Atul from

Monday, 19 March 2018

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

સવાસો વરસ પહેલાંનું ગામડાનું લોકજીવન

ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છની ધરતીના ગામડાંઓનું લોકજીવન આજે ઝડપી વિકાસના કેડે ચડીને યંત્રયુગની આંધિમાં ઉડાઉડ કરી રહ્યું છે. જૂના કાળે ભાંડ, ભવાયા, વાદી- મદારી, નટ- બજાણિયા, રાવણહથ્થાવાળા અને રામલીલા ભજવનારાઓ ગ્રામપ્રજાનું મનોરંજન કરાવી બાર મહિનાનું પેટિયું (રોટલો) રળી લેતા. આજે ટી.વી. ચેનલો, મોબાઇલ આવતાં મદારીની મોરલી, ભવાયાની ભૂંગળો અને તૂરી, બારોટના રાવણહથ્થા મૂંગામંતર બની ગયાં. ગ્રામ સંસ્કૃતિમાંથી ગાડાં, વેલડાં ને માફાની સાથે કાંકરેજી, વઢિયારા નાગોરી અને ગીર ગાયના દેશી બળદો ગયા. યુદ્ધ, ધીંગાણા ને મુસાફરીના ખપમાં લેવાતાં પાણીપંથા કાઠિયાવાડી દેવતાઇ અશ્વોનો આખો યુગ આથમી ગયો. જાનનાં ગાડાં વેલડાં અને લગ્નગીતોનાં ઝકોળાય ગયા. એની જગ્યાએ મોટરો, ટ્રેકટરો અને મોટર સાઇકલોએ બઘડાટી બોલાવવા માંડી. આથી અમારો લોકકવિ નિઃસાસો નાખતા કહે છે.

ગયા ઘોડા ગઇ હાવળ્યો, ગયાં સોનેરી સાજ,
મોટર-ખટારા માંડવે, કરતાં ભૂ ભૂ અવાજ

ગામડાંનાં સાત્વિક અને બળપ્રદ ખાનપાન- બાજરાના રોટલા, ઘી, દૂધ, માખણ, લાપશી અને લાડવા ગયા, ને પાંવ-ભાજી, ભેળપુરી અને કચ્છી દાબેલીએ ગ્રામ રસોડામાં રાજ કરવા માંડયું.અને પછી શું આવ્યું ખબર્ય છે?

ઘરેણામાં ઘડિયાળ, ને સરભરામાં ચા,
પે’રવામાં લૂગડાં (ટાપટીપ) ને ખાવામાં વા.

જૂના કાળે ગુજરાતનું ગામડું કેવું હતું, એ ગામડામાં પોતે કેવો રસાનંદ માણ્યો હતો તેનું રસપ્રદ આલેખન ઇ.સ. ૧૮૯૨માં જન્મેલા પંડિતવર્ય પ્રભુદાસ બેચરદાસ પારેખે ‘ત્રિકાળદર્શી આયનામાં ભારતનું અર્થદર્શન’ નામના મહાનિબંધમાં રસપૂર્વક કર્યું છે. એ પછી એમાંથી પ્રાચીન ગામડાની સંસ્કૃતિનો ચિતાર આપતી નાનકડી પુસ્તિકા ‘આપણું ગામ- ગોકુળ ગામ’ સને ૧૯૫૨માં પ્રગટ થઇ હતી. એના આધારે આજે વાચકોને સવાસો વર્ષ પૂર્વેની ગામડાની સંસ્કૃતિની સફરે લઇ જવા છે.

ભારતની ધરતી પર આઝાદીનું અજવાળું પથરાઇ ચૂક્યું હતું. ગામડાંઓમાં નવસર્જનની યોજનાઓનો પ્રવેશ હજુ બહુ જ ઝાંખો જોવામાં આવતો હતો. જોકે ગામડાંઓમાંથી મળતા રાજ્ય ભાગની મિલ્કતનો પ્રવાહ રાજાઓ, ગરાસદારો અને શેઠિયાઓ મારફત આઘુનિકતાની ખીલવણી તરફ ધીમે ધીમે વળતો હતો. છતાં ગામડાંઓ પોતાની મૂળ સ્થિતિમાં ટકેલાં હતાં. શ્રી પ્રભુદાસભાઇ લખે છે કે અમારે એક ઘર હતું. અને તેમાં રહીએ ત્યાં સુધી અમને તેમાંથી કોઇ કાઢી શકે તેવો કાયદો ન હતો. અમારે માત્ર દર વરસે ભાયાતી દરબારને વેરાના રૂા. ૨ ભરવાના હતા. બાકી કોઇ પંચાયત નહોતી. જમીનનો માલિકી હક્ક કોઇનો નહોતો. જમીન પ્રજાની હતી એ તેનો ભાવ હતો.

