Atul from

Tuesday 20 November 2012

તરવર...તરવર...

વર્ષોથી કશુક ખાંખા ખોળા કરે છે ,
જડતું  નથી 
શું  ગોતે છે ? ખબર નથી 
છું  મળશે ? ખબર નથી 
અચાનક  ફડાક દઈને આંખો ફૂટી જાય 
સો  વોલ્ટના બલ્બની માફક, અંધારું 
ચૌતરફ અંધારું-અંધારું,
કશું  દેખાતું નથી  સમજાતું નથી 
સમજી  શકાતું નથી 
હું  કોણ છું ? આ કોણ છે ? તે કોણ છે ? 
સ્વને  ઓળખવાની કોશિશ, 
વ્યર્થ  ફા..ફા..ગેં..ગેં..ફેં..ફેં.. !
જીવન  શું છે ? 
સમજાતું નથી, સમજી  શકાતું નથી,
સમજી શકાતું નથી 
રણની વચ્ચે તરવરતા મૃગજળની માફક 
લાગણી ફૂંટી નીકળે છતાંય 
વસંતમાં કુંપળ ફૂટતી નથી 
મુરજાતી નથી, મહેકાતી નથી 
બસ ચારે બાજુ 
તરવર... તરવર...
જીવન તરવર...
કાગળ  તરવર...
ઝાંકળ તરવર...
મૌન તરવર...
સંજોગ તરવર...
હું જાગું છું કે ઊંઘુ છું, તંદ્રા !!!
હાથ.. પગ.. હૃદય.. ઇન્દ્રિય..
બધું પોટલું વાળી ફેકી દો કોઈ ઊંડા ધરામાં 
છતાંય, કૈ કરી શકાય તેમ નથી 
દુરથી મારા જ કર્કશ અવાજમાં, હું પડઘાઉં છું 
હું  કોણ છું ? આ કોણ છે ? તે કોણ છે ? 

             ----------- અતુલ બગડા '' તથ્ય ''

Monday 19 November 2012

શું શક્ય છે .
ના શક્ય નથી ?
વાત માં કઈક તો તથ્ય છે

કવિ દરરોજ બારી માંથી
ઉગતા ને આથમતા સુરજ સામે જોઈ રહે
ને વળી વિચારે
શું શક્ય છે ?
ડૂબવું-ઉગવું-આથમવું

ઘરના નળિયા માંથી ચળાઈ આવતો અજવાશ
પકડવા મથતો !!!!
ફક્ત મુઠ્ઠીમાં બંધ છે હસ્તરેખાઓ
શું અજવાશ ખોળવો શક્ય છે ?
વાત માં કઈક તો તથ્ય છે

તમે હમેશા રસ્તા પર
માથું ખંજવાળતો
ઊચો-નીચો થતો
મુક્કા ઉછાળતો
વાળ પીખતો
ખુદ પર ગુસ્સો કરતો
કે રડતો, પાગલ માણસ જોયો હશે
કવિ આવું નથી કરતો આટલોજ ફરક છે

ક્યારેક
ઘટનાની ભૂતાવળો માં હિજરાતો
ખલાસી
મધ્ય-દરીયે ચકચૂર થઇ જાય,
ને તે
અથડાતું-કુટાતું વહાણ ડૂબશે ?
ઊભરશે ?

શું શક્ય છે ?
વાત માં કઈક તો ' તથ્ય ' છે.

------------- અતુલ બગડા '' તથ્ય ''

મારા કાગળ ઉપર

                                               લખું છું હું પ્યારું નામ વાદળ ઉપર
                                             કહે તું તો ચીતરું ગઝલ ઝાકળ ઉપર

                                            ગુલાબી બાગ પર ખીલશે કવિત પણ
                                              તમારી મુસ્કાન હોય તો ફાગણ ઉપર

                                               હતી તારા વાળની લટ વર્ષા સમી
                                               ચિત્રો દોર્યા'તા કદીક કાજળ ઉપર

                                              નિષ્ઠુર બની તો સજા પણ સહી લેશું
                                               વિતાવી દેશું જીવતર આ રણ ઉપર

                                               ધુમાડા ઉઠતા રહ્યા મૃગજળ માફક
                                                બળેલા સ્વપ્ન મહેલ પાપણ ઉપર

