Atul from

Sunday 26 April 2015

ભજનો

(1)  બેની મુને ભીતર સતગુરુ મળિયા… – (લખીરામ)



બે ની રે ! મું ને ભીતર સદગુરુ મળિયા રે

વરતાણી છે આનંદ લીલા‚ મારી બાયું રે !

બેની ! મું ને…૦

કોટિક ભાણ ઊગ્યા દિલ ભીતર‚ ભોમકા સઘળી ભાળી ;

શૂનમંડળમાં મેરો શ્યામ બિરાજે‚ ત્રિકુટિમાં લાગી મું ને તાળી…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

અખંડિત ભાણ ઊગ્યા દલ ભીતરે‚ મું ને સાતે ય ભોમકા દરશાણી ;

કાળાં અંજન કરમણે આંજ્યાં‚ તનડામાં લાગી ગઈ છે તાળી…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

અગમ ખડકી જોઈ ઉઘાડી‚ તિયાં સામા સદગુરુ દીસે ;

ખટ પાંખડીયાં સિંહાસન બેસી‚ ઈ ખાંતે ખળખળ હસે…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

બાવન બજારૂં ને ચોરાશી ચૌટા‚ કંચનના મોલ કીના ;

ઈ મોલમાં મારો સદગુરુ બીરાજે‚ દોઈ કર જોડી આસન દીના…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

ઘડીઘડીમાં ઘડિયાળાં વાગે‚ છત્રીસે રાગ રાગિણી ;

ઝળકત મહોલ ને ઝરૂખા-જાળિયાં‚ ઝાલરી વાગે જીણી જીણી…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

પવન પૂતળી સિંગાસણ શોભતી‚ મારા નેણે નખ શિખ નીરખી ;

અંગનાં ઓશીકાં ને પ્રેમનાં પાથરણાં‚ ગુરુજીને દેખી હું તો હરખી…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

સોના જળમાં સહસ કમળનું‚ શોભે છે સિંહાસન ;

નજરો નજર દેખ્યા હરિને‚ તોય લોભી નો માને મંન…

મારી બાયું રે…

બેની ! મું ને…૦

સત-નામનો સંતાર લીધો‚ ગુણ તખત પર ગયો ;

કરમણ-શરણે લખીરામ બોલ્યા‚ ગુપત પિયાલો અમને પાયો…

મારી બાયું રે…

બેની ! મું ને…

(2)   અમારા રે અવગુણ રે ગુરુજીના ગુણ ઘણા રે ;

ગુરુજી ! અમારા અવગુણ સામું મત જોય….

અમારામાં અવગુણ રે….૦

ગુરુજી મારો દીવો રે‚ ગુરુજી મારો દેવતા રે ;

ગુરુજી ! મારા પારસમણીને રે તોલ…

અમારામાં અવગુણ રે….૦

ગુરુજી મારા ગંગા રે‚ ગુરુજી મારા ગોમતી રે ;

ગુરુજી અમારા કાશી અને છે કેદાર…

અમારામાં અવગુણ રે….૦

ગુરુ મારા ત્રાપા રે‚ ગુરુજી મારા તુંબડાં રે ;

ઈ તુંબડીએ અમે ઊતરિયે ભવપાર…

અમારામાં અવગુણ રે….૦

જાળીડાં મેલાવો રે ગુરુ ગમ જ્ઞાનનાં રે ;

ઈ જાળીડાં જરણાં માંહેલો છે જાપ…

અમારામાં અવગુણ રે….૦

ભીમ ગુરુ શરણે રે દાસી જીવણ બોલીયા રે ;

દેજે અમને સંતચરણમાં વાસ…

અમારામાં અવગુણ રે….૦
(3)
થોડો બાવળને આવ્યો કંટાળો.
ઑફિસમાં બોલાવી સુઘરીને પૂછ્યું કે કેટલોક બાકી છે માળો ?
થોડો બાવળને આવ્યો કંટાળો.

સુઘરી કહે કે સાહેબ પોતાનું ઘર છે કાંઈ બિલ્ડરની જેમ થોડું બાંધીએ ?
એક એક તરણાંની રાખીએ ડિટેલ, એને જાતમાં પરોવીએ ને સાંધીએ.
વ્હાલસોયાં બચ્ચાંનો હોય છે સવાલ, એમાં સ્હેજે ના ચાલે ગોટાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ધોધમાર ધોધમાર વરસે વરસાદ તોય છાંટાની લાગે ના બીક,
ફલૅટની દીવાલ અને ધાબાં જોયાં છે ! એક ઝાપટામાં થઈ જતાં લીક,
રેતી સિમેન્ટમાં હેત જો ભળે ને, તો જ બનતો આ માળો હૂંફાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

ક્વૉલિટી માટે તો ધીરજ પણ જોઈએ ને ? બાવળ કહે કે ભાઈ ઑ.કે.,
ચોમાસું માથે છે એટલે કહ્યું જરાક જાવ હવે કોઈ નહીં ટોકે.
ખોટું ના લાગે તો એક વાત કહી દઉં કે –
આ ઊંધા લટકીને જે પ્લાસ્ટર કરો છો, એમાં થોડીક શરમાય છે આ ડાળો…
થોડો બાવળને આવ્યો કંટાળો…

