Atul from

Tuesday, 13 February 2018

12 જ્યોતિર્લિંગ

(૧) સૌરાષ્ટ્રમાં સોમેશ્વર/સોમનાથ
સોમનાથ એટલે ચંદ્રના સ્વામી, અમૃતની વર્ષા કરનાર, શીતલતા પ્રદાન કરનાર ભગવાન શિવ જે સૌરાષ્ટ્રમાં છે. સૃષ્ટિના સર્જન વખતે ચંદ્ર અતિસ્વરૂપમાન હતો. રાજા દક્ષ પ્રજાપતિ એ પોતાની સુપુત્રીઓમાંથી 27 સુપુત્રીઓના લગ્ન ચંદ્ર સાથે કર્યા હતા. ચંદ્રને પોતાના સૌંદર્ય અને સ્વરૂપનું વધુ ગર્વ હતો. 27 પત્નીઓમાંથી રોહિણી ચંદ્રને વધુ પ્રિય હતી. શરૂઆતમાં રોહિણી સિવાયની બાકીની 26 પત્નીઓ અપમાનીત થઈને પોતાના પિતાશ્રી દક્ષ પ્રજાપતિ પાસે પહોંચી ત્યારે દક્ષ પ્રજાપતિ બહુ જ ક્રોધિત થયા અને ચંદ્રને શ્રાપ આપ્યો કે હે ચંદ્ર, તમને તમારા સૌદંર્ય, તેજ અને કાંતિનું જે ગર્વ છે તેનાથી તાત્કાલિક વંચિત થાવ અને તમને ક્ષય નામનો મહારોગ લાગુ પડે.આ શ્રાપને કારણે ચંદ્રની ધીમે ધીમે સુંદરતા ઘટવા લાગી. ઈન્દ્રાદિ દેવો ભગવાન બ્રહ્માજી પાસે ગયા અને શ્રાપના નિવારણ માટે ઉપાય જાણવા નિવેદન કર્યુ ત્યારે ભગવાન બ્રહ્માજી એ દેવોના દેવ મહાદેવના મહામૃત્યુજંય મંત્રનું અનુષ્ઠાન કરી શિવપૂજન અને આરાધના કરવાનું સૂચવ્યું. ચંદ્રએ શિવલિંગની સ્થાપના કરી તપ કરવાનું શરૂ કર્યું.
પૂજા કરી તેનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને વરદાન માંગવા કહ્યું. ત્યારે ચંદ્રએ વિનંતી સાથે જણાવ્યું કે, હે ભગવાન મહાદેવ મને આ ક્ષય રોગથી મુક્ત કરો. અને ફરી તેજસ્વી બનાવો. શ્રાપના પ્રભાવને હળવું કરતાં ભગવાન શિવે કહ્યું કે મહિનાના કૃષ્ણપક્ષમાં તમારી કલા ક્ષીણ થશે અને શુકલ પક્ષમાં તમારી કલા વૃદ્ધિ પામશે અને પૂર્ણિમાના દિવસે પૂર્ણ તેજસ્વી બની આકાશમાં વિચરણ કરી શકશો. તેજ વખતે ભગવાન શિવ આર્શીવાદ આપી ત્યાંજ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થાપિત થયાં. ચંદ્રમાની ઉપાસનાથી ભગવાન શિવ પ્રસન્ન થયા તે હેતુથી આ જ્યોતિર્લિંગનું નામ સોમનાથ પડ્યું. પ્રભાસપાટણમાં ભગવાન સોમનાથનું મંદિર છે. એમની પૂજા, અર્ચના કરવાથી ચામડીના રોગ, ક્ષય રોગ, હૃદય ફેફસાં સંબંધી રોગો નાશ પામે છે. મસ્તિષ્ક પર ચંદ્રમય ભગવાન શિવશંકરનું ધ્યાન કરતાં આજ્ઞાચક્ર અને સહસ્ત્રાર ચક્ર તેજસ્વી, ગતિમાન થાય છે અને શરીરમાં મસ્તિષ્ક અને ગળામાંથી વિશેષ પ્રકારના રસો ઝરતાં મનુષ્યોના અસાધ્ય રોગો દૂર થાય છે. શરીરની ગરમી, શરીરમાં પ્રસરી ગયેલા વિષાણુઓના કારણે તન-મનની ગરમી વધી હોય તો તે શાંત થાય છે.