                                              થશે જો એકાદ વરસાદ એ કબરમાં
                                              રહેશે શાંતિ જરાક ખાંપણ ઉપર

                                               અમારી કૈ વેદના 'તથ્ય' રજુ કરવી
                                               કદાચ ઉગે આંસુ મારા કાગળ ઉપર

                                                                              ---------- અતુલ બગડા '' તથ્ય ''

દરિયો સાલ્લો તડપાવે છે

                                                    દરિયો સાલ્લો તડપાવે છે 
                                                    પ્રખર ધીખતો ફણગાવે છે
 
                                            વિખી-ચુંથીને ઉભા શઢને 
                                                                 આમ-તેમ કઈ ફંગોળે 
                                            પથ્થર છાતી બેસારી દે 
                                                            એવો ચડ્યો કઈ હિલ્લોળે

                                                     વાવડો જીવતર ફફડાવે છે
                                                      દરિયો સાલ્લો તડપાવે છે 

                                             હલેસાનું જીવન બિચારું 
                                                                 ખાપવામાં વીતી ગયું 
                                            ખલાસીનું જીવન બનીને 
                                                                  કાફલામાં વીતી ગયું

                                                     હાલક-છાલક વલખાવે છે 
                                                     દરિયો સાલ્લો તડપાવે છે

                                           ઘૂઘવાટાના મોજા ભયંકર 
                                                            સાંઢ બની જઈ ફુન્ગારે
                                           લાકડયાળી છત પે બળતો 
                                                            સુરજ બની જઈ અંગારે

                                                        ફીણ-ફીણ જન્માવે છે 
                                                        દરિયો સાલ્લો તડપાવે છે

                                             નેજવું કરી જોતા ઉભા 
                                                            ફાગણ ભૂખ્યા મરજીવા 
                                             કિનારાની વાટે ઝૂરતા 
                                                             ખાંપણ બાંધ્યા કેસરિયા

                                                          માથું ખડક સાથે ભટકાવે છે 
                                                          દરિયો સાલ્લો તડપાવે છે
 
                                           મૌત ઝઝૂમ્યા ઝડબામાંથી 
                                                                 બચવું કેમ કહી દો ?
                                           મધ્યે ડૂબ્યા જીવતર માં 
                                                                 તરવું કેમ કહી દો ?

                                                          ભીતર કોઈક તો  જગાડે છે 
                                                          દરિયો સાલ્લો તડપાવે છે

                                            સ્વયં ખોજનો વખત થયો 
                                                             ત્યાં  ગ્રહણ થયાના એંધાણ 
                                            આયખાની આ ખેપ લઈને 
                                                            ક્યારે પહોચે મારા વહાણ

                                                        આ પાર-તે પાર વચગાળે છે 
                                                        દરિયો સાલ્લો તડપાવે છે



                                                                                  ----- અતુલ બગડા  '' તથ્ય ''

------------ ટશર ફૂટ્યાનું ગીત ------------

------------ ટશર ફૂટ્યાનું ગીત ------------


ગુલાબી આ નવ યૌવનમાં ઢોલ ઢબૂકતા લાગ્યા
લાગણીઓ ના ઝુંડ માથે આભ લેતા ચાલ્યા

બંધ આખ્યું માં વલખા મારતું કેસુડાં નું ટોળું

કુંપળ કાયમ નવતર રૂપે ઊંડાણે જઈ ખોળું

અજવાળાના દીવા લઈ ને ઇચ્છાઓમાં જાગ્યા
ગુલાબી આ નવ યૌવનમાં ઢોલ ઢબૂકતા લાગ્યા


સ્નેહ મુશળધાર વરસતો નયનુંના ઉપવનમાં
ટશર ફૂટ્યાની વાત ફેલાણી ઝાડ-પાન પવનમાં

પલકારાના બંધ બારણે સાગર ઘૂઘવતા જામ્યા
ગુલાબી આ નવ યૌવનમાં ઢોલ ઢબૂકતા લાગ્યા

રાત-રાણીની સુગંધ ફોરતી કેસરિયા નગરમાં
નિશાનીઓ પણ ફૂલ સરીખી ઉગી રહી ચમનમાં

ઝાકળ ભીની ધરતી પર મસ્ત મજાના માલ્યા
ગુલાબી આ નવ યૌવનમાં ઢોલ ઢબૂકતા લાગ્યા

ભીતરમાં કોઈ જાગતું, માથે ચોકી ફેરો કરતુ
સખી-સખી નામ પોકારી બેબાકળું થઇ મરતું

રુદિયાના ધબકાર સાથે બંસી સુર ને પામ્યા
ગુલાબી આ નવ યૌવનમાં ઢોલ ઢબૂકતા લાગ્યા

---------- અતુલ બગડા '' તથ્ય ''

