ગીરમાં ઊગ્યાં શબદનાં ઝાડવાં
-હરજીવન દાફડા
ગીરનાં જંગલને એકદમ અડીને આવેલું, અમરેલી જિલ્લાના ધારી તાલુકાનું નાગધ્રા ગામ. ચારેતરફ નદી, પહાડો, વનરાજી અને વન્ય પ્રાણીઓની અવરજવરથી ઘેરાયેલું ગીરકાંઠાનું આ ગામ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલું છે. આ ગામમાં જન્મેલા રાજાભાઈ અમરાભાઈ દાફડા ઉર્ફે કવિ રાજ દાફડા, વારસાગત મજૂરીકામ કરીને પોતાનો અને પોતાના બહોળા પરિવારનો જીવનનિર્વાહ ચલાવતા. આજે આ કવિની ઉંમર ૭૨ વરસની છે.
વર્ષો સુધી મકાન બાંધકામનું કામ કરતાં કરતાં વચ્ચે - વચ્ચે મળતાં થોડા - થોડા સમયની ચોરી કરી - કરીને કવિ રાજાભાઈ દાફડાએ જે કવિતાઓ લખેલી એનો સંગ્રહ એટલે આ 'રાજારવ'. ૧૯૭૮ ના સમયગાળાથી તેઓ કવિતાઓ લખતા રહ્યા છે અને આજે પણ એમની કલમ સર્જનરત છે. બહુ જ ઓછું ભણેલા આ કવિ ઉપર મા શારદાના આશીર્વાદ ઊતર્યા છે એ જ નવાઈ ઊપજે એવી બાબત છે. ગુજરાતી ભાષાની જોડણી અને શબ્દકોશના નહિવત જાણકાર કવિ રાજ દાફડા ઉપર શબ્દબ્રહ્મની કેટલી મોટી મહેરબાની છે એ આ સંગ્રહની રચનાઓમાંથી પસાર થતા આપણે જોઇ શકીએ છીએ.
સામાન્ય રીતે ગ્રામ્ય સંસ્કૃતિ અને લોકજીવનમાં ભજન - સંતવાણી, લોકડાયરા, ભવાઈ, રાસ-ગરબા, કથા - કીર્તન વગેરેનું ખૂબ મહત્વ હોય એ જાણીતી બાબત છે. નાનપણમાં રાજાભાઈ દાફડા પણ એ બધા કાર્યક્રમોમાં જતા અને રસપૂર્વક મન ભરીને બધું માણતા. ધીમે ધીમે ભજન અને લોકસાહિત્ય એમના રસરુચિના વિષય બન્યા અને પોતે પણ કંઇક લખવું છે એવો મનસૂબો ઘડાયો.
લોકસાહિત્યના વિવિધ છંદોમાં કેમ લખવું અને એ બધું કોની પાસેથી શીખવું એવી ધખના જાગી અને એ દિશામાં શોધ શરૂ કરી. અંતે નજીકમાં જ આવેલા ચલાલામાં લોહલંગરી મહારાજના શિષ્ય જદુરામ ગોંડલિયાને મળ્યા. એમણે રાજાભાઈ દાફડાને છંદજ્ઞાન અને કવિતાની સમજ આપી. બસ, પછી તો આ કવિએ કવિતાઓ લખવાનું શરૂ કર્યું અને આજ સુધી ક્યારેય પાછું વળીને જોયું જ નહીં. એમની સર્જનરાશિમાં લોકસાહિત્ય અને શિષ્ટસાહિત્યની રચનાઓ જોવા મળે છે, જેમાં દોહા, સોરઠા, ગીત, હરિગીત છંદ, કચ્છ વિસ્તારનું શાણોર ગીત જે ઝૂલણા છંદને મળતું આવે છે, છપ્પા, સવૈયા, ત્રિભંગી છંદ, છંદ ત્રોટક, રાગ - ઢાળ આધારિત ભજનો, આરતી, ધૂન, ધોળ, ગઝલ અને અન્ય કવિતાઓ મુખ્ય છે. એમના આ સર્જનફાલમાં ઠીક ઠીક પ્રમાણમાં વિષયવૈવિધ્ય પણ જોઇ શકાય છે. જેના લીધે એમની રચનાઓમાં સંવેદનની સચ્ચાઈભર્યો પોતીકો અવાજ સંભળાય છે, નવ્ય ચિંતનમનન, અધ્યાત્મ, શ્રદ્ધાભક્તિ, સામાજિક સમરસતાની ઝંખના, માનવકેન્દ્રી જીવનવ્યવહારની અપેક્ષા, સંતો, પીરાઈ પ્રત્યેની દ્રઢ આસક્તિ અને સાચા જીવનમૂલ્યોની પ્રસ્થાપના માટેની જીજિવિષા વગેરે એમની કવિતાની ધોરી નસરૂપે અહીં દેખાઈ આવે છે.
