ગૌરીવ્રત કરતી દીકરીઓ દેદોકુટે છે, એનો ઇતિહાસ તમે ક્યાંય નહીં સાંભળ્યો હોય!
દેદુમલ જાડેજા.
કુંવારી દીકરીઓની ઈજ્જત અને પ્રાણ બચાવવા અમરેલી જિલ્લાના "લાઠી" ગામના બજારમાં વીરગતિ પામ્યા, ને પાળિયો થયા.
તે દિવસથી દીકરીઓ દેદો કૂટે છે અને દેદુમલ જાડેજાને શ્રદ્ધાંજલિના રૂપમાં મરશિયા ગાઈને યાદ કરે છે.
(સૌરાષ્ટ્રનાં ગામડાઓમાં જેઠ માસના દર રવિવારે ગામડાંની કન્યાઓ દેદુમલ(દેદો) કૂટે છે. ગામની બહાર દેદાની કાલ્પનીક ખાંભી બનાવી છાજીયાં લે છે, જેમાં કુંવારિકાઓ દેદાના પરીવારનાં સભ્ય બની, ગોળ કુંડાળામાં કૂટતી મરશિયા ગાય છે.)
દેદાને દસ આંગળીએ વેઢ રે,
દેદો મરાણો લાઠીના ચોકમાં..
દેદાને પગે પીળી મોજડી રે,
દેદાને જમણે હાથે મીંઢળ રે...........દેદો...
દેદાના માથે છે કેસરી પાઘડી રે,
દેદાના ખભે ખંતીલો ખેસ રે..........દેદો...
(રાજપૂત ક્ષત્રિય દેદુમલ જાડેજાની બલિદાનની કથાનું સાહિત્ય શ્રી નાનાભાઇ જેબલીયા દ્વારા એમની કથા શ્રેણીમાં થયું હતું, જે અહીં પ્રસ્તુત છે.)
ઉગમણા આભની ઝાંપલીએ હેમંતઋતુના સોહાગી સૂરજ નારાયણ અજવાળાની ગાડી જોડી ને આવ્યા કે ગઢાળી ગામની બજારમાં જાન ઉઘલવાનો ઢોલ વાગ્યો. શરણાઇઓએ રાજપૂતી લગ્નગીતોની તરજ છોડી. ઉંમરે વરસ અઢારનો આંબાના રોપ જેવો રુપાળો વરરાજો દેદુમલ જાડેજો છલાંગ મારીને ઘોડે ચડ્યો. ગઢાળીના ગોહિલો અને દેદુમલના મામાઓ બાંધ્યા હથીયારે ઘોડે ચડ્યા. ગઢાળીના ગોહિલો આજ પોતાના ભાણેજ દેહુમલને પરણાવવા કેરીઆના સોલંકીના માંડવે જાન જોડીને સાબદા થયા હતા. ડાયરો ભારે ઉમંગમાં છે. કેસરી, લીલી, પીળી અને ગુલાબી પાઘડીઓનાં તોરણ બંધાયાં છે. સાફાઓ, સિગરામો, ડમણીયાં અને બળદગાડીઓની હેડ્ય લાગી છે. ગરાસણીઓના તીણા મધુર કંઠે ભાણુભાનાં લગ્નગીતો ગવાય છે. પાછળના ભાગે ઘોડાના મોવડ અને ઊંટના ફંદા ઝૂલે છે. ગઢાળી દાયરાને આજ પોતાનું આયખું લેખે લાગે છે. કચ્છના જાડેજા સાસરેથી દુઃખાઇને, દુભાઇને આવેલી એકની એક વિધવા બહેનનો લાડકો દીકરો આજ પીઠી ચોળીને પરણવા જાય છે. કુદરતની ગતિ ન્યારી છે. કચ્છમાં જાડેજા કુળમાં પરણાવેલી સજુબાનો સંસારરથ સુખની વાડીના છાંયડામાં મહાલતો હતો. ઉપરવાળાએ કારમી થપાટ મારી ને બહેન સજુબાના સેંથાનું સિંદૂર ભુંસાઇ ગયું. સજુબાની નણંદે ગુસપુસ કરીને જાણી લીધું કે ભોજાઇ સજુબાને ચોથો મહિનો જાય છે! આખા પરિવારમાં કૂડ-કોળનો વાયરો વાઇ ગયો કે, પુત્ર જનમશે તો ગિરાસમાં ફાડિયું માંગશે અને પુત્રી જનમશે તો ઘરમાંથી ખીલી ખેંચીને પણ કરિયાવરમાં લઇ જશે. પરિવારે આકંડા ભીડીને સંતાપની કૂડી ચોપાટ પાથરી દીધી. સજુબા કૂવો-હવાડો કરે તો ગિરાસમાંથી ડાભોળીયું જાય... સજુબા માથે જુલમનાં ઝાડ ઊગ્યાં, બાઇનાં અન્નપાણી અગરાજ થઇ ગયાં!
સજુબાએ પિયર ગઢાળી છાનો છપનો માણસ અવદશાના સંદેશા સાથે મોકલ્યો કે, 'વીરાને માલુમ થાય કે બહેનનું મોઢું જોવું હોય તો છેલ્લી વેળાના આવી જાઓ. બાકી મારે તો ઊંચે આભ ને નીચે ધરતી સિવાય કોઇ આધાર નથી...'
