Atul from

Thursday, 24 August 2017

ગરવો ગઢ ગિરનાર

             ઐતીહાસીક શહેર જૂનાગઢનું ધાર્મીક મહત્વ પણ ઘણું છે. ગીરનારની તળેટીમાં વસેલા ભવનાથ વીસ્તારમાં ઘણાં ધાર્મીક સ્થળો આવેલા છે. વળી વર્ષમાં બે વખત ભવનાથમાં મેળા પણ યોજાય છે.
                   ગીરનાર તળેટી અને જુનાગઢ નાં વિવિધ સ્થળો, દાતાર ટેકરી, પ્રાચીન ભવનાથ મંદીર અને મૃગી કુંડ, પૌરાણીક દામોદર કુંડ, મુચકુંદ ગુફા અને રેવતી કુંડ, ઐતીહાસીક ઉપરકોટનો કીલ્લો અને ત્યાંના રક્ષીત સ્મારકો, નરસીંહ મહેતાનો ચોરો, રાજ્ય રક્ષીત સ્મારકો, મહોબત મકબરો, ખાપરા કોડીયાની ગુફા અને બાવા પ્યારેની ગુફાઓ વગેરે, અશોક શીલાલેખ, સક્કરબાગ ઝૂ, દરબાર હોલ અને સક્કરબાગ મ્યુઝીયમનો સમાવેશ થાય છે. વળી ભવનાથમાં યોજાતા મહાશીવરાત્રીનાં મેળા, ગીરનારની પરીક્રમા, ઉપલા દાતારની ટેકરી પરનો ઉર્ષ, દામોદર કુંડ ખાતે ભાદરવી અમાસ, ચૈત્ર અને કારતક માસમાં મોટી સંખ્યામાં પીતૃતર્પણ માટે આવતા ભાવીકો, દર વર્ષે યોજાતી રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાની ગીરનાર સ્પર્ધા, થી જુનાગઢ ની રોનક વધે છે.
               ગિરનાર પર્વત એ ભારત દેશનાં પશ્ચિમ ભાગમાં આવેલ ગુજરાત રાજયનાં જૂનાગઢ શહેરથી પાંચ કિલોમીટર ઉતરે આવેલ પર્વતોનો સમુહ છે. જયાં સિધ્ધ ચોરાસીનાં બેસણાં છે. આ ગિરનાર પર્વતમાં પાંચ ઉંચા શિખરો આવેલા છે. જેમાં ગોરખ શિખર ૩૬૦૦, અંબાજી ૩૩૦૦, ગૌમુખી શિખર ૩૧૨૦, જૈન મંદિર શિખર ૩૩૦૦ અને માળીપરબ ૧૮૦૦ ફુટની ઉંચાઈઓ ધરાવે છે. જેથી ગિરનાર પર્વત ગુજરાતનો પણ ઉંચામાં ઉંચો પર્વત છે. ગિરનારના પાંચ પર્વતો પર કુલ થઇને ૮૬૬ મંદિરો આવેલા છે. પત્થરોનાં બનાવેલ દાદરા અને રસ્તો એક ટોચ પરથી બીજી ટોચ પર લઇ જાય છે. એવુ કહેવાય છે કે કુલ ૯,૯૯૯ પગથિયા છે, પણ ખરેખર કદાચ ૮,૦૦૦ પગથિયા છે.
          દર વર્ષે ગિરનારની પરિક્રમા થાય છે જેમાં લાખો લોકો જોડાઇ છે. દર વર્ષે ગિરનાર ચડવાની હરિફાઇ પણ ગોઠવાય છે. સ્થાનિક લોકોનો દાવો છે કે અત્યાર સુધીમાં ઓછામાં ઓછો સમય ૫૪ મિનીટનો નોંધાયો છે. સામાન્ય માણસને ગિરનાર ચડી પાછા આવતા ૫-૮ કલાક લાગે છે.
           હિંદુ ધર્મમાં શ્રદ્ધાળુઓ માને છે કે ઉઘાડાપગે ગિરનારનાં પગથીયા ચઢવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. ગિરનાર ગુજરાતનાં ધાર્મિક સ્થળોમાંનો એક છે. જેનું અંતર અમદાવાદ થી ૩૨૭ કી.મી. થાય છે. પ્રાચીન અને અર્વાચીન, બન્ને રીતે આ પવિત્ર સ્થળ ગિરનાર છે.