એ કાળે અમારે ઘર બનાવવાનું હતું. ઘર ચણતી વખતે અમે ચાર પાંચ દિવસ ‘લાહવા’ કર્યા હતા. લાહવા એટલે ગામના પટેલિયા, સુથાર, ચણતરનું કામ જાણનાર, કોઇ કણબી- પટેલ કે કોળી પટેલ હોય તે. અને પથ્થરો ઉપાડવામાં, માટીના તગારાં આપવામાં અમે સૌ ઘરના બૈરાં- છોકરાંઓ કામ કરીએ તે સૌ એક ટંક શીરો, લાપસી જમીએ. આ તલધારી લાપસી ઘઉંના ફાડામાંથી બનતી. લાપસી તૈયાર થયે ઉપર ઘીની વાટ દઇએ એટલે ચાલે. સાંજે તો સૌ પોતપોતાના ઘેર વાળું કરે. માત્ર બપોરે ‘લાહવા’ જમે. મોટું ઘર હોય તો સાત આઠ દિવસમાં ચણાઇ જાય. નાનું હોય તો ત્રણ ચાર દિવસમાં પૂરું થઇ જાય, જરૂર પડે તો દાડિયા રાખીને પણ કામ કરાવતા.

ઘર ચણાઇ જાય પછી ઘરનાં બૈરાંઓ માટી અને છાણના સૂંડલા ભરી લાવી ગારિયું નાખતાં. ગારિયું ચડે પછી દીવાલે ગાર્ય કરી ઉપર ઓળપ કરવામાં આવતો. બૈરાં બે ચાર દિવસમાં આ કામ કરી નાખતાં. અમારા ગામની બાજુમાં ધોળી ખડી બે ત્રણ પૈસામાં મળી રહેતી. રાવળ ગધેડા ઉપર છાલકું મૂકીને ખડી આપી જતાં. એનાથી ઓરડા અને ઓસરી ધોળવામાં આવતાં. છાપરાં માટે સીમમાંથી મોટા લાકડાં આવી જતાં. એ વખતે જંગલ સંરક્ષણનો કાયદો અમલમાં આવ્યો નહોતો. જંગલમાંથી જરૂરી લાકડાં કાપી લાવતાં એવી જ રીતે એરંડાના કે એવા લાંબા લાકડા વાંસ, વળી તરીકે કામમાં આવે. થોડાક વાંસડા શહેરમાંથી લાવીએ પણ ખરા. વાંસડાની ચીપોની વંજી તેના ઉપર આવે, અને તે ન નાખવી હોય તો ગામના પટેલિયાઓ સાંઠીના મોટામોટા કડાં ગૂંથી આપે, તે માળખ પણ ગોઠવાઇ જાય. ગામના કુંભારે નદી કાંઠે નળિયાં બનાવ્યાં હોય તે આવીને નાખી જાય. અમારા વડીલો બે દિવસની મહેનત કરીને ઘરના નળિયાં હાથે ચાળી લેતાં, એટલે વરસાદમાં મુશ્કેલી પડતી નહીં. આમ મજાનું છાપરું તૈયાર થઇ જાય. તેમાં વળી ધોળા રંગના અને લાલ રંગના નળિયાનું મિશ્રણ કરીને અમારા દાદા નવ કુકરીનું ભરત ગોઠવીને તેમાં બહારથી કળા પણ દેખાય તેમ ઉપસાવતા. આમ અમારા નિવાસસ્થાનનો ઉકેલ આવી જતો.

ખડીથી ધોળેલી ઘરની દીવાલો પર મારી બા મોર, ઘહુંલી એવા કંકુથી આળેખો દોરતાં. તેમાં સાથિયા, દેરડી, ત્રિશૂળ વગેરે આવે. ઘરને વાર તહેવારે ચાકળા ચંદરવાથી શોભાવવામાં આવતું. અમારું ફળિયું લાંબુ એટલે ઉનાળામાં ફળિયામાં ખાટલા નાખીને વાહરવા સૂઇએ. દિવસે બહુ ગરમી લાગે તો શેરી વચ્ચે કે બજાર વચ્ચે ખાટલા નાખીને સૂઇએ એટલે પવન ફર્યફર્ય આવ્યા કરે. ઘરનો ઉપયોગ શિયાળા ને ચોમાસા પૂરતો જ કે થોડી ઘરવખરી સાચવવા પૂરતો રહે. બાકી આખો દિવસ કામ કામ ને કામ. સૂઇ રહેવાની કે બેસવાની નવરાશ જ કોને મળે. સવારના સાડા ચારથી રાતના નવ દસ વાગ્યા સુધી કામ ચાલ્યા કરે. આજના જેવી હેલ્થક્લબો કે લાફિંગ ક્લબોની જરૂર નહોતી પડતી.