આ કવિની રચનાઓ ઉત્તમ પ્રકારની છે એવું કહેવાનો આશય નથી અને હોવો ય ન જોઇએ, કેમ કે દરેક કવિતા ભાવકના રસરુચિને અનુવર્તીને ઉત્તમ, મધ્યમ કે ત્રીજા કોઇ વર્ગવિશેષમાં મુકાતી હોય છે. આ કે બીજો કે પેલો કવિ ઉત્તમ અને અન્ય કવિઓ નિમ્ન એવો દાવો પણ કરી શકાય જ નહીં. હા, એટલું તો ખાસ કહેવાની જરૂર છે કે આ કવિનો શબ્દ જીવનના, શિક્ષણના અને સાહિત્યિક વાતાવરણના અભાવમાં ઊગ્યો, ઉછર્યો અને વિકસ્યો છે એટલે એને એ રીતે મૂલવવો અને તપાસવો પડે, તો જ એના સર્જકત્વને ન્યાય આપી શકાય. આ રચનાઓમાંથી પસાર થતી વેળાએ કવિના પોતીકા સર્જનકર્મને યથોચિત મૂલવી શકાય એવો દૃષ્ટિકોણ લઇને અત્યારે મારી ભાવકતા એમની સર્જકતામાં વિહાર કરી રહી છે.
કવિ રાજાભાઈ દાફડા પોતાની કેફિયતમાં કહે છે - પરમપિતા પરમાત્માની પ્રેરણા, ગુરુશ્રી જદુરામ ગોંડલિયાનું માર્ગદર્શન અને ઝવેરચંદ મેઘાણી તથા અન્ય કવિઓની કવિતાના વાચનથી છેલ્લા ૪૦ વરસ ઉપરાંતથી હું શબ્દની આરાધના કરતો રહ્યો છું. મારી કલમ અને કવિતાએ મને ઘડ્યો છે.
કવિની બહુ ટૂંકી આ કેફિયત પરથી કહી શકાય કે, કલમ અને કવિતાથી કવિ જેટલા ઘડાયા છે એટલો એનો શબ્દ પણ ઘડાયો છે. કવિની કવિતા કાવ્યશિક્ષા, વાચન - મનન, દૃશ્યશ્રાવ્ય માધ્યમ, ભક્તિપરાયણતા, જીવનનો સ્વાનુભવ, ઐતિહાસિક પૃષ્ઠભૂમિના પારંપરિક જ્ઞાન અને ભીતરની સાચકલાઈથી મંજાયેલી છે જેના કેટલાક ચમકારા આપણને 'રાજારવ' સંગ્રહમાંથી મળી રહે છે.
કવિના કુટુંબ પરિવારમાં ખીમદાસ નામે ભક્ત થઇ ગયેલા, જેમના માટે કવિએ એક સરસ મજાની બિરદપચીસી પણ લખેલી છે. આ આધ્યાત્મિક વારસો કવિમાં પરંપરાગત રીતે ઊતરી આવેલો છે. ઘર - પરિવારમાં નિજારપંથ અને રામદેવજી મહારાજ (રામાપીર) ની પાટપરંપરાના સંસ્કારો ઝીલાયેલા છે સાથોસાથ સંતોના ઉજ્જ્વળ ચરિત્રો અને ભજન - સંતવાણીનું જે સમાજમાં અવિનાભાવી અનુસંધાન આજ સુધી પેઢી દર પેઢી જોડાયેલું રહ્યું છે એ (હરિજન) સમાજ સાથે કવિનું જીવન જોડાયેલું હોઈને કવિની કવિતામાં પણ આ બધું સીધી કે આડકતરી રીતે વણાતું આવેલું છે.