    પુરાણકારોએ લેખકોએ અને કવિઓએ પોતાની કલમ દ્રારા ગિરનારને બિરદાવ્યો છે અને ઉપસાવ્યો છે. ગિરનારનું પરમ સૌંદર્ય વિશિષ્ટ અને વૈવિધ્યસભર વનસ્પતિઓને આભારી છે. યોગીઓ, સંતો, સિધ્ધો અને સાધુઓનું ગિરનાર નિવાસસ્થાન છે. તેની ગેબી ગુફાઓ અને કોતરોમાં અઘોરીઓ વસે છે. ગિરનારને ઇતિહાસ પુરાણ માં રૈવત, રેવંત, રૈવતક, કુમુદ, રૈવતાચળ અને ઉજજ્યંત પર્વત તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. ગિરનારને વસ્ત્રાપથ ક્ષેત્ર પણ કહે છે. કારણકે વસ્ત્રોનો ત્યાગ કરી જયાં સિધ્ધોએ તપ કર્યુ તેથી આ ક્ષેત્રને વસ્ત્રાપથ કહે છે. ગિરનાર ક્ષેત્રની સિમાઓ ઉતરે ભાદર, દક્ષિણે બીલખા, પૂર્વમાં પરબધામ-તા.ભેસાણ અને પશ્ચિમે વંથલી સુધીની ગણાય છે. એક વાર્તા મુજબ પહેલા પર્વતોને પાંખો હતી અને તેઓ ઉડતા હતા. ઇન્દ્ર એ બધા પર્વતોની પાંખો વજ્રથી કાપવા માંડી ત્યારે રૈવતક પર્વત છુપાઇ ગયેલો. દ્વારિકા માં જ્યારે કૃષ્ણ રાજ્ય કરતા હતા, અને અર્જુન જ્યારે વનવાસ દરમિયાન તેમને મળવા આવ્યો ત્યારે, આ પર્વત પાસે જ કૃષ્ણએ તેને સુભદ્રા બતાવી હતી. અને અહીંથી જ સુભદ્રાનું અપહરણ કરી અર્જુન લઇ ગયો હતો.
     સ્કંદ પુરાણ ના પ્રભાસખંડમાં ગિરનાર નું મહાત્મ્ય આપેલું છે, તે મુજબ ગિરનારનું ક્ષેત્ર દશ-દશ ગાઉના પરિઘમાં ફેલાયેલું હતું. ગિરનારમાં આનંદ, કાલરોધ, સનક, વ્રૂષ, નીલ, ક્રૂષ્ણ અને રૂદ્ર જેવા અનેક પુણ્યસ્થળો અને વિવરો છે. પ્રભાસખંડ ગિરનારનું વર્ણન આપતા વિશેષ કહે છે કે, ગિરનાર શિવ લિંગાકાર છે. તેના ભૈરવ, ગજપદ, રામાનંદ, મહાશૂંગ, અંબિકા અને શ્રીચક્ર વગેરે શિખરો તથા સિંહ, વિજય, કમલ, ત્રિલોચન, કુબેર અને અશ્વત્થામા વગેરે શૂંગો છે. આ શિખરો અને શૂંગો આજે પણ છે. પરંતુ સમય જતાં તેનાં નામોનું પરિવર્તન થઈ ગયું છે.
ગિરનારએ અગ્નિકૃત પર્વત છે. જેના ઉપર સિધ્ધચોરાસી સંતોનાં બેસણા છે. સંતો-શુરાઓ અને સતીઓની આ પાવનકારી ભુમિ છે, કે જેના કણ કણમાં આદિ કવિ નરસિંહ મહેતા,સાહિત્યકારો, કવિઓ અને જગવિખ્યાત ગિરના સાવજની જગપ્રસિધ્ધીની મહેક પ્રસરી રહી છે આવી આ ધરતી માથે ઘણા વર્ષોથી યોજાતી પરિક્રમા દરવર્ષે યોજાય છે. જેને લોકભાષામાં પરકમ્મા અને લીલી પરકમ્મા પણ કહેવાય છે.
        ગરવા ગિરનારની ફરતે યોજાતી આ ૩૬ કી.મી. ની ચાર દિવસ પરિક્રમામાં જુદા જુદા સ્થળોએથી ભકતો આવે છે. આ પરિક્રમા કારતક સુદ અગીયારસે ચાલુ થાય છે અને પૂનમને દિવસે એટલે કે દેવ દિવાળીનાં દિવસે પુર્ણ થાય છે. આ પરિક્રમા કેટલા સમયથી શરૂ થઈ તેનો પાકો સમય મળતો નથી પરંતુ અગાઉના સમયમાં ફકત સાધુ-સંતોજ કોઈ પણ જાતનાં સરસામાન લીધા વિના કરતા હતા અને તે દરમિયાન ભજન ભકિત થતી હતી. ત્યાર બાદ સમય બદલાતા, આ પરીક્રમા સંસારી માણસો પણ કરવા લાગ્યા જેમાં ભોજન પ્રસાદ થવા લાગ્યો અને સામાજીક સંસ્થાઓ દ્વારા અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવે છે. ગિરનારની આ પરિક્રમા સ્વયંભુ છે.