અમારા ગામને પાદર આજી નદી બારે માસ વહેતી રહેતી. મારી બા રોજ સાત બેડાં ધમકારાબંધ ભરી લાવતી. વોટરવર્કસને એક પાઇ પણ ટેક્સ ચૂકવવાનો નહોતો. અમારે ન્હાવું – ધોવું હોય, તો નદીએ કે પટેલની વાડીએ પતાવી આવીએ. હાથે લૂગડા ધોતા આવીએ. કદાચ સાબુ દેવો હોય તો વઢવાણના સાબુની એક પૈસાની ગોટી શહેરમાંથી લઇ આવેલા હોઇએ તે વાપરીએ. બનતા સુધી તો ધોળી ઘૂળ, ભૂતડો ને ખારાનો જ ઉપયોગ કરતા. અમારા જેવા સુખી ઘરમાં કે દરબાર સાહેબને ત્યાં કોઇ દિવસ એક પૈસાની એક સાબુની ગોટીનાં દર્શન થાય. ટૂંકમાં જ્યાં કપડાં જ ઓછાં પહેરવાના હોય ત્યાં મેલા થાય જ શાના? ગામ ગામતરે કે સગાવહાલામાં જવું હોય કે વાર-તહેવાર હોય ત્યારે નવા લૂગડાં પહેરવાના હોય. બાકી તો થાપણાંના કપડાં માટીના કોઠલામાં કે લાકડાના મજૂસમાં એકાદ બચકડીમાં બાંઘ્યા પડ્યા હોય.

સગાસબંધીઓમાં લગ્ન પ્રસંગે કે કાણે-મોકાણે જવાનું હોય તો ચાલીને અમે જતા. ઘરમાં બાર મહિનાનું અનાજ આવે તેને ઠારવું, રખેળવું, સૂંડલે ભરીને કોઠારમાં નાખવું એ બઘું કામ અમે બાળકો હોંશભેર કરતાં. ઉનાળામાં નદીનો પ્રવાહ સુકાઇ જાય ત્યારે ગામના લોકો ભેગા મળીને નદી વચ્ચે નાની કૂઇ જેવો વીરડો બનાવી લેતાં. સુથાર માવજીબાપા તેના ઉપર આડા અવળાં લાકડા મૂકીને ભેખડ ધસી ન પડે અને કોઇ તેમાં પડી ન જાય તેવી રીતે કઠેડા જેવું બનાવી આપે. નદીમાં પુર આવે ત્યારે ચોમાસામાં બઘું જ તણાઇ જાય.

અમારે ગામમાં કરિયાણાની દુકાન. દુકાનનું કામ પતાવીને આજુબાજુના ગામોમાં ઉઘરાણી કરવા પગે ચાલીને જતા. ત્યાંથી ઉઘરાણીમાં આવતાં અનાજ વગેરે વસ્તુઓ તથા દુકાનમાં વેચવા માટેની વસ્તુઓ ખભે ઉપાડીને ઘેર લાવતા. મજૂર મળે જ નહીં. મજૂરની જરૂર પણ નહીં. વધારે ભાર હોય તો સંબંધી પટેલોના ગાડામાં મોલ લવાય. ભાડું દેવાનું નહીં. પટેલને લગન બગનનું કામ હોય ત્યારે શેઠ સાથે જઇને બધો માલ રીતસર ખરીદાવી આપે. એમ સહકારથી વગર પૈસે પરસ્પરના કામો સંતોષકારક રીતે ઉકેલાઇ જતાં.

વેપારીને તો થોડીઘણી ઉઘરાણી હોય એટલે તે પેટે બાર મહિનાનું અનાજ ઘરમાં દરેક મોસમે આવી જ જાય. તેમાંથી મારી બા સૂપડે ચડાવીને તથા બીજી રીતે મોટા મોટા દાણાનું અનાજ સારી રીતે તારવી લે ને કોઠીમાં ભરે. દાણા રાખમાં રખેળાય. તેના ઉપર ભાર મુકાય. છાણાંની રાખ તો ઘરમાંથી જ મળે. તે લેવા જવી જ ન પડે. જરૂર પડે તો અડોશીપડોશી પાસેથી પરસ્પર લેવાય ને દેવાય. બારેય માસ દાણા સડયા વિનાના રહે.

