Atul from

Sunday, 15 September 2024

જય જય ગરવી ગુજરાતનો જય હો..

હું ભોજ ગામનો રહેવાસી, હું છું અસલ ગુજરાતી 

હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી

માથે બાંધતો પાઘડી મોઢે મબલખ મૂછો

પંથ અજાણ્યા પ્રવાસી સરનામું તો પૂછો

એતો હરીહરનો સાદ પાડતો સોરઠ ઘરાનો વાસી 

હુ વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી

સંતોની આ ભોમમાં કાયમ જાગતો ધુણો

દુઃખી માટે રુદિયાનો ભીંજાતો ક્યાંક ખૂણો 

અલખ નિરંજન નાદ સાથે મોજું લૂંટતો ગિરનારી

હુ વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી

ઝાડેઝાડમાં જીવતો ને ડુંગરાઓ ભમતો 

મીઠું ગાતા ઝરણાં સંગે દેવ ભુમિને નમતો

ઊજળા કદાવર શક્તિશાળી નમણા નર ને નારી 

હુ વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી

વનરામાં ગાયું ચરાવી સાવજ સંગે રમતો

ભોળો હું ગામડિયો મેમાન જમાડી જમતો 

દ્વારકાનો નાથ બિરાજે સાથે ભોળિયો અવિનાશી

હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી 

જંગલ વચ્ચે રહેતો એ કંદ મૂળને ખાતો 

હૈયા હૈયા કરતો એતો ગીત મધુરા ગાતો

જોડીયા પાવા વગાડું હું છું ઉપવનનો રહેવાસી

હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી 

જડીબુટ્ટીનો આવાહક વનદેવતા ગણાતો 

ઝાડ પાન ને પશુ પક્ષી સંગાથ એનો નાતો 

હું જંગલનો રહેવાસી,  હુ મૂળનિવાસી વનવાસી

હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી

ડુંગરાની ટોચેથી નદીયું ખળખળ વહેતી

તાપી મહી નર્મદાની કથા સઘળી કહેતી

કંકર એટલા શંકર એવી ધર્મધજાની બલિહારી 

હુ વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી

પર્વતોના શિખરેથી ધર્મધજાઓ ફરકતી 

વિકાસની ગાથા અમારી એકતામાં રહેતી

ગાંધી સરદારને મોદીજીનાં જીવન થયાં અવતારી

હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી

કચ્છ જોવ તો કે'શો કે વાહ ગુર્જરી ભુમિ

અંજારની તેગ ચમકારે લેજો ધરાને ચૂમી

હડપ્પાની સભ્યતાને તો સફેદ રણમાં શણગારી

હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી

માલધારીઓના આવકારે જીવ જાશે જુમી

ખાનદાનીને જોવા તમે ગુજરાત લેજો ધુમી

રત્નાકર જેના ચરણ પખાળે જુઓ દેશનાં વાસી 

હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી

જેનાં સંઘ પદ યાત્રામા ભારત આખું ફરતા

શ્રેષ્ઠીઓ તો જય જીનેન્દ્ર શરૂવાતમાં કહેતા 

ખુલ્લાં પગે ભ્રમણમાં કરતા આ દિગંબર વિશ્વાસી 

હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી

મહાવીરના સુવિચારોમા ભાઈ ચારા વહેતા 

ફૂલકુમળા દેહધારીઓ કષ્ટો સઘળાં સહેતા 

જીતેન્દ્રિય કહેવાતા રહેતાં આજીવનના ઉપવાસી

હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી

ઈશ્વર અલ્લાહ જૈનોની સાથે પ્રાર્થના થાય

મોજુ ભૂખ્યા માનવીનાં મેળા મીઠા ભરાય 

કલા કસબીની ભજનમંડળી સંગીત થઇને વહેતી 

હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી

વિશ્વના દેશોની વચ્ચે હેતના તારને બાંધે 

વેપારમાં ગુજરાતીઓનું નામ અનેરું ગાજે 

ગુજરાતના હીરાની ચમક જગભરમાં વખણાતી 

હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી

શૂરવીરોની ભોમકાની ગાથા અનેરી રચાય 

કાવ્ય આ ગુજરાતનું ગાતાં મન મારૂં હરખાય

હું વાત કરૂ છું સાચી લ્યો આપુ તથ્યની જુબાની

હું ભોજ ગામનો રહેવાસી, હું છું અસલ ગુજરાતી 

હું વાત કહું છું વિશ્વાસી, હું છું અસલ ગુજરાતી

No comments:

Post a Comment