આ પરિક્રમાનું મહત્વ ખાસતો એટલા માટે વધી જાય છે, કારણકે આવા ધાર્મિક સ્થળે એક સાથે અલગ અલગ પ્રાંત, રીતરીવાજ અને પહેરવેશનાં લોકોની સંસ્ક્રુતિને જાણવાનો મોકો મળે છે. શહેરની તમામ સુખ સુવિધાથી દુર પ્રક્રુતિનાં ખોળે અને જંગલના ઘટાટોપ વનરાઈની વચ્ચે ખળખળ વહેતા ઝરણાઓની સંગાથે સુમધુર કરતા પક્ષીઓનાં કલરવ સાથે પ્રક્રુતિની ગોદમાં જીવનનાં ત્રિવિધ તાપથી રાહત મેળવવા તેમજ તમામ પ્રકારનાં દુ:ખ ભુલીને આવનાર સમયમાં બને તેટલું યથા શક્તિ પુણ્યનું ભાથુ બાંધવા માટે પરમ સત્યને પામવા માટે આ પગપાળા પરિક્રમા યોજાય છે. તે દરમિયાન કેડીઓ, ધુળીયા રસ્તાઓ, ડુંગરો, નાના મોટા ઝરણાઓ, સોળેકળાએ ખીલેલી વનરાઈ અને કુદરતી સૌંદર્ય જે કાશ્મીરની વાદીઓને યાદ કરાવે છે. જે યાત્રિકોને મંત્રમુગ્ધ કરે છે અને આશરે ૩૬ કી.મી.નો પગપાળા રસ્તો કયારે પુર્ણ થઈ જાય છે અને થાક પણ કયાં ગાયબ થઈ જાય છે તે ખબર પડતી નથી.
        ગિરનાર ચોર્યાશી સિધ્ધોનું નિવાસ સ્થાન છે. યોગીઓની તપોભૂમિ છે. સાધુ-સંતો માટે માનો ખોળો ગણાય છે. સંસારના તાપથી દાઝેલાઓ માટે પરમ શાતા આપતું સ્થાન છે. ભવનાથનો સેંકડો વર્ષોથી સાધુ-સંતોનો મેળો ભરાય છે. દેશ વિદેશથી સાધુ-સંતોની વચ્ચે સંત સમાગમ તથા સત્સંગ કરવા ગિરનારની ગોદમાં આ ભવનાથનાં મેળે આવે છે. અમરાત્મા અશ્વત્થામા અને પાંચ પાંડવો આ ભવનાથનાં મેળામાં શિવરાત્રિની મધરાતે મૃગીકુંડમાં સ્નાન કરી અને ભવનાથ મહાદેવનાં દર્શન કરવા આવે છે તેવી પણ એક લોકવાયકા છે.આમ પણ આ મેળાની સાથે જોડાયેલ મહત્વની બે જગ્યાનો પુરાણો ઇતિહાસ છે.
    ભવનાથ મહાદેવ આપણા શાસ્ત્રોમાં કોઈપણ મંદિરનાં પ્રાગટય વિષેની જે વાતો જોવા મળે છે તે મુજબ ભવનાથ મહાદેવની કથા પ્રચલિત છે તે પ્રમાણે જયારે પ્રલય થયો અને બ્રહ્માનાં દિવસનો અંત આવ્યો, ત્યારે સૃષ્ટિ રુદ્રમાં લય પામી. પ્રભાત થયું ત્યારે બ્રહ્મા, વિષ્ણુ તથા રુદ્ર સત્વ, રજસ અને તમસ રૂપે પ્રગટ થયા. પ્રલય વખતે શિવ જળમાં સમાધિસ્થ હતા. બ્રહ્મા, વિષ્ણુ અને રુદ્ર વચ્ચે કોણ મોટું એ અંગે વિવાદ જાગ્યો. તે સમયે શિવ વચ્ચે પડયા અને બ્રહ્માને ઉત્પતિ, વિષ્ણુને પાલન પોષણ અને રુદ્રને સંહારનું કામ સોંપી તકરારનો અંત આણ્યો.