ઘરમાં રોજેરોજનો લોટ ઘંટી વડે દળીને તૈયાર કરાતો. અને સવારના સૂતા હોઇએ ત્યારે ઘરનાં બૈરાંઓ વહેલાં પરોઢિયે ઊઠીને દળવા બેસી જાય. પ્રભાતિયાં ગાતાં જાય. ઘંટીના ઘરરર ઘરરર અવાજમાં અમને નીંદર પણ મીઠી આવે. આમ એક તરફ દળવાનું ચાલે. ત્યારે બીજી તરફ ઘરરડઘમ વલોણું શરૂ થાય. સવારમાં ઉઠીએ ત્યારે અમને છાશ પીવા મળે. દૂધ તો પીવું ગમે જ નહીં. મોળું મોળું લાગે ને ભાવે પણ નહીં. મા આગ્રહ કરીને મંઇ સાકાર નાખે તો ગટગટાવીએ પણ ખરા. ઘરમાં લોટ તૈયાર જ હોય એટલે રોટલા-રોટલી ઘરના ચૂલે બૈરાં બનાવી નાખે.

ખાવામાં દાળભાત માય ફરે. ગામમાં કમોદ થાય તેની મગની દાળ સાથે મીણ જેવી ખીચડી થાય. તેમાં ઘી નાખીને ખવાય. તે પણ મોટે ભાગે સાંજે વાળુમાં. જમણમાં તો ચૂરમાના લાડુ, અડદની દાળ અને ખીચડી જ હોય. દાળભાતનાં દર્શન તો ૧૪ વર્ષની ઉંમરે ગુજરાતમાં આવ્યા પછી કર્યાં. લીલાં શાક ગામની વાડીઓમાંથી સહેજે આવી જાય. દેવીપૂજક (વાઘરી) બાઇઓ સૂંડલા લઇને ગામમાં શાકબકાલું વેચવા આવે. એની પાસેથી લઇ લઇએ.

ઘરની છાશની કઢી ઘણીવાર થાય. કોઇવાર મગ, મગની દાળ, આખા અડદ, અડદની દાળ, મઠ-ચણા, ચણાની દાળ અને કળથી વગેરે કઠોળનાં શાક ફરતાં ફરતાં થાય. રોટલી ને શાક પછી બાજરીના રોટલા ને તાંસળી ભરીને રેડા જેવી છાશ પીવાની હોય. ખેડૂતોના ખેતરમાં ઘઉં, બાજરી, મગ, અડદ, ચણા, મઠ, કળથી, ડાંગર, બંટી ને કાંગ જ વવાય. જુવાર તો કોઇવાર જ વાપરીએ. જુવારનું ધાન છાશમાં રાંધે તથા ગોત્રદેવીના નિવેજ હોય ત્યારે જુવારનો ખીચડો રંધાય. અમારે અનાજ બહારથી લાવવું પડતું નહીં. અનાજ લેવાતું કઢારો એટલે જેટલું અનાજ ઉછીનું લાવીએ તેનાથી સવાયું દોઢું અનાજની મોસમમાં પાછું આપવું પડે. ઉછીનું પણ કહેવાય.

જૂના સમયમાં ગામડામાં ઘરોઘર દુઝાણું તો હોય જ. સૌરાષ્ટ્રનાં ગામડાંઓમાં ગિર ગાયોનો ઉછેર કરવામાં આવતો. ખેડૂતોનાં આંગણાં ગાય અને અશ્વથી અરધી ઉઠતાં. ઘરની બાજુમાં કોઢ રહેતી. તેમાં ગમાણ રહેતી. ત્યાં ગાયો બંધાતી. સવારના પહોરે પ્રહરિક ચારો ચરાવવા પુરુષો વહેલા ઊઠી જતા. ચોમાસાની મોસમમાં બૈરાં અને આદમી સીમમાં જઈ ખડ વાઢી લાવીને સૂકવતાં, જે ઉનાળામાં ઢોરને ખવરાવાતું. ગોવાળ ગામનું ખાડું લઈને ગૌચરોમાં ચરાવવા જતો. ગોંદરે ગામની ગાયો, ભેંસોનું ખાડું દિ’ઊગ્યામાં ભેગું થતું. ગામમાં કપાસ થાય તેને લોઢાવીને, વેપારી કપાસિયા દુકાને રાખતા. તે ઢોરોને ખવરાવાતાં. ઢોર માંદાં થાય ત્યારે તેને સારાં કરવા માટે ઉપચારો તો ઘરના માણસો પણ જાણતા હોય. ઢોર વિયાય ત્યારે ગામનો ગોવાળ વાછરું-પાડરું તાણી આપતા.