ભાઇઓ પોતાની દુ:ખીયારી બહેનને પિયર તેડી લાવ્યા. સજુબાને ફૂલની જેમ સાચવીને હૈયાળી આપી. પિયરના આંગણે લાડકી બહેનના ભાણાનાં પારણાં બંધાણાં. બહેનના રુપાળા ભાણાને નજર ના લાગે તે માટે મામાઓએ ઉડસડ નામ 'દેદો' પાડ્યું. મોસાળમાં રમતો દેદો જાડેજો સમજણો થયો ત્યારે એને કચ્છના જાડેજા કુળની ઓળખાણ આપવામાં આવી, જનેતાના અન્યાયને કાનસ્થ કરી દેદો અઢારની ઉંમરે પહોંચ્યો ત્યારે કચ્છમાં જઇ પોતાની જાગીર સંભાળવાની તૈયારી કરી. જનેતાનાં દુ:ખને ત્રાજવે તોળી તલવાર સજાવી. મોસાળને પોરસ થયો પણ કુંવારા ભાણેજને રણમેદાને ના મોકલવાના ઇરાદા સાથે અમરેલીના કેરીઆ ગામની સોંલકી રાજપૂતની દીકરી જોડ્યે ભાણાનાં વેવિશાળ નક્કી કર્યાં, જાન હરખનાં મોજાં છલકાવતી કેરીઆ જવા રવાના થઇ. વરરાજાની ઘોડી સૌથી આગળ છે અને પાછળ જાનૈયા. લાઠી ગામનો સીમાડો આવતાં વરરાજાના કાને વા વળોટતી ઝીણી ઝીણી ચીસોના, હિબકાના, રુદનના ટુકડા અથડાયા.
દેદુમલે આથમણી દિશામાં નજર દોડાવી. ધૂળની ડમરીઓ ઉડાડતા સિગરામો દોડતા દેખાયા. આગળ પાછળ હથિયારધારી સિપાઇઓના લશ્કરી ખાખી ફેંટા જોયા. વાતની વસમાણને પામીને વરરાજે ઘોડીને પગની એડી મારીને ધૂળની ડમરીઓ તરફ મારી મૂકી.
સિપાઈઓની લગોલગ થઇને જમાદારને પૂછ્યુ :
'આ સિગરામમાં કોણ છે?!'
'ભાઇ,!બાપા!..' સિગરામમાંથી બાળાઓના સાદના બોકાસા ઉઠ્યા : 'અમને બચાવો! આ કાણીયો જમાદાર અમને વટલાવવા જુનાગઢ લઇ જાય છે.'
વાત એમ હતી કે, લાઠી લૂંટવા આવેલ આ સેનાએ લાઠીને એ દિવસે નધણીયાતી ભાળી ગામમાંથી કુંવારી કન્યાઓને પકડી સિગરામમાં પૂરી દીધી, એનો વિરોધ કરનારને કત્લ કરી નાંખ્યા. એમણે કુલ ચાલીસેક કન્યાઓને પકડી હતી!
રકઝકમાં જાનૈયાઓ પણ પહોંચી ગયા. 'મારો, મારો' નો ગોકિરો થયો, સમશેરોથી જંગ મંડાણો. સિપાઈઓ મર્યા અને અમુક ભાગી છુટ્યા. પાંચ સિગરામમાંથી ચાલીસેક કન્યાઓ મુક્ત થઇ!
'વીરા, મારા ભાઇ! અમારા પરિવારમાં કોઇ નથી, અમને જાનમાં તેડી જાઓ.' કન્યાઓએ હાથ જોડતાં કહ્યું.
'હાલો! હવે તમે જ મારી બહેનો!' અને અપહરણના સિગરામ જાનનાં વાહન બન્યાં, જાન આગળ ચાલી. લાઠીના પાદરે પહોંચતાં દેદુમલ ઘોડીએથી નીચે પડ્યો. નાસી ગયેલ કાણીયો રાજપૂતી પોશાક-પાઘડી ધારણ કરી જાનમાં ભળી ગયો હતો અને લાગ મળતાં જ તેણે વરરાજા પાસે જઇ પેડુમાં તલવાર હુલાવી દીધી. જાનૈયાઓએ કાણીયાના ટૂકડા કરી નાખ્યા, પણ દેદો શહીદ થઇ ગયો. લગ્નગીતો કારમા રુદનના મરશિયામાં ફેરવાઇ ગયાં. ચાલીસે કન્યાઓએ દેદુમલની મૈયત ફરતે કુંડાળે વળી છાજીયાં લીધાં. સદીઓથી ચાલી આવેલી મૃત્યુની પરંપરાએ નવો વળાંક લીધો. કુંવારી કન્યાઓએ તે દિ' છાતી કૂટી બહેનપણાનો ચીલો પાડ્યો! આજે પણ ગૌરીવ્રત કે જ્યા પાર્વતિ વ્રત કરતી કુંવારિકાઓ પાર્વતિ માતા પાસે સારા પતિની માગણી કરે છે ને સાથે સાથે ચાલી કુમારિકાના લાજ બચાવતાં શહાદતને વરેલા દેદુમલને પાવન શ્રદ્ધાંજલિ આપવાની ભાવનાપૂર્વક મરશિયા ગાય છે, જેને 'દેદો કૂટવાનું' કહે છે. લાઠીમાં દેદુમલ જાડેજાની દેરી પુજાય છે.