- કૃષ્ણ દવે
(4)

ભૂલ્યાં ભટકો છો બારે મારા હંસલા‚ કેમ ઊતરશો પારે.. (દાસી જીવણ)

ભૂલ્યા ભટકો છો બારે મારા હંસલા‚

કેમ ઉતરશે પારે ? રે જી…

જડી હળદરને હાટ જ માંડયું‚ વધ પડયો વેમારે

સાવકાર થઈને ચડી ગિયો તું‚ માયાના એકારે…

મારા હંસલા…

ભેખ લઈને ભંગવા પેર્યા‚ ભાર ઉપાડયો ભારે‚

ઈમાન વિનાનો ઉપાડો જાશે‚ લખ ચોરાશી લારે…

મારા હંસલા…

લોભાઈ રિયોને નજર ન રાખી‚ શીદ ચડયો તો શિકારે ?

માર્યા ન મંગલો‚ માંસ ન ભરખ્યો‚ હું મોહથી સંસારે…

મારા હંસલા…

એકાર મન કર આત્મા‚ તું જોઈશે મનને વિચારે‚

દાસી જીવણ સત ભીમને ચરણે‚ પરગટ કહું છું પોકારે…

મારા હંસલા...
(5)
જીવણ જીવને જ્યાં રાખીએ રે...

જીવણ જીવને  જ્યાં રાખીએ‚  વાગે અનહદ તૂરા રે‚

ઝળહળ જ્યોતું ઝળહળે‚ વરસે નિરમળ નૂરા રે…

જીવણ જીવને જ્યાં રાખીએ…૦

પાંચ તત્વ ને ત્રણ ગુણ છે‚ પચીસ પ્રકૃતિ વિચારી રે‚

મંથન કરી લ્યો મૂળનાં‚ તત્વ લેજો એમાંથી તારી રે…

જીવણ જીવને જ્યાં રાખીએ…૦

ગંગા જમના ને સરસ્વતી રે‚ તરવેણી ને ઘાટે રે‚

સુખમન સુરતા રાખીએ‚ વળગી રહીએ ઈ વાટે રે…

જીવણ જીવને જ્યાં રાખીએ…૦

અણી અગર પર એક છે‚ હેરો રમતાં રામા રે‚

નિશ દિન નીરખો નેનમાં‚ સત પુરૂષ ઊભા સામા રે…

જીવણ જીવને જ્યાં રાખીએ…૦

અધર ઝણકારા હુઈ રિયા‚  કર વિન વાજાં વાગે રે‚

સુરતા ધરીને તમે સાંભળો‚ ધૂન ગગનુંમાં ગાજે રે…

જીવણ જીવને જ્યાં રાખીએ…૦

એવી નુરત સૂરતની રે સાધના‚ પ્રેમીજન કોક પાવે રે‚

અંધારું ટળે એનાં અંતરનું‚ નૂર એની નજરુંમાં આવે રે…

જીવણ જીવને જ્યાં રાખીએ…૦

આ રે સંદેશો સતલોકનો રે‚ ભીમદાસે ભેજ્યો રે‚

પત્ર લખ્યો છે રે પ્રેમથી‚ જીવણ ! તમે લગનેથી લેજો રે…

જીવણ જીવને જ્યાં રાખીએ…
(6)
દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર પ્યાલો મેં…

દયા કરીને મું ને પ્રેમે પાયો‚ મારી નેનુંમાં આયા નૂર‚

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦

નુરત સુરતની સાન ઠેરાણી‚  બાજત ગગનાંમેં તૂર રે‚

રોમે રોમે રંગ લાગી રિયો તો‚ નખ શીખ પ્રગટયા નૂર…

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦

સ્થાવર જંગમ જળ સ્થળ ભરિયો‚ ઘટમાં ચંદા ને સૂર રે‚

ઘટોઘટ માંહી રામ રમતા બિરાજે‚  દિલ હીણાંથી રિયો દૂર…

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦

ભાવે પ્રીતે જેને પૂરા નર ભેટયા વરસત નિરમળ નૂર રે‚

જે સમજ્યા ગુરુની સાનમાં ભર્યા રિયા ભરપૂર…

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦

ભીમ ભેટયા ને મારી ભ્રમણા ભાંગી હરદમ હાલ હજૂર રે‚

દાસી જીવણ સત ભીમના શરણાં‚ પીતાં થઈ ચકચૂર…

પ્યાલો મેં પીધેલ છે ભરપૂર…૦
(6)
દેખંદા રે કોઈ આ દિલમાં ય ઝણણણણ…

દેખંદા રે કોઈ આ દિલ માં ય‚

નિરખંદા રે કોઈ આ દિલ માં ય‚

પરખંદા રે કોઈ આ દિલ માં ય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

બોલે બોલાવે સબ ઘટ બોલે‚ સબ ઘટમાં ઈ તો રહ્યો રે સમાય‚

જિયાં જેવો તિયાં તેવો‚ થીર કરીને થાણા દિયા રે ઠેરાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