ઉપર નિર્દિષ્ટ સંસ્કારોની ગહન છાપ કવિના આંતરબાહ્ય જીવન પર પડેલી છે. લોકસાહિત્ય અને સાહિત્યના વિધવિધ પ્રકારોમાં કવિના આ સંસ્કારો ઠેકઠેકાણે ઝીલાયા છે. છંદ ત્રિભંગીમાં રચાયેલા કૃષ્ણકાવ્યમાંથી એક આછેરી ઝલક જોઇએ -
પ્રેમપિયાસી ગોકુળવાસી નહીં ઉદાસી વનવાસી
ગોપી સંગે રમતો રંગે નિત ઉમંગે વનમાળી
સોળસો રાણી ગતિ નવ જાણી વાત અજાણી તુમ્હારી
છો કરુણાકારી કૃષ્ણમોરારી છબિ તુમ્હારી ચિત્તધારી
અહીં રામાપીર, આપા દાના - દાનેવ, આપા ગીગા વગેરેની એકાધિક રચનાઓ ઉપરાંત દાસી જીવણ, પાલણ, સત સ્મૃતિ, રામ, દશરથ, ગણેશ સ્તુતિ, સરસ્વતી સ્તુતિ, સંતો, ભક્ત જલારામ, ગાત્રાડ મા, ગુર્જર ભૂમિ, હિન્દુસ્તાન, કોરોના, સામાજિક વૈમનસ્ય, ઉપદેશપરક, ભક્તિપરક, પર્યાવરણ, માનવીય મનોસંચલનો વગેરે તેમજ જુદા જુદા વિષયને નિરૂપતી ગીત - ગઝલ - કાવ્યપરક રચનાઓમાં કવિએ પોતાની કલમને પોતીકી રીતે અજમાવી છે.
આપા દાના - દાનેવના દોહા જોઈએ.
દાખવે ક્યાંથી દાફડો (તારા) પરચા અનગળ પીર
અમરા સુતને યાદ છે (એક) તળ નાગધ્રા તીર
દુઃખહર છાયા દાનની, લખેલ (જો) કરમે લેવાય
વિધિના વાંકા લેખ તે (ઈ) બધાય બદલી જાય
આપા ગીગાના સોરઠા પણ સરસ છે
દન ઊગે દન આથમે, હરતો દુઃખ હજાર
ગરીબ પડખે ગીગડો, રહેતો કાયમ રાજિયા
દર્શન કાજે દેવળે, આવતા વરણ અઢાર
સમદૃષ્ટિ સૌની ઉપર, રાખે સરખી રાજિયા
કવિના કુટુંબ પરિવારમાં થઇ ગયેલા ભક્ત ખીમદાસને બિરદાવતી બિરદ પચીસી સારી રચના છે.
દાસી જીવણ વિશે દોહા અને શાણોર ગીત બન્ને સરસ રચનાઓ છે. તેમાં પણ દોહા માણવા જેવા છે.
જગા ઘર જીવણ હુવો, હરિજનમાં હરિ દાસ,
ઘરેણું ઘોઘાવદરનું, વસિયો વાસ સુવાસ.
કુંભાજીની કચેરીએ, શેઠ બનીને શ્યામ,
દાફડા ઉપર દયા કરી ભરી જીવણની ભામ.
કચ્છી ભાષાની છાંટવાળા દોહામાં રચાયેલો સત સ્મૃતિ ગ્રંથ પ્રલંબ છે પણ મજા કરાવે છે. ભક્તિની ઉપદેશાત્મક નિરૂપણા સરસ થઇ છે.
