અંગત નામ હતાં.
- સૅફ પાલનપુરી

 તું કહે છે અશ્રુ ચાલ્યા જાય છે,
હું કહું છું જિંદગી ધોવાય છે.
– શયદા

 વતનની ધૂળથી માથુ ભરી લઉં ‘આદિલ’,
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ન મળે.
- આદિલ મન્સૂરી

 બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
- મરીઝ

 જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.
- મરીઝ

 સમયની શોધ થઈ તેની આગલી સાંજે
મેં ઈંતજારને શોધ્યો હતો ખબર છે તને?
- મુકુલ ચોક્સી

 હસ્તરેખા જોઈને સૂરજની કૂકડાએ કહ્યું,
આપના પ્રારબ્ધમાં બહુ ચડ-ઉતર દેખાય છે.
- ઉદયન ઠક્કર

 મોત વેળાની આ ઐયાશી નથી ગમતી ‘મરીઝ’,
હું પથારી પર રહું ને આખું ઘર જાગ્યા કરે.
– મરીઝ

સૌન્દર્યો વેડફી દેતા ના ના સુંદરતા મળે !
સૌંદર્યો પામતા પહેલા, સૌંદર્ય બનવું પડે !
- કલાપી

આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં
તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં
- રમેશ પારેખ

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક
ફુગ્ગો ફુટતા વાયરે ભળીજાય થૈ મૂક.
- અનીલ જોશી

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
- ઓજસ પાલનપુરી


અમે હસીએ છીએ પણ આંસુ રોકાઈ નથી શક્તાં,
તૂટેલું સાજ હો તો સૂર પરખાઈ નથી શક્તાં
- સૈફ પાલનપુરી

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ
- હરીન્દ્ર દવે

તમે મન મૂકી વરસો, ઝાંપટું આપણને નહીં ફાવે
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે
– ખલીલ ધનતેજવી

આપણા ઘરમાં જ હો ચાલે નહીં
એમના ઘરમાંય બારી જોઈએ
– મુકેશ જોશી

યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા
ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું
- બી.કે. રાઠોડ ‘બાબુ’

બેઠ કબીરા બારીએ, સૌનાં લટકાં લેખ,
સૌની ગતિમાં સૌ ચલે, ફાધર, બામણ, શેખ !
– રમેશ પારેખ

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
– રાજેન્દ્ર શુક્લ

ઉભરા હૃદયના કાઢ, પરંતુ બધા નહિ,
ફરિયાદની મજા તો ફક્ત કરકસરમાં છે…
– મરીઝ

દિલ હો ઉછાંછળું તો ઘણો ફેર ના પડે,
બુધ્ધિ હો વિપરીત તો નક્કી વિનાશ છે.
– અદી મીરઝાં

સ્મિત કરો છો ત્યારે દિલને અવસર જેવું લાગે છે,
મુજને બે ચાર પળમાં જીવતર જેવું લાગે છે.
– સૈફ પાલનપુરી

અહિંયા બધું અધૂરું, અધૂરું, છતાં શું મધુરું, મધુરું. પિયારે !
હજી કાન માંડી હજી સાંભળી જો,ન સંગીત જગનું બસૂરું પિયારે !
- પ્રજારામ રાવળ

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.
- મરીઝ

રંગ મહેલમાં દીપ જલાવ્યા,
બાંધ્યા હિંડોળાખાટ જી.
સ્જ્જ મારા સહુ તાર સિતારના,
એક વાદકની રહી વાટ જી.
– સુંદરમ

મૈત્રીના વર્તુળોમાં જનારાની ખૈર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
- બરકત વિરાણી ‘બેફામ’

દુનિયા છે ગોળ એની આ સાબિતી છે,
બેસું જ્યાં નિરાંતે કોઈ ખૂણો ન મળ્યો
– મરીઝ

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે, કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ
– રમેશ પારેખ

નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે કુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.
- ડો. વિનોદ જોષી

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ
–  મનોજ ખંડેરિયા

નથી નથી મુજ તત્વો વિશ્વ્ થી મેળ લેતાં !
હૃદય મમ: ઘડાયું અન્ય કો વિશ્વ્ માટે !
- કલાપી

આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈ.
– રિષભ મહેતા

સાથે મળીને સ્વપ્નામાં બાંધેલ એક મહેલ,
કંકર એ મહેલ નો હજી એકે ખર્યો નથી.
– લલિત ત્રિવેદી

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
- મરીઝ

યારી ગુલામી શું કરું ? તારી સનમ !
ગાલે ચૂમું કે પ્હાનીએ તુંને સનમ !
- કલાપી

વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
–  જલન માતરી

તમારાં આજ અહીં પગલાં થવાનાં,
ચમનમાં બધાં ને ખબર થઇ ગૈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઇ છે.
–  ગની દહીંવાલા

પૈદા થયો છું ઢૂંઢવા તુંને સનમ !
ઉંમર ગુજારી ઢૂંઢતા તુંને સનમ !
- કલાપી

સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.
–  ડૉ. હરીશ ઠક્કર

બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !
–  બેફામ

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
- રઈશ મણીયાર

તારા વિરહ માં ફૂલ જે ખીલ્યાં નથી હજી,
સ્વપ્નામાં એને મહેકની માળાઓ પરોવું છું.
- ભગવતીકુમાર શર્મા

સ્નેહને સીમા ન હો તો સાથ છૂટી જાય છે,
મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે,
તું પીવામાં લાગણી દર્શાવ કિન્તુ હોશ માં,
કે વધુ ટકરાઇ પડતાં જામ ફૂટી જાય છે.
- બેફામ

ઘટમાં શિવ, નજરમાં સુંદર, મનમાં સત્યનું અક્ષય ઠામ,
આજ તમારા પુણ્યપ્રતાપે તન છે અમારું તીરથધામ.
- શૂન્ય

ભરોસો ન કરજે કદી ફૂલનો તું, ફૂલો તો ચૂંટાઇને ચાલ્યાં જવાનાં,
ચમનને વફાદાર કંટક રહેશે, ચમનને કદી પણ નથી છોડવાના.
- મુકબિલ કુરેશી

કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે
–  મુકુલ ચોકસી

છે ભૂલા પડવાનો એકજ ફાયદો ,
કેટલા રસ્તા પરિચિત થાય છે
–  અમિત વ્યાસ

તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.
- હરીન્દ્ર દવે

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને !
અહેસાનમાં દિલ જુકતું રહેમત ખડી ત્યાં આપની !
- કલાપી

ઉગ્યા છે રેતી નાં રણ મારી હથેળી મા
નીકળ્યા છે ઊંટૉનાં ધણ મારી હથેળીમા
ટોળે વળીને પંખી ઊતરે વિશ્વાસ નાં
નાખી છે શ્વાસોની ચણ મારી હથેળીમા
- અતુલ બગડા 'તથ્ય'