નવ દરવાજા નવી રમત કા‚  દસમે મોલે ઓ દેખાય‚

સોઈ મહેલમાં મેરમ બોલે‚ આપું ત્યાગે ઓ ઘર જાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

વિના તાર ને વિણ તુંબડે‚ વિના રે મુખે ઈ તો મોરલી બજાય‚

વિના દાંડીએ નોબતું વાગે‚ વિના રે દીપકે જ્યોત જલાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

આ રે દુ કાને દડ દડ વાગે‚  કર વિન વાજાં અહોનિશ વાય‚

વિના આરિસે આપાં સૂજે‚  એસા હે કોઈ વા ઘર જાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

જાપ અજપા સો ઘર નાંહી‚ ચંદ્ર સૂરજ જહાં પહોંચત નાંહી‚

સૂસમ ટેક સે સો ઘર જાવે‚ આપે આપને દિયે ઓળખાય…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…

અખર અજીતા મારી અરજ સુણજો‚ અરજ સુણજો એક અવાજ‚

દાસી જીવણ સત ભીમના શરણાં‚ મજરો માની લેજો ગરીબનવાજ…

ઝણણણ ઝણણણ ઝાલરી વાગે…
(7)
ગુરુ મેરી નજરે મોતી આયા‚ ભેદ બ્રહ્મકા પાયા…

ગુરુ ! મેરી નજરું મેં મોતી આયા‚ હે જી મેં તો ભેદ બ્રહ્મકા પાયા…

ગુરુ ! મેરી નજરું મેં મોતી આયા…૦

ઓહં સોહંકા જાપ અજપા‚ ત્રિકુટિ તકિયા ઠેરાયા ;

ચાલી સુરતા કિયા સમાગમ‚ સુખમન સેજ બિછાયા…

ગુરુ ! મેરી નજરું મેં મોતી આયા…૦

અક્ષરાતીતથી ઊતર્યા મોતી‚ શૂન્યમેં જઈને સમાયા ;

વાકા રંગ અલૌકિક સુન લે‚  ગુરુ ગમસે સૂઝ પાયા…

ગુરુ ! મેરી નજરું મેં મોતી આયા…૦

મોતી મણિમેં મણિ મોતી મેં‚ જ્યોતમેં જ્યોત મિલાયા ;

ઐસા અચરજ ખેલ અગમકા‚  દિલ ખોજત દરસાયા…

ગુરુ ! મેરી નજરું મેં મોતી આયા…૦

અરસ પરસ અંતર નહીં નિરખ્યા‚  હરખ પરખ ગુણ ગાયા ;

દાસ અરજણ જીવણ કે ચરણે‚  પરાપાર મેં પાયા…

ગુરુ ! મેરી નજરું મેં મોતી આયા…૦
(8)
જેને વ્હાલાંથી વિયોગ રે જેને હરિથી વિજોગ રે‚

સુખેથી મન કોઈ દી’રે સૂવે નહીં…

લોચન તો લોચે છે‚ કોમળ મુખને કારણે રે આતમ રે’વે નહીં…

દીન તો કરીને ગિયો છે દીનોનાથ રે…

સુખેથી મન કોઈ દી’રે સૂવે નહીં…

જેને વ્હાલાંથી વિજોગ રે‚ જેને પિયુજીથી વિજોગ રે…સુખેથલ મન કોઈ દી’ સૂવે નૈં…૦

પતિવ્રતા નારી જેનો પીયુ ગિયો પરદેશમાં રે આતમ રે’વે નહીં…

પતિના વિયોગે એ જી તલખે એના પ્રાણ રે…

સુખેથી મન કોઈ દી’રે સૂવે નહીં…

જેને વ્હાલાંથી વિજોગ રે‚ જેને પિયુજીથી વિજોગ રે…સુખેથલ મન કોઈ દી’ સૂવે નૈં…૦

પુત્રને પોઢાડી જો જનેતા ભૂલે એનું પારણું રે આતમ રે’વે નહીં…

બાળકને બળાપે એ જી છાંડે એના પ્રાણ રે…

સુખેથી મન કોઈ દી’રે સૂવે નહીં…

જેને વ્હાલાંથી વિજોગ રે‚ જેને પિયુજીથી વિજોગ રે…સુખેથલ મન કોઈ દી’ સૂવે નૈં…૦

જળથી વીખુટી એ જી છુટી જેમ માછલી રે આ તન રે’વે નહીં…

બળતા તાપે એ જી એના છાંડે પ્રાણ રે…

સુખેથી મન કોઈ દી’રે સૂવે નહીં…

જેને વ્હાલાંથી વિજોગ રે‚ જેને પિયુજીથી વિજોગ રે…સુખેથલ મન કોઈ દી’ સૂવે નૈં…૦

ટોળા થી વછુટી એ જી ઝુરે જેમ એક મૃગલી રે આ તન રે’વે નહીં…

પારધીને ભાળી એ જી છાંડે એના પ્રાણ રે…

સુખેથી મન કોઈ દી’રે સૂવે નહીં…

જેને વ્હાલાંથી વિજોગ રે‚ જેને પિયુજીથી વિજોગ રે…સુખેથલ મન કોઈ દી’ સૂવે નૈં…૦

દાસ સવો કે’છે એ જી વીજોગણની વીનતી રે – આતમ રે’વે  નહીં…

દરશન દેજો એ જી દીનને દીનાનાથ રે…

સુખેથી મન કોઈ દી’રે સૂવે નહીં…

જેને વ્હાલાંથી વિજોગ રે‚ જેને પિયુજીથી વિજોગ રે…સુખેથી મન કોઈ દી’ સૂવે નૈં…
(9)
કલેજા કટારી રે‚ વ્રેહની કટારી રે…

