Atul from

Sunday, 2 November 2025

બે ગામ નું એક ગામ... સાવર અને કુંડલા, સાવરકુંડલા..

      સાવરકુંડલા ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું વહીવટી મથક છે. સુપ્રસિદ્ધ કાંટા ઉદ્યોગના કારણે તે ગુજરાતમા અનોખુ સ્થાન ધરાવે છે. હાલમાં અમરેલી જિલ્લાના એક વિશાળ તાલુકા તરીકે જાણીતુ સાવરકુંડલા પહેલા ભાવનગર રાજ્યનુ અને બાદમાં તે ભાવનગર જિલ્લાનું શહેર હતુ. જોગીદાસ ખુમાણ ભાવનગર રાજ્યના કુંડલાના અંબારડી (હવે, સાવરકુંડલા)ના ગરાસિયા હતા. તેઓ અને તેમના પિતા હાદા ખુમાણ ભાવનગર રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા. ભાવનગરના દરબાર વજેસિંહે તેમના પૂર્વજોએ આપેલા ગામો પાછાં લઇ લેતાં તેઓ રાજ્ય સામે બહારવટે ચડ્યા હતા અને છેવટે ભાવનગરના રાજવીએ સમાધાનનો પ્રસ્તાવ મૂકતા બંનેની વચ્ચે સમાધાન થયું હતું. લોકપ્રિય ગુજરાતી ગઝલ ગાયક મનહર ઉધાસનું જન્મ સ્થળ પણ આ. અહીં દિવાળી ઉપર દેશી હાથ બનાવટના ઇન્ગોરિયા ફટાકડાં ફોડવાની પરંપરા. સૌરાષ્ટ્રના સાવરકુંડલા નગર માટે ઘણી વખત સંભળાતું કે કુંડલાની નાવલીનું પાણી પીધું હોય ઈ' ક્યાંય પાછો નો પડે, આ વાતનો સામાન્ય ભાવાર્થ એ જ કે, કુંડલામાં રહેલો માણસ એવો તો ઘડાઈ જાય કે એ ક્યાંય અને ક્યારેય સુખમાં કે દુ:ખમાં હિંમત ન હારે. 

આ વર્તમાન સાવરકુંડલાની વાત નથી. પણ એ સાવરકુંડલાની વાત જે સાવરકુંડલામાં ગામને વચ્ચેથી ખરેખર અને સાચુકલી એક નાવલી નામે નદી વહેતી હતી. અને નદી પર પુલ નહોતો! કેવું હતું એ સાવરકુંડલા...! એક તરફ સાવર અને બીજી તરફ કુંડલા. વચ્ચે નાવલી નદી. રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેશન બંને સાવરમાં અને મોટાભાગની દુકાનો કુંડલામાં. એથી જે કોઈ કુંડલામાં ખરીદી કરવા આવે એણે આવતી વખતે અને પાછા ફરતી વખતે નાવલીમાં પગ બોળવા પડે. વિચાર કરો કે કોઈ નવાં કપડાં પહેરીને સાવરકુંડલામાં આવ્યો છે અને એક હાથમાં થેલી અને જોડાં અને બીજા હાથમાં કપડા ઊંચા કરીને નાવલી પસાર કરી રહ્યો છે… 

અને સામેથી અચાનક એક ઘોડાગાડીવાળો આવી રહ્યો છે અને એને જગ્યા આપવામાં હાથમાંથી કપડા છૂટી જાય છે અને પાણીથી ભીંજાય જાય છે! અને એ કાંઠે આવીને પાયચાને નીચોવતો નીચોવતો બજારમાં જ હટાણું કરે છે. એનાં ભીનાં કપડાં સુકાઈ જાય છે અને પાછો ફરે છે ત્યારે ફરી નાવલી નદીમાં ભીનો થાય જ...! "નાવ" જેવા અકારથી જેનું નામ ‘નાવલી’ પડ્યું છે, વર્ષોનો ઈતિહાસ અને ત્યાનો લોક સમુહ સાક્ષી છે કે સાવર અને કુંડલાની વચ્ચોવચ્ચ કાળદુકાળે બારેમાસ ગોઠણ સમાણા પાણીથી વહેતી જોઈ છે, જે ખોડીયારના સ્થાનકે થી નીકળી કુંડલાની ઉત્તરે નદિ ના પાણી બારે માસ સરખા ઉભરાતા વહેતા.., જે પાણી કાળે ઉનાળે પણ સુકાતા નહી અને બાકીના એકાદ ગાઉ ના પટ ભર શીયાળે પણ સુકાઇ જતા હતા.

No comments:

Post a Comment