(૨) શ્રી શૈલ પર મલ્લિકાર્જુન
કાર્તિકેય અને ગણપતિ ભગવાન સદાશિવના કહેવાથી પૃથ્વીની પરિક્રમા કરવા નીકળ્યા. પરિક્રમા કરીને જ્યારે કૈલાસ પર આવ્યાં ત્યારે ગણપતિના વિવાહની વાત નક્કી થતાં કાર્તિકેય ધર્મપ્રચાર અર્થે શૈલ પર્વત પર ગયાં એથી વ્યથિત શિવ-પાર્વતીએ કાર્તિકેયને મનાવવા માટે દેવર્ષિઓને મોકલ્યા અંતે શિવ-પાર્વતી શૈલ પર્વત પર ગયાં અને ત્યાં જ્યોર્તિમય સ્વરૂપ ધારણ કરી સ્થાપિત થયાં. મલ્લિકાર્જુન ભગવાન શિવશંકરનું જ્યોતિર્લિંગ તામિલનાડુમાં કૃષ્ણાનદીના કિનારે શૈલ પર્વત પર છે. ભગવાન મલ્લિકાર્જુનની પૂજા અર્ચન કરવાથી, દર્શન કરવા માત્રથી જીવનની અનેક મહત્ત્વાકાંક્ષાઓ પૂર્ણ થાય છે અને ભક્ત-સાધકનું હંમેશાં કલ્યાણ થાય છે. શરીરમાં વિશેષ પ્રકારની શક્તિ વધે છે. તેનાથી વ્યક્તિ બળવાન બને છે.

(૩) ઉજ્જૈનમાં મહાકાલેશ્વર
આયુષ્યની વૃદ્ધિ, સંપૂર્ણ સ્વાસ્થય રક્ષા આધ્યાત્મની દૃષ્ટિએ કાલ પર વિજય મેળવવાની દૃષ્ટિએ એમની પૂજા અર્ચનાનું બહુ જ મહત્ત્વ છે. મધ્યપ્રદેશમાં ક્ષીપ્રા નદીના તટ પર ઉજ્જૈન શહેર છે. પવિત્ર સાતપુરીઓમાં ઉજ્જૈનીની ગણના થાય છે. અહીંયા ભગવાન શિવશંકરનું સ્વયંભૂ પ્રાગટ્ય ભયંકર હુંકાર સાથે થયો હોવાથી એને મહાકાલ કહેવામાં આવ્યા. શાસ્ત્રોમાં એવી કથા છે કે ઉજ્જૈનમાં વેદપ્રિય નામનો એક બ્રાહ્મણ હતો જે હંમેશા શિવપૂજામાં જ તલ્લીન રહેતો હતો. એ બ્રાહ્મણના સમયકાળમાં જ બ્રહ્મા પાસેથી વરદાન પ્રાપ્ત કરી દુષણ નામનો એક રાક્ષસ ત્યાં આવ્યો હતો અને વેદ, ધર્મોનો નાશ કરતો હતો. બ્રાહ્મણોને પજવતો હતો. વેદપ્રિય બ્રાહ્મણના ચારેય પુત્રો પણ જ્યારે શિવલિંગની પૂજા કરતાં હતાં તે વખતે દુષણ નામનો રાક્ષસ પોતાની સેનાની સાથે ત્યાં આવ્યો. એ બ્રાહ્મણ પુત્રોને પજવે તે પહેલા જ પાર્થિવ શિવલિંગમાંથી એક ભયંકર પ્રચંડ ધડાકો થયો અને ત્યાં એક મોટો ખાડો થઈ ગયો. એ ખાડામાંથી ભગવાન મહાકાળ પ્રગટ થયાં અને એમણે દુષણ નામના દૈત્યનો તેમજ એમની સેનાનો સંહાર કર્યો. ભગવાન મહાકાળની પૂજા, અર્ચના કરવાથી અનેક અસાધારણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. કાળ પર પણ (મૃત્યુ પર પણ) વિજય મેળવી શકાય છે.

(૪) વિધ્યાંચલમાં ઓમકારેશ્વર/ મમલેશ્વર
નર્મદા નદીના કિનારે મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર અને મમલેશ્વર જ્યોતિર્લિંગ છે. વિધ્યાંચલે પાર્થિવ લિંગ બનાવી ભગવાન શિવશંકરની પૂજા આરાધના સાથે છ મહિના તપશ્ચર્યા કરી ત્યારે બુદ્ધિ માંગી, ભગવાન શિવશંકરે ‘તથાસ્તુ’ કહ્યું. ઓમકારનું જે શિવલિંગ હતું તેના બે સ્વરૂપ થઈ ગયાં. એક ઓમ – ઓમકાર સ્વરૂપે ભગવાન શિવ ત્યાં પ્રગટ થયાં. ઓમકારનો અર્થ છે પૂર્ણ પવિત્ર પદ. જે વેદાંધ્યાનમાં પૂર્વ અને અંતમાં બોલવામા આવે છે. સમગ્ર સૃષ્ટિ અને બ્રહ્મનું સંપૂર્ણ પદ છે. ઓમ ભગવાન શિવશંકર સમગ્ર બ્રહ્માંડમાં ઓમકાર સ્વરૂપમાં શબ્દ, અક્ષર, ધ્વનિ, અણુ, પરમાણુમાં વ્યાપત છે. તેમની પૂજા, અર્ચનાથી વ્યક્તિ યોગ વિદ્યામાં નિષ્ણાત અને અનેક વિદ્યાઓનો જ્ઞાતા બને છે. વ્યક્તિ સમ્માનિત અને શ્રેષ્ઠ બને છે.