કલેજા કટારી રે વ્રેહની કટારી રે‚

હે માડી ! મુંને માવે‚ લઈને મારી રે મારી…

વાંભુ ભરી મુજને મારી‚ વાલે મારે બહુ બળકારી‚

એણે હાથુંથી હુલાવી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

કટારીનો ઘા છે કારી‚ વાલીડે મારી છે ચોધારી‚

ભીતર ઘા બહુ ભારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

જડી બુટી ઓખદ મૂળી‚ કેની એ ન લાગે કારી‚

વૈદ ગિયા હારી રે‚ હકીમ ગિયા હારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

વ્રેહ તણી વેદના ભારી‚ ઘડીક ઘરમાં ને ઘડીક બારી

મારી મીટુંમાં મોરારી રે…

માડી ! મુંને માવે લઈને મારી…૦

દાસી જીવણ ભીમને ભાળી‚ વારણાં લઉં વારી વારી‚

આજ દાસીને દીવાળી રે‚ ખબરું લીધી હમારી રે…

માડી ! મુંને માવે લઈને મારી
બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી…

બેની ! મારા રૂદિયામાં લાગી રે‚ મેરમની ચોધારી મારે કાળજે કટારી…

બાયું ! મારા કલેજામાં મારી રે‚ બેની ! મારા રૂદિયામાં મારી રે‚

મારી છે કટારી ચોધારી‚ મેરમની કટારી‚ મારા કલેજે કટારી…

ભેદુ વિનાની વાતું કોણે રે જાણી ? મેરમની ચોધારી‚ મારે કાળજે કટારી…

(સાખી) મારી કટારી મૂળદાસ ક્યે જુગતે કરી ને જોઈ‚

કળા બતાવી કાયા તણી‚ કાળજ કાપ્યાં કોઈ

(હદય કમળમાં રમી રહી‚ કાળજાં ફાટયાં સોઈ‚)

કાળજ કાપી કરૂણા કીધી‚ મુજ પર કીધી મહેર‚

જોખો મટાડયો જમ તણો‚ મારે થઈ છે આનંદ લીલા લ્હેર રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) પહેલી કટારી એ પરીક્ષા કીધી બીજીએ સાંધ્યાં બાણ

ત્રીજી રમી ત્રણ ભુવનમાં‚ ચોથીએ વીંધાણા પ્રાણ

પ્રાણ વીંધાણા ને પ્રીતું બંધાણી‚ દેખાડયો દશમો દુવાર

કુંચીએ કરશનજીને વીનવું‚ મારી સુરતાની લેજો સંભાળ રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) આ કટારી કોઈના કળ્યામાં નાંવે‚ નઈં અણી ને નહીં ધાર‚

ઘાયલ કરી ગઈ પાંજરું ઈ તો ઊતરી આરંપાર ;

વારી વારી કહું છું વિઠ્ઠલા ! મારા અવગુણનો ધરશો મા સાર‚

બેડી મ દેશો મારી બૂડવા‚ મારી બેડલી ઉતારજો ભવપાર રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) કુળમાં દાવો મેં છોડયો શામળા ! ફળની મેલી લાર‚

અટક પડે વ્હેલા આવજો‚ મારા આતમના આધાર ;

વારે વારે શું કહું વિઠ્ઠલા ! મારા અવગુણ ના ધરશો એક‚

શામળા ! વ્હાલા ! તરત સિધાવો મારી તરણા બરોબર ટેક રે…

મેરમની ચોધારી મારે કાળજે કટારી…૦

(સાખી) સાચા સદગુરુ સેવિયા‚ જુગતે જાદવ વીર

મન પથ્થર હતા તે પાણી કીધાં‚ જેમ નીર ભેળાં કીધાં નીર

પાય લાગું પરમેસરા‚ તમે દેખાડયું નિજ ધામ રે

રામદાસ વચને મૂળદાસ બોલે‚ મારા ગુરુ એ બતાવ્યું તરવાનું ઠામ રે…

મેરમની ચોધારી મારી એવી પ્રેમ કટારી લાગી…

એવી પ્રેમકટારી લાગી‚ લાગી રે… અંતર જોયું ઉઘાડી ;

એવી ઝળહળ જ્યોતું જાગી‚ જાગી રે… દસ દરવાજા નવસેં નાડી…

એવી પ્રેમ કટારી લાગી…

શબદ કટારી કોઈ શૂરા નર જીલે‚ નહીં કાયરનાં કામ‚

શૂરા હોય ઈ સનમુખ લડે‚ ભલકે પાડી દયે નિશાન ;