Friday 2 November 2012

સુંદર ગઝલ

Photo: -લાજ ના ભાર થી નમી તે ગઝલ,
પ્રથમ દ્રષ્ટી એ જે ગમી તે ગઝલ....                                                            


                         -લાજ ના ભાર થી નમી તે ગઝલ,
                          પ્રથમ દ્રષ્ટી એ જે ગમી તે ગઝલ..

અડ્બાવ છોડ

જાત આપણી ખેતરનો અડબાવ છોડ છે
લથડતા પતંગાની પાંખમાં કઈક ખોડ છે

હુંફની જાતને ને તારે સો ગાઉનું છેટું
સાજન-માજન બોરડીનું આંગણીએ બેઠું
તરસ્યા હરણની ઝાઝવા તરફ દોડ છે
----જાત આપણી ખેતરનો અડબાવ છોડ છે

ભૂખરા કાળમીંઢ માંથી શોધ્યા કરૂ પાણીને
ટાંકણા લઇ શિલ્પી કોર્યા કર્યા લાગણીને
સૂકી આંખ તારી પથ્થરની બે જોડ છે
----જાત આપણી ખેતરનો અડબાવ છોડ છે

છે એક અદમ્ય ઈચ્છા તેથી દબાઉં કેમ ?
આ પારથી પેલે પાર ઊગીને જાઉં કેમ ?
લીલાછમ જંગલમાં કાળો એક રોડ છે
----જાત આપણી ખેતરનો અડબાવ છોડ છે

/////////- અતુલ બગડા '' તથ્ય '' -////////

આઈન્સ્ટાઈન

વિશ્વમાં ગજબની મગજ શક્તિ ધરાવતા માણસ તરીકે જેને ઓળખવામાં આવે છે, તે છે આઈન્સ્ટાઈન. તેમણે સફળતા માટે અને જીવનનું મેનેજમેન્ટ કરવા માટે દસ વાતો ખાસ સજેશ કરી છે. સફળતાની સીડીના દસ પગથીયા દર્શાવ્યા છે. સાથે જ તેની આ કેટલીક વાત નાના બાળકોને જો અત્યારથી જ કહેવામાં આવે તો તે સફળતમ વ્યક્તિ તરીકે ઉછરે છે. તમે અત્યારે જે હોદ્દા પર છો ત્યાંથી તમારે મૂલ્યવાન બનવા માટે ખાસ જરૂરી છે આ વાત જો આ દસ વાતોને તમારા રૂમમાં ભીંત પર લગાડી દરરોજ યાદ રાખવાથી તમારામાં આત્મવિશ્વાસ અને બૌદ્ધિકક્ષમતામાં વધારો કરશે.

તમારી ક્યુરિયોસિટીને અનુસરો – ‘‘મારી પાસે કોઈ ખાસ ટેલેન્ટ નથી, હું માત્ર પેશનેટ જીજ્ઞાષું છું.’’ અર્થાત્ એવુ કહે છે કે જીજ્ઞાષા મહત્વની છે. સ્વામી વિવેકાનંદ પણ એમ જ કહે છે કે કશું પણ પ્રાપ્ત કરવા માટે તેના પ્રત્યે તમારે બાળકો જેવી જીજ્ઞાષા રાખો, તેના વિશે એ બધું જ જાણી લો જે તમને તેના મૂળ સુધી લઈ જાય. આવું એ માટે કહેવાયું છે, જેથી તમારે જે વસ્તુ પ્રાપ્ત કરવી છે તેના મૂળ સુધી તમે જાણી શકો.

ખંત અમૂલ્ય છે – ‘‘હું સ્માર્ટ નથી; પણ હું સમસ્યા સાથે લાંબા સમયથી ઝઝુમી શકું છું.’’ અર્થાત્ વિશ્વનો મહેન વિજ્ઞાની એમ કહે છે કે તે સ્માર્ટ નથી પણ સમસ્યા સાથે ઝઝુમવાનો ઉત્સાહ છે. વિવેકાનંદ કહે છે કે કુશળતા બધામાં હોય છે, પણ તેનો કેવી રીતે એને કેટલો ઉપયોગ કરવો તે મહત્વનું છે. આમ કોઈ એક વાતને વળગી રહેવું તે મહત્વનું છે એ પણ ઉત્સાહથી.