(૫) હિમાલય પર કેદારનાથ
કેદારેશ્વર જ્યોતિર્લિંગ મંદાકિની નદીના તટે આવેલું છે. અહી શિવલિંગ શીલારૂપે છે. કેદારેશ્વર જ્યોતિર્લિંગ ના મહાત્મ્યના વર્ણનમાં લખ્યું છે કે ભગવાન વિષ્ણુના બે અવતાર થયાં, નર અને નારાયણ. એમણે બદ્રિકાશ્રમમાં તપ કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા. ભગવાન શિવને પ્રસન્ન કર્યા પછી એમણે પ્રાર્થના કરી કે જો ખરેખર તમે પ્રસન્ન થયાં હોવ તો અહીંયા જ વાસ કરો એટલે શિવજી ભગવાન બરફના સ્થાનરૂપ કેદાર ક્ષેત્રમાં જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિત થયાં. હિમાલય કેદારસ્થિત ભગવાન કેદારનાથની જે નર-નારાયણના રૂપમાં પૂજા, અર્ચના કરે છે, તેમના જીવનની પ્રગતિમાં આવતી અનેક વિઘ્ન-બાધાઓ દૂર થાય છે. સર્વત્ર સફળતા માટે અનુકૂળતા સર્જાય છે.

(૬) ડાકિનીમાં ભીમશંકર
પ્રતિકૂળ, ભયાનક સ્થિતિમાં મનોબળ, આત્મબળ અને અનેક પ્રકારની શક્તિનું નિર્માણ કરતાં ભીમશંકર જ્યોતિર્લિંગનું સ્થાન સહ્યાદ્રી પર્વતોની હારમાળામાં ભીમા નદીના મૂળ પાસે સ્થિત છે. ભગવાન શિવજી એ ત્રિપુરાશુરનો વધ કરી અહીં સહેજ વિરામ લીધો હતો. તે વખતે ભીમક નામનો રાજા અહીંયા તપશ્ચર્યા કરતો હતો. તેનાથી પ્રસન્ન થઈને તેની ઇચ્છા મુજબ શિવશંકર જ્યોતિર્લિંગ સ્વરૂપે અહીંયા સ્થિત થયાં. એમની પૂજા, અર્ચનાથી આકાશતત્ત્વ વધતાં યોગમાર્ગમાં વ્યક્તિ વધુ શ્રેષ્ઠ પ્રગતિ કરી શકે છે. શરીરમાં એક વિશિષ્ટ પ્રકારનો ઉત્સાહ વધે છે. કાયમી સ્ફૂર્તિ જળવાય રહે છે અને હંમેશાં માટે શત્રુભય તથા પ્રતિકૂળ વાતાવરણ નું શમન થાય અને આત્મવિશ્વાસ વધતાં અનેક પ્રકારે વિજય મળે છે.

(૭) કાશીમાં વિશ્વનાથ
ચૌદ લોક સમસ્ત બ્રહ્માંડના સ્વામી જે કાશીમાં છે. આદિકાળમાં કાશી શિવજીનું ગોપનીય સ્થાન ગણવામાં આવતું હતું. એમની પૂજા, અર્ચના કરવાથી આત્મજ્ઞાન થતાં વ્યક્તિ કર્મબંધનથી મુક્ત બને છે. ત્રિકાળજ્ઞાની બને છે અને અંતે જ્ઞાની બનવાથી સંસારના બંધનમાંથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોમાં મુક્તિ માટે કાશીમરણનું પણ ખૂબ જ મહત્ત્વ છે. મુક્તિપુરી-કાશીને ભગવાન શિવની નગરી પણ કહેવામાં આવે છે.