એવા લડવૈયા નર શૂરા… શૂરા… રે નૂરતે નિશાનું દિયે છે પાડી…

એવી પ્રેમ કટારી લાગી…

માથડાં ગૂંથી‚ નેણલાં આંજી બની હું વ્રજ કેરી નાર‚

પિયુને રીઝવવા તરવેણી હાલી સજ્યા સોળે શણગાર ;

એવાં રૂમઝૂમ ઝાંઝર વાગ્યાં… વાગ્યાં… રે ઓઢી મેં તો અમ્મર સાડી…

એવી પ્રેમ કટારી લાગી…

હું ને મારો પિયુજી સેજમાં પોઢયાં‚ નિંદા કરે નુગરા લોક‚

સારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો‚ અમે ઊભાં રયાં માણેક ચોક ;

એવા નુગરા મોઢે મીઠાં‚ એવા નિર્ગુણ નુગરાં દીઠાં… દીઠાં… રે…

મુખ મીઠાં ને અંતર જારી… પાછળથી ઈ કરે છે ચાડી…

એવી પ્રેમ કટારી લાગી…

પ્રેમના પ્યાલા સતગુરુએ પાય‚ માંઈ ભરીયલ અમીરસ જ્ઞાન ;

અંધારું ટળ્યું ને જ્યોતું જાગી‚ સતનામની જાગી ગઈ સાન ;

એવા સાંઈવલી ક્યે છે રે હરખું હું તો દાડી રે દાડી…

એવી પ્રેમ કટારી લાગી…

Saturday 25 April 2015

મેઘવાળ સંતો

નામ

દાસી જીવણ, જીવણદાસ, જીવણ

જન્મ

સંવત ૧૮૦૬ની દિવાળીના રોજ (ગોંડલ તાલુકાના ઘોધાવદર ગામ ખાતે)

અવસાન

સંવત ૧૮૮૧ની દિવાળીના રોજ (ગોંડલ તાલુકાના ઘોઘાવદર ગામ ખાતે)

કુટુંબ

પિતા – દાફડા
માતા – સામબાઇ
પત્ની – જાલુમા
પુત્ર – દેશળ
જીવનઝરમર

તેમનો જન્મ મેઘાવળ જ્ઞાતિમાં થયો હતો.
તેમનું મૂળ ગામ લુણાવાડા પાસે આવેલ ખાનપુર ગામ હતું.
તેમનું મૂળ નામ જીવણદાસ હતું. પણ સૌરાષ્ટ્રમાં તેમના પદો દાસી જીવણના નામે પ્રસિદ્ધ છે.
રવિભાણ સંપ્રદાયના સંત પુરુષ;  ગુરુ ભીમસાહેબ
દેખાવે આકર્ષક હતા અને વસ્ત્ર પરિધાનમાં પણ ભારે વરણાગી ગણાતા અને પોતાની જાતને ચૌદ ભુવનના સ્વામીનાં પટરાણી ગણી જાત ભાતના શણગારોથી સજાવતા
યૌગિક રહસ્યની અનુભૂતિ, ગુરુમહિમા અને પ્રેમલક્ષણા ભક્તિનાં પદો
રૂપકાત્મકતા, તલપદા વાણી વલોટો અને હિન્દીની છાંટવાળા પદો એમની વિશેષતા છે.
તેમણે પોતાના આયુષ્યના ૭૫મે વર્ષે ઘોધાવદર ગામ ખાતે સમાધિ લીધેલી હતી. હાલમાં આ સમાધિસ્થળ પર મંદિર આવેલ છે.
રચનાઓ
તેમની રચનાઓ પ્યાલો, કટારી, બંગલો, મોરલો, હાટડી, ઝાલરી વગેરે સાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે.
અક્કલદાસ

રવિભાણ સંપ્રદાયના સંત કવિ. ભીમ સાહેબ (જન્મ ઇ.સ.૧૭૧૮)ના શિષ્ય. થાનગઢ (જિ. સુરેન્દ્રનગર)ના ગેડિયા બ્રાહ્મણ. ગુરુભાઈ : દાસી જીવણ. (ઇ.૧૭પ૦-૧૮રપ)
અરજણ (ઇ.સ.૧૯ મી સદી પૂર્વાર્ધ)

રવિ ભાણ સંપ્રદાયના સંતકવિ. દાસી જીવણ (ઇ.સ.૧૬રપ-૧૮પ૦)ના શિષ્ય. જામકંડોરણા પાસેના ભાદરા ગામના રાજપૂત. દીક્ષા ઇ.સ.૧૮૦૯-૧૦ માં કબીર પરંપરાની યોગ જ્ઞાનમાર્ગી ભજનવાણીના સર્જક. પ્રેમસાહેબ (ઇ.સ.૧૭૯ર ૧૮૬૩)ના ગુરુભાઈ.
કચરો-મેઘ કચરો

હરિજન મેઘવાળ સમાજના‚ મહાપંથી સંતકવિ.કબીર (ઇ.સ.૧૩૯૮-૧પ૧૮)