તાંબા-પિત્તળનાં વાસણોનો વપરાશ જૂજજાઝ. દૂધ દોહવાના દોણાં, દૂધ મેળવવાના દોણાં, છાશની ગોળી કુંભાર બનાવીને આપી જતાં. દોરડાં ઘરમાં હોય. રવૈયો, ડેર વગેરે ઉપકરણો સુથારે બનાવી આપ્યાં હોય, એટલે ઘી, દૂધ, દહીં, છાશ, માખણ, દૂધપાક, ખીરની ખૂબ છૂટ રહેતી. ઘરેઘરે ઢોરો એટલે દૂધ વેચવાનો રિવાજ જ ન મળે. તે દિ’ દૂધ વેચવું એ પાપ ગણાતું.

શ્રી પ્રભુદાસભાઈ પારેખ એ જમાનાને યાદ કરીને લખે છે કે અમારા ઘરમાં સોમવારનું દૂધ વાપરી નાખવાનો રિવાજ વડવાથી ચાલ્યો આવે. તે દિવસે દૂધ મેળવાય નહીં. દૂધ ખાવામાં, ને ખીર-દૂધપાક બનાવવામાં વપરાઈ જાય. સગાં, સહોદર ને સ્વજનોને ઘેર દૂધ મોકલાય. ખાસ જરૂરના પ્રસંગે તેમને ત્યાંથી લેવાય. આમ આપ-લે ચાલે પણ વેચવાનું નહીં એ વણલખ્યો નિયમ. ઘી ઘેર જ બનતું એટલે મહેમાન આવે ત્યારે ઘી લેવા દોડવાનું નહીં. ઘરમાં લગ્ન કે દાદાનું કારજ આવે તેને માટે તાવણોમાં અમુક રોજનું વધતું ઘી ગાળીને કુરિયા જેવું ભરી રાખ્યું હોય તે વપરાય. તેમ છતાં ઘી વેચાતું લાવવું પડે તો એક રૂપિયાનું ત્રણ શેર ઘી છૂટથી મળી રહેતું. તે દિ’ ખાંડ, સાકરનો વપરાશ જૂજ હતો. માંગલિક પ્રસંગે સારા ઘરોમાં સાકર વપરાતી. બાકી ગોળધાણાથી ચાલતું. ગામના પટેલો શેરડીના વાઢ કરતા. ચિચોડો મંડાતો. શેરડી ભરડાતી ને તેના રસને ઉકાળીને દેશી ગોળની ભેલીઓ બનાવાતી. ગામ આખું ચિચોડે શેરડી ખાવા, શેરડીનો રસ પીવા અને તાવડાનો ગરમ ગરમ ગોળ ખાવા જતું. જેને જેટલું ખાવું હોય તેટલું ધરાઈને ખાય. પાઈ પૈસો આપવાનો નહીં. ખેડૂતોના મન બહુ મોટાં હતાં. ખવરાવવામાં એમને આનંદ આવતો. તેઓ કહેતા કે ખવરાવ્યે કોઈનું ખૂટી જતું નથી. ગામ લોકો આ વાઢનો ગોળ ખરીદીને ગજાપ્રમાણે લોઢાની કોઠીઓમાં ભરી રાખતા, જે બાર મહિના સુધી ચાલતો.

જમતી વખતે, મહેમાન આવે ત્યારે, બપોરે ભૂખ લાગે ત્યારે ગોળના દડબાં ને દડબાં છોકરાઓ ખાય. ગોળ શક્તિવર્ધક ગણાતો. ગોળની લાપશી, શીરો, ચૂરમાના લાડું, ગોળપાપડી, તલધારી લાપસી, છુટ્ટી લાપશી, ગળ્યાં ઢેબરાં, ગળ્યાં પૂડલા, ગળમાણું વગેરે ગોળમાંથી જ થાય. મોટા મરણના દહાડામાં ગોળ-પાપડી, ગાંઠિયા ને ચણા ગોળનું જમણ થાય. ગોળપાપડીના ઘાણના ઘાણ ઊતરે અને સાત સાત થર ઉપરાઉપર નાખે. ચોસલા ઉખડે ત્યારે પાતળા પાતળા સાત થર તેમાંથી નીકળે. દહાડામાં જમવા જઈએ ત્યારે ગોળપાપડી, ગાંઠિયા ને ચણા આવે. પાછળથી છાશ પીવાની આવે.