           જેથી જગતપિતા બ્રહ્માએ શિવજીને સંસારમાં રહીને સંસારીઓના સુખદુ:ખનું સમાપન કરવા વિનંતિ કરી. આથી ભગવાન શિવએ પૃથ્વી પર નજર દોડાવી. વનરાજીથી આભુષિત એવા ઉજર્યત પર્વત (ગિરનાર) તેમની નજરે ચડયો. જેથી ગિરનારનાં ખોળે ભગવાન શિવએ આસન જમાવ્યું. બીજી તરફ કૈલાશમાં મહાદેવને ન જોતા પર્વતીએ શોધખોળ આરંભી. શિવને દેવોએ સૃષ્ટિ પર મોકલ્યા છે તે જાણીને પાર્વતી ક્રોધે ભરાયા. પતિની શોધ કરતા કરતા પાર્વતી મહાદેવે જયાં આસન જમાવેલું ત્યાં આવ્યાં. જેની સાથે બીજા દેવતાઓ પણ હતાં. તે દિવસે ભગવાન શિવ ભવનાથરૂપે પ્રગટ થયા તે દિવસ વૈશાખ સુદ પૂનમનો હતો. પાર્વતીએ અંબિકારૂપે ગિરનાર ઉપર તથા વિષ્ણુએ દામોદર તરીકે દામોદર કુંડમાં વાસ કર્યો. અન્ય દેવતાઓ, યક્ષો, ગાંધર્વોએ ગિરનારનાં અલગ અલગ સ્થાનોને પોતાના નિવાસ બનાવ્યા હતા તેમ લોકવાયકા છે.
               મૃગીકુંડ ભવનાથ મહાદેવની બાજુમાં આવેલા આ મૃગીકુંડની પણ આવીજ વિસ્મયભરી કથા છે. કાન્યકુબ્જનાં રાજાભોજને તેના અનુચરે એક દિવસ કહ્યુ કે રેવતાચળનાં જંગલમાં હરણનાં ટોળામાં માનવ શરીરધારી કોઈ સ્ત્રી ફરે છે. હરણની જેમ તે કુદે છે જેનું મોઢું હરણનું છે જયારે તેનું શરીર સ્ત્રીનું છે. જેથી રાજા દિવસોની મહેનત બાદ આ નવતર પ્રાણીને પોતાના મહેલમાં લઈ આવ્યા. ત્યારબાદ પંડીતોને આ ભેદ ઉકેલવા વિનંતિ કરી. વિદ્વાનો કોઈ માર્ગ ન શોધી શકતા રાજા ભોજ કુરૂક્ષેત્રમા તપ કરી રહેલ ઉર્ધ્વરેતા નામના ઋષિ પાસે જાય છે.
      ઉર્ધ્વરેતા ઋષિએ મૃગીમુખીને માનવીની વાચા આપી જેથી તેણે પોતાના ગત જન્મની વાત કરી કે, આગલા ભવમાં રાજા ભોજ સિંહ હતો અને મૃગમુખી મૃગલી હતી. સિંહે મૃગલીનો શિકાર કર્યો ત્યારે ભાગવા જતા વાંસની ઝાડીમાં તેનું મસ્તક અટવાઈ ગયું અને બાકીનું શરીર સુવર્ણરેખા નદીના પાણીમાં પડ્યું. નદીના પવિત્ર પાણીમાં શરીર પડવાથી તે માનવજન્મ પામી. પરંતુ મોઢું ઝાડીમાં હોવાથી મુખ હરણીનું રહ્યું. જેથી ઉર્ધ્વરેતા ઋષિનાં આદેશ પ્રમાણે રાજા ભોજે તપાસ કરાવી તો ઝાડીમાંથી હરણીની ખોપરી મળી આવી. તે સુવર્ણરેખાનાં જળમાં પધરાવવામાં આવી. તેથી મૃગમુખીનું સમગ્ર શરીર માનવીનું બન્યું. અને રાજા ભોજે વિદ્વાનોનાં આશીર્વાદ લઈને તેની સાથે લગ્ન કર્યા. ત્યાર બાદ પત્નીનું સુચન માનીને રાજાએ રેવતાચળ (ગિરનાર)ની તળેટીમાં એક કુંડ બનાવડાવ્યો. તે કુંડ એટલે આ મૃગીકુંડ. આ કથા લોકાધારિત છે. અને આજ કુંડમાં શિવરાત્રિએ સાધુઓ નાહવા પડે છે.

જય ગિરનારી