ભારતવર્ષના મુખ્ય સંત‚ સ્વામી રામાનંદના શિષ્ય‚ જન્મસ્થળ : કાશી‚  અવસાન : મગહર. રચના : સાખી‚ પદ‚ શબદી‚ રવૈણી આદિ. પ્રસિદ્ધ ગ્રંથ : ‘બીજક’.
[11:00PM, 4/25/2015] Bagada Dipak: કરમણ (ઇ.સ. ૧૮રપમાં હયાત)

રવિ ભાણ સંપ્રદાયના હરિજન સંતકવિ. મોરાર સાહેબ (૧૭પ૮-૧૮૪૯)ના શિષ્ય. વાવડી (જિ.સુરેન્દ્રનગર‚ ધ્રાંગધ્રા નજીક)માં વણકર જ્ઞાતિમાં જન્મ. લખીરામના ગુરુ.
કાળાભગત (ઇ.સ.૧૮પ૪)

થોરખાણ (બાબરા પાસે)ના હરિજન ભક્ત કવિ. જન્મ વિ.સં.૧૯૧૦ ઇ.સ. ૧૮પ૪. ગુરુ : દેહાભગત રચના : ભજનો.
 ખીમરો કોટવાળ

મહાપંથના સંત. નિજિયાપંથી‚ બીજમાર્ગી પાટપૂજાના સમયે કોટવાળ થવાની લાયકાત ધરાવનાર હરિજન (મેઘવાળ) ચમાર કે વણકર ભક્ત. મૂળ રાજસ્થાનના પોકરણ તરફના વતની ને પછી ઢેલડી (આજનું મોરબી કે એની પાસેનું કોઈ ગામ)માં નિવાસ. પત્ની : દાડલદે રાજા રાવત રણસિંહને સતધર્મનો ઉપદેશ આપી મહાપંથની દીક્ષા આપનાર સંતકવિ. એમની વાણીમાં મહાપંથની સાધના‚ તેના સિદ્ધાંતો અને સંતોની યાદી મળે છે. અધ્યાત્મબોધ‚ આગમ અને રૂપકાત્મક પદો ભજનોના રચયિતા. રાજસ્થાનમાં ખીંવણજી નામના એક સંત કવિની રચનાઓ ગવાય છે એ ખીંવણજી રાજસ્થાનના જૂની દૂધુ ગામે ભાટીવંશમાં થઈ ગયા. જે વિ.સં.૧રપ૦માં પીર શમસના શિષ્ય બનેલા.
ખીમસાહેબ / ખેમદાસ / ખીમદાસ (ઇ.સ.૧૭૩૪-૧૮૦૧)

રવિભાણ સંપ્રદાયના તેજસ્વી સંતકવિ. સંપ્રદાયના આદ્યપુરુષ ભાણસાહેબના પુત્ર અને શિષ્ય. માતા ભાણબાઈ જ્ઞાતિએ લોહાણા. જન્મ : વારાહી (તા.સાંતલપુર‚ જિ.બનાસકાંઠા). ખીમસાહેબને આ સંપ્રદાયના અનુયાયીઓ ‘ખલક દરિયા ખીમ’ કે ‘દરિયાપીર’ તરીકે પણ ઓળખાવે છે. એમના જીવન વિશે અનેક ચમત્કારો આલેખાયા છે. કચ્છના ખારવાઓમાં એમણે ‘રામકબીરપંથ’નો પ્રચાર કરેલો. હરિજન જ્ઞાતિના ત્રિકમ ભગતને દીક્ષા આપીને એમણે ‘રવિ ભાણ સંપ્રદાય’માં વાડીના સાધુઓની તેજસ્વી સંત કવિઓની આખી પરંપરાના બીજ રોપ્યાં હતા. જેમાંથી ત્રિકમસાહેબ‚ ભીમસાહેબ‚ દાસી જીવણ જેવા સંત રત્નો મળ્યાં. ઇ.સ. ૧૭૭૧ માં રાપર (જિ. કચ્છ)માં ખીમસાહેબે જગ્યા બાંધી‚ એ જ સ્થળે ઇ.સ. ૧૮૦૧ માં જીવતાં સમાધિ લીધી. રચના : ‘ચિંતામણી’ / ખીમદાસ કૃત ‘ચેતામણી’ (હિન્દી રચના) ઉપરાંત કાફી‚ ગરબી‚ આરતી. અને વિવિધ પ્રકારનાં ભજનો. હિન્દી‚ ગુજરાતી અને કચ્છી બોલીમાં. રવિસાહેબ પાસેથી પણ સાધના માર્ગદર્શન મેળવેલું. સાખી ચોપાઈ બંધની પ૮ કડીની જ્ઞાનમાર્ગી હિન્દી ‘ચિંતામણી’ (ર.ઇ.સ.૧૭૭૦)
તિલકદાસ (ઇ.સ.૧૮પ૯-૧૯૩ર)