ભક્ત જલારામ વિશે હરિગીત છંદમાં રચના મળે છે. કોરોના વિશે એકબે રચનાઓ તેમ જ ગાત્રાડ મા, ગુર્જર ભૂમિ, હિન્દુસ્તાન વિષયક કાવ્યો ય મળે છે.
કવિનો 'રાજારવ' સંગ્રહ વાંચતાં એમાંની ચારણી સાહિત્યમાં લખાયેલી રચનાઓ સરસ છે, જ્યારે શિષ્ટ સાહિત્યના, ગઝલ, કાવ્યોમાં પ્રમાણમાં કાવ્યતત્ત્વની ઊણપ વરતાઈ આવે છે. કદાચ કવિ લોકસાહિત્યની જેમ કવિતા - ગઝલમાં કોઇ જાણકારનું માર્ગદર્શન નથી મેળવી શક્યા. પોતાના જૂજ વાચન અને શ્રવણના ભરોસે કવિ અહીં કવિતાભાસી અને ગઝલાભાસી રચનાઓ સર્જી બેઠા છે. કેટલીક આવી રચનાઓ અહીં નિવારવાની જરૂર હતી. જાણવા મળતી માહિતી મુજબ કવિની એક - બે સંગ્રહ થઇ શકે એટલી કવિતાઓ, જેમાં કવિની નિજી ઓળખ સાંપડે છે એ બધી ઘરસફાઈ વખતે શરતચૂકના લીધે પરિવારના અન્ય સભ્યોને હાથે નાશ પામેલી. જેના ઊંડા આઘાતમાં કવિની માનસિક હાલત આજે પણ ડામાડોળ છે.
કવિ અતુલ બગડા 'તથ્ય' ના આર્થિક સહયોગ અને જયંતીભાઈ ગોહિલ, તંત્રીશ્રી 'દલિતવાચા' સાપ્તાહિકના ટાઈપિંગ અને અન્ય સહયોગથી કવિ રાજ દાફડાનો આ 'રાજારવ' સંગ્રહ પ્રકાશિત થઇ રહ્યો છે. વળી, કવિની ઢળતી ઉંમરને ધ્યાનમાં રાખી એમની ઉપલબ્ધ બધી કવિતાઓનો સમાવેશ કરવાના મોહ અને આગ્રહને કારણે અહીં કેટલીક શિથિલ રચનાઓ પણ જોવા મળે છે.
ખેર.! અહીં સંગ્રહકર્તાઓનો અભિગમ કવિ દ્વારા રચાયેલી કાચીપાકી સઘળી રચનાઓનો સમાવેશ કરવાનો રહ્યો હોઈ આમ બન્યું છે. આમ પણ એક સાવ ઓછું ભણેલા કવિ પાસે શાસ્ત્રીયતાની અપેક્ષા રાખવી એ ય એની નિજી સર્જકતા, જે એનાં ભીતરથી પ્રગટી હોય એની સચ્ચાઈને નજરઅંદાજ કરવા જેવું ગણાય. એટલે આ જે કંઇ કવિનો શબ્દઉદ્યમ છે એના પોખણા કરવાનો આ અવસર હોઈ આપણે એમાં સામેલ થઇએ એ જ વધુ ઉચિત રહે.
કવિની જીવનભરની શબ્દસાધનાના પરિપાકરૂપે પ્રગટ થઇ રહેલા એમના આ 'રાજારવ' કાવ્યસંગ્રહ માટે મારો અંતરનો રાજીપો વ્યક્ત કરું છું અને કવિ રાજાભાઈ દાફડા ઊર્ફે રાજ દાફડાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.
તા. ૦૫ - ૧૧ - ૨૦૨૩.
અમરેલી
હરજીવન દાફડા
' સાહેબ ' ૭, દ્વારકેશનગર,
વેસ્ટર્ન પાર્ક, ચિતલ રોડ,
અમરેલી - ૩૬૫૬૦૧
મો - ૯૯૭૯૦૫૧૨૭૩