અમને ચણા ગાંઠિયા વધારે ભાવે. ગોળપાપડી બહુ ના ખાઈએ એટલે વડીલો ડોળા કાઢીને અમને તતડાવે ઃ ‘નમાલાઓ, તમને ખાતાં આવડે છે કે નંઈ? ગાંઠિયા ચણામાં શું ખાવાનું છે? માલ માલ ખાઓ ને!’ એમ કહેતાં તેઓ પાંચ પંદર ચોસલા ઝાપટી જાય. ઘી, દૂધ અને ગોળના ખોરાકને કારણે એ કાળે લોકોનાં શરીર પથ્થર જેવા મજબૂત રહેતા. પાંચ પાંચ મણ ભાર માથે ઉપાડીને બે ગાઉ ચાલી નાખતા. બબ્બે મણ ભારની તો પાંચ પાંચ ગાઉ માથે લાવ લઈ જાવ કરવી રમત વાત હતી. અમારા ગામનો એક વાણિયો નાનકડો ત્રાંસ ભરીને લાપસી ખાઈ જતો. એકવાર એના ઉપર ૧૬ માણસ ભરેલી એક મોટર ચાલી ગઈ છતાં ઊભો થઈ લાકડીના ટેકે ટેકે ઘરે પહોંચી ગયો. અઠવાડિયું શીરો ખાઈને માથે દોઢ દોઢ મણ ભાર ઉપાડીને ચાલતો થઈ ગયો.

તે દિ’ અનાજ સંઘરવા માટે આજના જેવા ગોડાઉનો નહોતાં. ઘરનાં બૈરાંઓ અને કુંભારની બાઈઓ અનાજ ભરવા માટીની મોટી કોઠીઓ, કઠોળ રાખવાના કોઠલા અને દૂધ દહીંના ગોરહડાં રાખવા મજૂસડાં બનાવી આપતી. ૫૦-૫૦ મણ અનાજ ભરેલી કોઠીઓમાં નીચેના ભાગમાં સાણું-કાણું હોય. તેને કપડાનો ડાટો માર્યો હોય. ડાટો ખેંચી કાઢો એટલે ખરરર કરતું અનાજ બહાર સૂંડલામાં કે સૂપડામાં આવી જાય.

બાર મહિનાનું ઘરવપરાશનું અનાજ કોઠીઓમાં સંગ્રહી રાખવામાં આવતું. પણ મેઘરાજા રૂઠે ને કાળ-દુકાળ પડે તો શું કરવું? એને માટે કોઠાસૂઝ ધરાવતા કુટુંબના વડિલો ફળીમાં મોટી ખાણ ખોદાવતા. તેમાં નીચે રાડાં, બાજરીના ઢુંસા વગેરે નાખે. તેમાં જુવાર બાજરો મોટા પ્રમાણમાં ભરે. પછી એવી જ વિધિથી તેને ઢાંકી દે. ત્રણ ચાર વર્ષ કોઈ એનું નામ ન લે. ચોમાસાને કારણે તેમાં ભેજ લાગીને થોડો બાટ પણ લાગે. છતાં કાળ-દુકાળે લોકો આનંદથી ખાતાં.

ઢેબરા, શાક, પુરીઓ માટે તેલની જરૂરત રહેતી. એ વખતે ખેડૂતો પુરબિયા અને શરદિયા નામના મીઠા અને કંઈક કડછા તલ અને તલી વાવતા. એ તલ લઈ અમે ગામના નથુ ઘાંચી પાસે જઈ ઘાણીમાં તેલ કઢાવી આવીએ. તેને કુડલામાં ભરીને ઘરમાં રાખી દઈએ.

થોડાં વસ્ત્રોથી અમે ચલાવી લેતાં. ગામમાં કપાસ થાય તે ખરીદી ચરખામાં રૂ ને કપાસિયા કઢાવીએ. પીંજારો રૂની પુણીઓ કરી આપે. ઘરોઘર રેંટિયા હતા એટલે બાઈઓ નવરી પડે ત્યારે કાંતવા બેસી જતી. તેજો મેતર અને સામંત મેતર તેના વેજા વણી આપે. બેચર મેરાઈ પાસે તેના પહેરણ સિવડાવીને પહેરીએ. લાલ સુતર નાખીને કિનાર કાઢેલાં પોતિયાં પહેરીએ. ગામના પટેલિયાઓ તો તેના ચોરણા, પછેડી, બુંગણ વાપરે. વાંકાનેરના મુમના લોકોએ હાથેકાંતેલ સુતરના ફાળિયાં વણ્યા હોય તેના મોટા મોટા ફીંડલા પટેલિયા પાઘડી તરીકે પહેરતા. માથે તલવાર કે લાકડીનો ઘા વાગે તો ય માથાને ઈજા ન થાય. આ માથાબંધણાને પટેલિયાઓ મોળિયાં કહેતા. અમે તો એ વખતે શહેરની છીંટના ફેંટા બાંધતા. ગાદલા, ગોદડા, ઓછાડ (ચાદણ) ચોફાળ, પછેડીઓ હાથવણાટની જ વપરાતી. આમ ખાવુંપીવું, પહેરવું ઓઢવું અને રહેવું એનો ઉકેલ ગામડામાં જ આવી જતો. ગામડામાં ઘણે ભાગે એક સુથાર, એક લુહાર, એક દરજી, એક કુંભાર, એક વાળંદ, એક બ્રાહ્મણ, એક બાવાજી, એ અતીત, બે પાંચ રાજપૂત દરબારો, કોળી, ઠાકોર, હરિજન, વણકર, ચમારના ઘર રહેતાં.