કબીરપંથી રવિભાણ સંપ્રદાયના હરિજન સંત. જન્મ નામ : તેજાભાઇ. માનસદાસ   મહારાજ પાસે પુન : દીક્ષા-ગુરુમંત્ર. ૭પ વર્ષની વયે ઇ.સ.૧૯૩ર માં સમાધિસ્ત થયા. ભારાપર (કચ્છ)માં તેમની ગુફા છે. કચ્છના વિરાણી ગામે હરિજન કુટુંબમાં જન્મ નાની ઉમરે ઘર છોડી ભાગ્યા‚ ભાણસંપ્રદાયના સાધુ બાલકદાસજી પાસે દીક્ષા તેજાભાઈને બદલે તિલકદાસ નામ. જન્મ : વિ.સં.૧૯૧પ કારતક સુદ પૂનમ અને સોમવાર તથા દેહત્યાગ વિ.સં.૧૯૮૮ માગશર વદ આઠમ ને શુક્રવાર.
ત્રિકમસાહેબ (ઇ.સ.૧૭ર૬-૧૮૦૧)

રવિ-ભાણ સંપ્રદાયના સંતકવિ. ખીમસાહેબના શિષ્ય. કચ્છમાં રામવાવ ગામે (તા. રાપર) હરિજન ગરોડા જ્ઞાતિમાં જન્મ‚ રામગિર નામના જોગી મહાત્માની પ્રેરણાથી ભાણસાહેબના પુત્ર ખીમસાહેબના નાદશિષ્ય બન્યા. કચ્છના વાગડ વિસ્તારમાં ચિત્રોડ ગામે ગાદીની  સ્થાપના કરી. ત્રિકમસાહેબના આગમનથી રવિ ભાણ સંપ્રદાયમાં હરિજનોને સ્થાન મળ્યું અને આગળ જતાં ‘વાડીના સાધુ’ તરીકે ઓળખાતા હરિજન સંત-ભક્તો-કવિઓની સમૃદ્ધ પરંપરા મળી. હિન્દી અને ગુજરાતી ભાષામાં રચાયેલી એમની ભજનવાણી ઉપર કબીરસાહેબની અને તેમની વાણીનો વ્યાપક પ્રભાવ પડયો છે. એમાં આધ્યાત્મિક ઉન્માદની લહેરો વ્યકત થઈ છે. શિષ્યો : ભીમસાહેબ (આમરણ) અને નથુરામ (રાધનપુર) સમાધિસ્થાન : રાપર ગામે.     (જન્મ તા.પ.૮.૧૭ર૬ શ્રાવર્ણવદ ૮ સોમવાર વિ.સં.૧૭૮ર‚ સમાધિ વિ.સં.૧૮પ૭ ચૈત્ર સુદ બીજઇ.સ.૧૮૦૧).
 દાસી જીવણ/જીવણસાહેબ/જીવણદાસજી (ઇ.સ.૧૭પ૦-૧૮રપ)

રવિ-ભાણ સંપ્રદાયના તેજસ્વી સંત કવિ. ભીમસાહેબના શિષ્ય. જન્મ વિ.સં.૧૮૦૬ ઇ.સ. ૧૭પ૦માં ઘોઘાવદર (તા.ગોંડલ‚ જિ.રાજકોટ) ગામે હરિજન ચમાર કુટુંબમાં દાફડા શાખના જગાભગત સામબાઈને ત્યાં. દાસી ભાવે પરમાત્માની ઉપાસના કરનારા આ સંત કવિ લોકોમાં ‘રાધાનો અવતાર’ તરીકે ઓળખાય છે. નિર્ગુણ નિરાકારની સાથે સગુણ સાકારની ઉપાસનાનો સમન્વય કરી પ્રેમલક્ષણા દાસીભાવ‚ જ્ઞાન‚ યોગ‚ વૈરાગ્ય‚ ચેતવણી‚ બોધ ઉપદેશ ગુરુમહિમા એમ વિવિધ ભાવસૃષ્ટિ ધરાવતાં ભજનોના રચયિતા સંત કવિ તરીકે સૌરાષ્ટ્રના ભજનસાહિત્યમાં દાસી જીવણે મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમનાં પ્યાલો‚ કટારી‚ બંસરી‚ બંગલો‚ મોરલો‚ હાટડી‚ ઝાલરી વગેરે રૂપકાત્મક ભજનો ઉચ્ચ પ્રકારની સાહિત્યિક ગુણવત્તા ધરાવે છે. દાસી જીવણે સં. ૧૮૮૧ આસો વદી અમાસ-દીવાળીને દિવસે (ઇ.સ.૧૮રપ) ઘોઘાવદરમાં જ જીવતા સમાધિ લીધેલી. પત્ની : જાલુમા. પુત્ર : દેશળભગત. શિષ્યો : પ્રેમસાહેબ (કોટડા સાંગાણી)‚ અરજણ (ભાદરા).
પીઠો (ઇ.સ.૧૮૪૦-૧૮૮૯)