વર્તમાન પર ધ્યાન આપો – ‘‘જો તમારામાં ધ્યાન રાખવાની ઈચ્છા પ્રબળ ન હોય તો ’’ આ ધ્યાન દેવાની તમારામાં આવડત છે, બસ આ આવડતને જ તમારે તમારા ક્ષેત્રમાં યુઝ કરવાની છે. તમે તમારા કામમાં ધ્યાનપૂર્વક વળગી રહો કે તમારા બીજાં બધાં કામમાં તમે રહો છતાં તમારું સંપૂર્ણ ધ્યાન તો મૂખ્ય કામમાં જ રહેવું જોઈએ.

તમારી કલ્પના પાવરફૂલ બનાવો - ‘‘કલ્પના બધું છે. તે આવનાર જીવનનું આકર્ષક દ્રશ્ય હોય છે. જ્ઞાન માટે કલ્પના ખાસ જરૂરી છે.’’ અર્થાત્ કલ્પના પારવરફૂલ રાખો. આજના બાળકોની કલ્પના એટલી સક્ષમ હોતી નથી. કલ્પના પાવરફૂલ એ માટે નથી કે તેની સામે ટી.વી. છે. આથી તેની પાસે બધી વાતો પૂરતી આવી જાય છે, પછી તેને કલ્પના કરવાની જરૂર જ રહેતી નથી. આથી તે વધું વિચારી શકતાં નથી, ખૂબ વિચારો, વાંચો કે જુઓ છો તેની પાછળ તમારું ચિંતન અને મનન રહેવું જોઈએ. આ ચિંતન અને મનન એ રીતે કરો કે તમારી સામે જે આવ્યું છે તે તેનાથી વધું સારું કઈ રીતે હોવું જોઈએ. આથી તમારી કલ્પના પ્રબળ થવા લાગે છે, જેટલી કલ્પના પ્રબળ રાખશો તેટલું મગજ ચાલશે અને તેથી મગજ શક્તિમાં વિકાસ થશે.

ભૂલો કરો – ‘‘જે વ્યક્તિ ક્યારેય ભૂલો નથી કરતો, તે ક્યારેય નવું નથી શીખી શકતો’’ અર્થાત્ ભૂલ વગર તમે કશું જ કરી શકતાં નથી, કારણ કે આપણામાં પ્રોગ્રામિંગ નથી હોતું અને પ્રોગ્રામિંગ ન હોવાથી જ આપણે એથી વધું વિચારી શકીએ છીએ. ભૂલો કરવાથી નવું શીખવા મળે છે. તમે ભૂલ કરો છો એટલે તમે એક માર્ગમાં છેલ્લે સુધી જઈ આવ્યા છો એટલે તમારી સામે વિકલ્પો ઓછા થઈ જશે અને આગળના પ્રયત્ને સફળતા મેળવવા માટેની ચાંસ વધી જશે.

ક્ષણને જીવંત રાખો – ‘‘હું ભવિષ્યનું ક્યારેય વિચારતો નથી. નજીકના સમયગાળાનું ધ્યાન રાખું છું.’’ આપણા ગુજરાતી કવિ રાજેન્દ્ર શુક્લ ખૂબ સરસ લખે છે ‘હોવુંય હવે ઉત્સવ, આકંઠ શ્વસી લઈએ...’ અર્થાત્ ક્ષણોમાં જીવવાનું રાખો. સ્વામી વિવેકાનંદ ‘રાજયોગ’ના વ્યાખ્યાનમાં કહે છે કે એ માણસ ક્યારેય સફળતા નથી મેળવી શકતો જે વધારે ભૂતકાળમાં કે ભવિષ્યમાં જીવ્યા કરતો હોય. આવું જ બને છે. માણસ કાંતો ભૂતકાળને વાગોળ્યા કરે છે કે પછી ભવિષ્યની ચિંતામાં તેને આજે શું કરવાનું છે તે અમલમાં જ લાવી શકતો નથી.