સુથાર સુથારીકામ કરી આપે. લુહાર કોશ, કોદાળી, ગાડાંના પૈડાના પાટા, તવી, તાવડાને દાતરડાં બનાવી આપે. એમને બાર મહિને આળત અને અવસરે દાણા-પૈસા અપાય. સુથાર સુથારી કામ કરી આપે. સોની રૂપાના દાગીના, કંઠી, સીસાની કાનમાં પહેરવાની ચીજો બનાવી આપે. કુંભાર ઇંટો, નળિયાં ને માટીના વાસણો પુરાં પાડે. મહેમાન આવે ત્યારે કે લગ્ન પ્રસંગે સામટું પાણી ભરી લાવવાની જરૂર પડે ત્યારે પાણી ભરી લાવીને પૂરું પાડે. જન્મ, અઘરણી, આણું, બાળકનું નિશાળ-ગરણું, લગ્ન મરણ વગેરે જીવનના સોળ સંસ્કારો બ્રાહ્મણો કરાવતા. વણકર પાણકોરાં વણી આપે. ગોવાળ ગાયો ચારે, દરજી બારે માસ કપડાં સીવી આપે. વાળંદ બારે માસ વતું કરે. મહેમાનો આવે ત્યારે પગચંપી કરે. લગ્નમાં પીઠી ચોળે, કોળી ઠાકોરો પસાયતું રાખે ને ચોકી કરે. રાજપૂત દરબારો ગામનું, ગાયોનું અને નારીઓના શિયળની રક્ષા માટે યુઘ્ધ ધીંગાણું કરે. સાઘુ-બાવા ઠાકરદુવારે કે ગામના ચોરે રામજી મંદિરની પૂજા આરતી કરે. ચોરે બેસીને તુલસીકૃત રામાયણનું વાચન કરે. અતિત બાવા શંકરની પૂજા કરે. હરિજન લગ્ન પ્રસંગે ઢોલ વગાડવા આવે.

નોરતાંમાં ગરબા અને ગરબીઓની રમઝટ બોલે. ગામડાની હાડબળુંકી બાઈઓ નવા લૂગડાં પહેરીને ચોકમાં ગરબાની બઘડાટી બોલાવે ત્યારે કોઈ જુવાનિયો એની હડફેટે ચડી જાય તો બિચારો ગોઠીંબડા જ ખાઈ જાય. કોઈ બાઈની કોણી વાગી ગઈ હોય તો એવી કળ વળી જાય કે એને ઊભા થવાનું આકરું બની જાય.

હોળી ઘૂળેટી એટલે ગામડામાં આનંદનો ઉત્સવ. યૌવન હિલોળે ચડે. ઘૂળેટી અને પડવાને દિવસે ગામના જુવાનિયાઓ એકબીજા ઉપર છાણાંના છૂટા ઘા કરીને રમે. પછેડીઓની ઢાલ મોઢા આડે રાખીને બચાવ કરે, અને હરીફ સામે આખું છાણું જોરથી ફેંકે. કદાચ વાગી જાય તો ઘેર જઈને હળદર મીઠું ચોપડે એટલે પત્યું. આમાંથી લડાયક તાલિમ અને નિર્ભયતા કેળવાતી. રામોદ અને ગોંડલના લોકો ટેકરી પાસે નાના નાના ગરગડિયા પાણકા ભેગા કરી ઘૂળેટીના દિવસે સામસામા ફેંકીને રમે અને હાથમાં ઢાલો લઈ બચાવ કરે. આ જોવા બંનેય બાજુ ઠાકોરો અને મહાજનના શેઠિયા હાજર રહે. બપોર સુધી આ ધમાલ ચાલે. પછી નદીએ જઈ નહાઈને ગોઠના ખજૂર ટોપરાં ખાઈ સૌ સૌને ઘેર જાય.