રવિ ભાણ સંપ્રદાયના હરિજન સંત કવિ. બાલકસાહેબના શિષ્ય. વાણવી શાખની મેઘવાળ જ્ઞાતિમાં‚ વિ.સં. ૧૮૯૬ માં ડેડરવા વંથલી (જિ.જૂનાગઢ) ગામે જન્મ. એ સમયના બહારવટિયા જમિયતશાની સાથે રહીને બાર વર્ષ સુધી બહારવટું ખેડેલું‚ એ પછી બાલક સાહેબનો ભેટો થતાં દીક્ષા લીધી એમ કહેવાય છે. વિવાહ : ખજુરા ખાટલી ગામે. પાંચ દીકરા હતા તેમાંથી ચારની વંશ પરંપરા ચાલુ છે. રચના : ભજનો. જેમાં : યોગસાધના. ગુરુ મહિમા‚ બોધ-ઉપદેશ અને ભક્તિનું આલેખન. અવસાન વિ.સં.૧૯૪પ વંથલી.
પ્રેમસાહેબ (ઇ.સ.૧૭૯ર-૧૮૬૩)

રવિ ભાણ સંપ્રદાયના સંત કવિ. દાસી જીવણના શિષ્ય. કોટડાસાંગાણી  જિ. રાજકોટ  ગામે કડિયા જ્ઞાતિમાં વિ.સં.૧૮૪૮ પોષ વદી ર પિતા : પદમાજી અને માતા : સુંદરબાઈને ત્યાં જન્મ. પત્ની : મલુબાઈ‚ પુત્ર : વિશ્રામસાહેબ. બુંદશિષ્ય પરંપરા : વિશ્રામસાહેબ-માધવસાહેબ-પુરુષોત્તમદાસજી-પ્રેમવંશ ગુરુચરણદાસજી.
[11:17PM, 4/25/2015] Bagada Dipak: ભવાનીદાસ (ઇ.સ.૧૭૭પ આસપાસ)

ભજનિક સંત-કવિ. જોધાભક્તના શિષ્ય ગુરુમહિમા‚ બોધ ઉપદેશ અને ભક્તિ વૈરાગ્યનાં ભજનોના રચયિતા. જન્મ : વણકર જ્ઞાતિમાં પિતા નારણ ચૌહાણ અને માતા લખમીબાઈને ત્યાં ઘોળકા ગામે. ગુરુમહિમા અને જ્ઞાનવૈરાગ્યની ભજનરચનાઓ.
ભાણસાહેબ (ઇ.સ.૧૬૯૮-૧૭પપ)

રવિ ભાણ સંપ્રદાયના આ પુરુષ. રામ કબીર પંથી સંત કવિ. કનખિલોડ (ચરોતર પ્રદેશ) ગામે લોહાણા જ્ઞાતિમાં પિતા : કલ્યાણદાસજી ઠક્કર અને માતા : અંબાબાઈને ત્યાં જન્મ. ષષ્ટમદાસજીના શિષ્ય. રવિસાહેબના ગુરુ‚ ખીમસાહેબના પિતા. કમીજડા (તા. : વિરમગામ) ગામે જીવતાં સમાધિ. કબીરસાહેબની જ્ઞાનમાર્ગી સંતવાણી પરંપરાનાં ગુરુમહિમા‚ અધ્યાત્મબોધ‚ ઉપદેશ‚ વૈરાગ્ય અને યોગસાધના વિષયક ભજનોના રચયિતા.
મૂળદાસ (ઇ.સ.૧૬પપ-૧૭૭૯)

ભજનિક સંત કવિ. આમોદરા (જિ.જૂનાગઢ) ગામે સોરઠિયા લુહાર જ્ઞાતિમાં કૃષ્ણ   ગંગાબાઈને ત્યાં જન્મ.વિ. સં.૧૭૩૧ કારતક સુદ ૧૧ સોમવાર. જીવણદાસ લોહલંગરી (ગોંડલ)ના શિષ્ય. જગ્યા : અમરેલી ગામે. શિષ્યો : શીલદાસ‚ હાથીરામ અને જદુરામ. જ્ઞાનમાર્ગી વૈરાગ્ય પ્રેરક વાણીના રચયિતા. એ સિવાય હિન્દી ભાષામાં ‘ચોવીસ ગુરુદત્તલીલા’ અને કેટલાંક પદો તથા ‘બારમાસી’‚ ‘હરિનામલીલા’ ‘ગુરુગીતા’ ‘સાસુવહુનો સંવાદ’ સમસ્યાઓ‚ મર્કટીનું આખ્યાન‚ ‘ભગવદ્દગીતાનો અનુવાદ’ ‘ભાગવત બીજો સ્કંધ’ વગેરે રચનાઓ. જેમાં મહાપંથની અસરો દેખાડતી ભજનવાણી ‘ચૂંદડી’‚ રૂપકગર્ભ પદો અત્યંત લોકપ્રિય થયાં છે. જીવતાં સમાધિ : સં. ૧૮૩પ‚ ચૈત્ર સુદ ૯ ને દિવસે અમરેલી મુકામે. પત્ની વેલુબાઈ અવસાન સં.૧૭૭ર ઇ.સ.૧૭૧૬ વેલુબાઈ પાછળ ભંડારો કર્યો. પછી આશ્રમનો વહીવટ શીલદાસ નામના શિષ્યને સોંપી  દ્વારકાની યાત્રાએ નીકળ્યા.