મૂલ્યવાન બનો – ‘‘ખૂબ સંઘર્ષ કરવોએ સફળતા નથી, પણ તેનું કંઈક મૂલ્ય હોવું જોઈએ.’’ અર્થાત્ તમે તમારી જાતને અંડરએસ્ટિમેન્ટ ન કરો. ઘણા માણસો કહેતાં ફરે છે કે અમે એટલો સંઘર્ષ કર્યો, આટઆટલું કર્યું છતાં કંઈ ન થયું, ત્યારે તેઓએ આ વાત ખાસ મગજમાં રાખવી કે ખૂબ સંઘર્ષ કરવો એ તો હાર્ડ વર્ક છે, તમે સ્માર્ટવર્ક કરો. એક આઈડિયા જે તમારી જિંદગી બદલાવી શકે છે. તમારામાં પણ એવું કશુંક પડેલું છે, તમારા સંઘર્ષનું મૂલ્ય હોવું જોઈએ. તમારા સંઘર્ષનું પરિણામ પ્રથમ નિશ્ચિત કરો અને પછી તેનો ખૂબ સામાન્ય ઉકેલ મેળવવા માટે પ્રયત્ન કરો.

પુનરાવર્તન ન કરો. - ‘‘ગાંડપણ: જો તમારે અપેક્ષિત પરિણામ મેળવવું હોય તો એકની એક વાતને અલગ રીતે કરો.’’ અર્થાત્ વારંવાર પીષ્ટપેષણ ન કરો. પીષ્ટપેષણ કરવાથી તમે આગળ વધી શકતાં નથી. કોઈ વસ્તુને પામવનું ગાંડપણ રાખો પણ અપેક્ષિત પરિણામ મેળવવા માટે પુનરાવર્તન કંઈક અલગ રીતે કરો જેથી અલગ પરિણામ તમે મેળવી શકો. જે તમારી સફળતાનો નવો આયામ હોઈ શકે.

અનુભવમાંથી જ્ઞાન આવે છે – ‘‘માહિતી તે જ્ઞાન નથી, જ્ઞાનનો સ્ત્રોત માત્ર અનુભવ છે.’’ આ વાત દરેક વ્યક્તિએ ખાસ યાદ રાખવા જેવી છે. કારણ કે આપણે કોઈ માહિતી મેળવીને એટલા ધન્ય થઈ જઈએ છીએ કે જાણે આપણે કોઈ વાતનું જ્ઞાન લાધી ગયું હોય. તો વળી તમને પ્રશ્ન થશે કે જ્ઞાન શું છે? જ્ઞાન એ અનુભવમાંથી આવે છે, જેથી તમે અનુભવમાંથી જે પામો છો તે સર્વતોમુખી વાત હોય છે, બધું પ્રાપ્ત થાય છે. અનુભવ એ શ્રેષ્ઠ શિક્ષક છે. જ્ઞાનથી એ વાત તમારા માટે સહજ થતી જશે.

નિયમો જાણીને સારી રીતે રમો – ‘‘તમે રમતના નિયમો જાણો અને પછી તમે એ ક્ષમતા કેળવો કે આ નિયમોને બીજાથી અલગ કઈ રીતે રમશો.’’ સફળતાની આ એક મોટી રમત છે. જગતમાં જે વ્યક્તિ આ વાતને અપનાવી ચૂક્યો છે તેણે પોતાના ક્ષેત્રમાં સફળતા ચોક્કસ મેળવી છે. તમારે જે ક્ષેત્રમાં જવું છે તેના બધા નિયમો જાણી લો, પછી એ નિયમોને તમારી રીતે ઉપયોગ કરો સફળતાનો આ એક મોટો હૂક હોય છે. ખુદ આઈન્સ્ટાઈન જ જોઈ લો, વિજ્ઞાનમાં આવીને સૌ પ્રથમ તેણે ન્યૂટનના નિયમોનો ઉપયોગ કર્યો પણ પોતાની રીતે અને એક સાપેક્ષવાદ નામે નવું વિજ્ઞાન આપ્યું. બિઝનેસમાં ધીરુભાઈ જોઈએ લો, બિઝનેસના બધાં નિયમોને જાણી અને તેણે પોતાના ઉપાયોગ માટે તેને બદલાવ્યા અને આજે તેની કંપની વિશ્વમાં સ્થાન પામી છે. આ આવડતને જ કુશાગ્રતા કહે છે.