ચોરામાં શંકરના મંદિરે તથા બીજા મંદિરે લોકો ધર્મબુઘ્ધિથી જાય અને ભક્તિભાવથી નમન કરે. પુરુષોત્તમ માસમાં પુરૂષોત્તમ માસની કથા થાય. સત્યનારાયણની કથા ઘેર વંચાય. તેના મારફતે ધાર્મિક અને નીતિનો બોધ પ્રજાને મળતો. સૌ સોના બારોટો અને વહિવંચાઓ આવે, વાર્તાઓ માંડે, વડવાઓના પરાક્રમો કહી સંભળાવે. નવા જન્મેલા દીકરા-દીકરિયુંના નામ ચોપડામાં માંડે ને દાપું લઈ જાય. બાવાઓ, સંન્યાસીઓ આવે ને ઉપદેશ આપે. બાવાઓની જમાતો આવે. તેઓને સીધાં અપાય. લગ્ન પ્રસંગે જાન આવે. બંદૂકોના ભડાકા કરી નિશાન પાડવામાં આવે. ગાડાની મુસાફરી તથા બળદો દોડાવવાની હરીફાઈઓ થાય.

તે દિ’ ગામડાના રક્ષણ માટે હાથિયા થોરની દસદસ ફૂટ જાડી અને ઊંચી વાડો કિલ્લાનું કામ કરે. પગી લોકો ચોર પકડી આપે. પગેરું કાઢીને જે ગામમાં જાય ત્યાંના પગીની ચોર સોંપવાની જવાબદારી. ન સોંપે તો જે ગામમાં ચોરી થઈ હોય તેના ચોકીદાર કોળી ઠાકોરોનું તેની સામે બહારવટું થાય. ત્યાંના ગામમાંથી ચોરી કરી લાવે. પરિણામે લડાઈ થાય. પણ બ્રાહ્મણ, અતીત-બાવા, સંન્યાસી, ગુરુ વચ્ચે પડે એટલે સમાધાન થાય. કસૂંબા થાય ને બધી પતાવટ થાય.

ગામડામાં એકબીજાને ત્યાં ચાંલ્લા, હુતાસણીના હારડા, પ્રસૂતાંજલીના શ્રીફળની લેવડદેવડનો રિવાજ. મુસલમાન હોય, ખોજા હોય કે વાણિયા, પટેલ; દરેકને ત્યાં અરસપરસના વ્યવહાર. મુસલમાન સંબંધીને ત્યાં તેના દીકરાના લગ્ન પ્રસંગે બ્રાહ્મણને બોલાવીને રસોઈ કરાવાય, અને સંબંધી હિંદુઓ તેને ત્યાં જમવા જાય. હિંદુ મુસલમાનની જમવાની પંગતો જુદી પણ સૌના દિલ એક. સૌના દિલ નેક. આજે હિંદુ મુસલમાનની પંગત એક થવા માંડી છે પણ દિલ શંકિત અને જુદાં થઈ ગયાં છે. તે સમયે એવું ન હતું.

એ કાળે, તાર, ટપાલ, રેલ્વે કે યાંત્રિક વાહનો નહોતાં. પોતાના ગામની આજુબાજુ સગાવહાલા, બહેન, દીકરી, ફોઈ, મામા રહેતા હોય. કદાચ થોડું દુર હોય તો ગાડાં, ઘોડા, સીગરામના સાધનો હતાં. જાત્રાએ જવું હોય તો સંઘ નીકળતા. દૂર જાત્રાએ જનાર યાત્રાળુઓના ગામોગામ સામૈયાં, સત્કાર, ઉતારા, ખાનપાન વગેરેની વ્યવસ્થા થતી. જ્યાં પડાવ પડે ત્યાં તે તે ગામના દરબાર, પટેલ, મહાજનના શેઠિયા વગેરે સામૈયું કરે. પાણી, બળતણ વગેરે પૂરાં પાડે.

બ્રાહ્મણના જુવાનો સગાવહાલાને ત્યાંથી લખવાનું જ્યોતિષ, પરણ અને મરણના વિધિવિધાનો શીખી લાવતા. એ વખતના દરબારો ભણ્યા નહોતા પણ બેરિસ્ટરો કહેવાતા. કામદારોનેય કાન પકડાવતા અને ડહાપણથી તોડ કાઢતા. ગામના પાદરેથી કોઈ નાતીલા જમવાના ટાણે પસાર થાય તો જમાડ્યા વિના જાવા ન દે, એવો વણલખ્યો નિયમ. જનારને ઉતાવળે ક્યાંક પહોંચવું હોય તો છાનોમાનો ગામના પાદરમાં થઈને પસાર થઈ જાય. આવું હતું ગઈકાલનું સૌરાષ્ટ્રનું ગામડું. આવું હતું ત્યાંનું લોકજીવન.

લોકજીવનનાં મોતી – જોરાવરસિંહ જાદવ

No comments:

Post a Comment