શુભેચ્છક 1
રાજાભાઈ અમરાભાઇ દાફડા ' રાજ ' સબંધે મારા મોટા બાપુજી. મા - બાપ ની ઓળખાણ કે શુભેચ્છા આપવાનું દીકરા નું શુ ગજું ? હકીકત મા એમના થી આપણી ઓળખાણ હોય છે. તેમની શુભેચ્છા ને આશિર્વાદ થી આપણું જીવન હોય છે. દેખાવે બરછટ કે કઠોર લાગતા આપણા આ કવિ અંદર થી મુલાયમ અને ઋજુ સ્વભાવ ના છે. સઘળી અનુકૂળતા મળે તો કોઈ પણ છોડ પાંગરી ઉઠે એમાં અચરજ ના હોય, પણ પથ્થર ફાડી ને ઉગેલા છોડ નો સંઘર્ષ કૈક અલગ જ હોય. મારી નજરે એ જ સાચુ જીવન છે કે આટલી તકલીફો મા પણ પાંગરી ઊઠવું. તમામ વિપરીત પરિસ્થિતિ મા પણ પોતાની કવિતા કે કવિત્વ ને મરવા ન દેતો માણસ સાચા અર્થ મા કવિ છે. મે તેમનું જીવન જોયું છે તેમણે રાતો ની રાત જાગી ને કવિતા અને કવિત્વ ને સેવ્યું છે. જ્યારે તેમને કોઈ શબ્દ ની સ્ફુરણા થાય ત્યારે કોઈ સારો કાગળ હાથ વગો ના હોય ત્યારે કોઈ છાપાની છબરખી કે બસ ની ટીકીટ પાછળ કવિતા લખતા મે એમને જોયા છે. કડિયા કામ કરનારો માણસ સિમેન્ટ વાળા કે ગારાવાળા હાથે કવિતા લખીને કવિતાને જીવાડનાર કવિ તરીકે હું તેમને ઓળખું છું. કવિ મજૂર વર્ગનાં માણસ એટલે અમારા ગામમા તેમની લખેલી કવિતા ઓછી પ્રચલિત.. પરંતુ ગામનાં કે સમાજનાં કોઈ સારા નરસા પ્રસંગે ભેગા થતા સબંધીઓની વચ્ચે મેં કવિ ' રાજ' ને ખીલતાં મેં કવિને જોયા છે. તેમની કવિતામા દુહા, છંદ, છપૈયા, આરતી, ગઝલ અને કવિતાઓ મેં વાંચી છે તેમનું લખાણ અદભૂત છે.
દરેક વાચક સુઘી આ કવિતાઓ પહોંચે તેવી હ્રદય પુર્વકની તેમને શુભેચ્છાઓ સાથે સાથે મારા પરિવારમાં એક બેસ્ટ કવિ છે તેથી હું ગર્વની પણ લાગણી અનુભવું છું.
તેમની આ છૂટી છવાઈ ચબરખી મા લખાયેલી કવિતાઓને ભેગી કરીને એક પુસ્તક નું સ્વરૂપ આપવાનો વિચાર જ્યારે મારા માસી ના દિકરા ભાઈ અતુલ બગડા ' તથ્ય ' એ રજુ કર્યો ત્યારે ખૂબ જ આનંદ અને ગર્વ ની લાગણી અનુભવી.. અતુલ બગડા ' તથ્ય ' ને પણ ખુબ ખુબ અભિનંદન સાથે શુભકામના..
દિનેશભાઈ અરજણભાઇ દાફડા
શિક્ષક શેઠ એમ પી ગર્લ્સ હાઇસ્કુલ, વેરાવળ
શુભેચ્છક 2
“રાજારવ” શિર્ષક જ બતાવી રહ્યું છે કે આ કાવ્ય સંગ્રહમાં એક ગ્રામ્ય ઢબમાં વપરાતા શબ્દોની ધ્વનિને ચરિતાર્થ કરવા મથી રહેલા કવિ શ્રી રાજાભાઈ દાફડાનો અવાજ છે.
દરેક કવિતામાં ગામઠી તળપદા શબ્દો અને ગામઠી શૈલીમાં રચાયેલી રચનાઓ છે. માણસ તરીકે જ્યારે એક માણસ પોતાના અવાજને સુસજ્જ રીતે પ્રસ્તુત કરવા જાય છે ત્યારે “રાજારજ” પ્રગટ થાય છે અને કવિતાની સરવેણી ફૂટી નીકળે છે. ભલે ભણતર ઓછું પણ જીવનનું ગણતર અને વિવેક જ માણસને કવિતાના પ્રાંગણમાં લઈ જાય છે અને કવિતારૂપી પુષ્પો એની મોસમ મુજબ ખીલતા હોય છે. જેમ ભમરાનું ગુંજન ઉપવનને ગુંજે છે એમ “રાજારવ” પણ પોતાના અવાજને ત્યાં પહોચાડવા માંગે છે જ્યાં એની સુરતા લાગેલી છે. આવા કવિને ખરેખર સાદર પ્રણામ સાથે ખૂબ ખૂબ બિરદાવું છું.
“રાજારવ” આદરણિય કવિ શ્રી રાજાભાઈ દાફડાનો આ પ્રથમ સંગ્રહ છે જે અનુઠી શૈલીમાં લખાયો છે. કવિશ્રીને પ્રથમ કાવ્ય સંગ્રહ માટે ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું અને અંતરનો રાજીપો વ્યક્ત કરૂં છું. આ આવી મુજબની શૈલીમાં લખતા કવિઓ ખૂબ ઓછા હોય છે, જેમા ભક્તનો સંવાદ અને સમર્પણ ભાવ જોવા મળે છે.
કવિ શ્રી તથ્ય સાહેબના સંદર્ભથી કવિ શ્રી રાજાભાઈ દાફડા સાથે મળવાનું થયેલું ત્યારે જ કવિની રચનાઓ માણીને હું ગદગદ થઈ ગયેલો. આ સંગ્રહ લોકો સુધી પહોચે અને આપની કવિતાના મર્મને જાણે, માણે અને સમજે તેવી અઢળક શુભેચ્છાઓ સાથે કવિ ને ખૂબ ખૂબ અભિનંદન.
આપનો સ્નેહાધીન
ડૉ. મનોજકુમાર એલ. પરમાર
ગામ- ઠાંસા, દામનગર તા. લાઠી જી. અમરેલી.
No comments:
Post a Comment