(૮) ગોમતી તટ પર ત્રંબકેશ્વર
ત્રંબકેશ્વર નામમાં બહુ જ રહસ્ય છપાયેલું છે. (૧) ભગવાન શિવશંકર અહીંયા ત્રણ લિંગોમાં વિદ્યમાન છે. જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના પ્રતિક ગણાય છે. (૨) ત્રિકાળ પર વિજય મેળવવા માટે ત્રિકાળજ્ઞ બનવા માટે, મા શક્તિ અંબિકાની (મહાકાળી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી) અનુકંપા મેળવવા, શક્તિમય વાતાવરણ સર્જવા, શિવશંકરના ત્રંબકેશ્વર તીર્થ પાસે બ્રહ્મગીરી પર્વત છે. ઉત્તરમાં ભગીરથ નામના રાજાએ મા ગંગાનું અવતરણ કર્યું હતું. અહીંયા ભગવાન શિવજી ગંગાને ધારણ કરી રહ્યા હતાં. એજ ગંગા ગોમતી કહેવાયા. શરીરમાં જ્યારે ત્રિદોષ (વાત, પિત્ત, કફ) અસંતુલિત થાય છે ત્યારે ભગવાન ત્રંબકેશ્વર શિવના ચિંતન ધ્યાન માત્રથી સ્વસ્થ બની શકે છે. અને ભક્તની મનોકામનાઓની પૂર્તિ થાય છે.

(૯) અયોધ્યાપુરી (દારૂકવન)માં નાગેશ્વર
દ્વારકાથી બેટના રસ્તે જતાં શ્રી નાગેશ્વર મંદિર આવે છે. નાગેશ્વર ભગવાન શિવના પૂજન અર્ચનથી શરીરમાં તેમજ સંસારમાં ફેલાયેલા અનેક વિષોનું શમન થાય છે. શરીરમાં અગ્નિતત્ત્વ સંતુલિત થાય છે. નાગવાયુથી (શરીરમાં પાંચ વાયુમાંનો એક વાયુ જેના વડે ઓડકાર આવે છે) અગ્નિતત્ત્વ સંતુલિત થતાં પાચનક્રિયા શ્રેષ્ઠ બને છે. નાગવાયુ અને પાચનક્રિયા-પાચનતંત્રનો પૂર્ણ સંબંધ છે. ભગવાન નાગેશ્વરની પૂજાથી વ્યથિત વ્યક્તિ શક્તિશાળી અને પુરુષાર્થયુક્ત બને છે. પ્રાચીન કથા મુજબ સુપ્રિય નામનો એક વૈશ્ય ભક્ત હતો. તેમણે ભગવાન શિવશંકરની પૂજા, અર્ચન કરી ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાનને એણે પ્રાર્થના કરી કે હે, મહાદેવ, દારૂક નામના દૈત્યથી મારી રક્ષા કરો. જેથી ભગવાન જમીનના પોલાણમાંથી ચાર દ્વારવાળા ભવ્ય મંદિર સાથે પ્રગટ થયાં અને નાગેશ્વર નામથી પ્રસિદ્ધ થયાં. એમની સાથે જે પાર્વતી સ્વરૂપમાં ભગવતી હતાં તે પણ નાગેશ્વરી નામથી પ્રસિદ્ધ થયાં.

(૧૦) ચિંતાભૂમીમાં વૈદ્યનાથ-બૈજનાથ
મૃત્યુ અને રોગથી વ્યક્તિ હંમેશા ભયભીત રહે છે. પ્રતિકૂળ સંજોગોમાં, અતિચિંતામય વાતાવરણમાં ભગવાન શિવશંકરને સમર્પિત થઈને વૈદ્યનાથ જ્યોતિર્લિંગની પૂજા કરે છે ત્યારે સુખ-સમૃદ્ધિ માટે, અનુકૂળ વાતાવરણ સર્જાય છે. પ્રાચીન ગ્રંથોમાં વૈદ્યનાથ જ્યોતિર્લિંગના માહાત્મ્યમાં લખ્યું છે કે રાવણે જ્યારે કઠોર તપ કરી ભગવાન શિવશંકરને પ્રસન્ન કર્યા અને ભગવાનને કહ્યું કે હે ભગવાન મારે આપને લંકા લઈ જવા છે. ત્યારે ભગવાન શંકરે ફકત સ્મિત જ આપ્યું ત્યાર બાદ રાવણ શિવલીંગ ને લઈને લંકા જવા રવાના થયો. માર્ગમાં તેને લઘુશંકા ની ઇચ્છા થઈ તેને એક સહાયકને શિવલિંગ આપ્યું તે શિવલિંગના ભારથી અકળાઈ ઊઠ્યો અને તેણે શિવલીંગ ને ત્યાં જ જમીન પર મૂકી દીધું. આથી શિવલિંગ તેજ જગ્યાએ સ્થિર થઈ ગયું. રાવણે આવીને એ શિવલિંગ ને ઉપાડવા પ્રયત્ન કર્યો પણ તે ઉપાડી ન શકયો, વૈદ્યનાથ ભગવાનના જ્યોતિર્લિંગના આ સ્વરૂપની જે પૂજા અર્ચના કરે છે તે વ્યક્તિ સ્થિર વિચારશીલ, ધીરગંભીર, દૃઢ મનોબળવાળી બને છે.

(૧૧) સેતુબંધમાં રામેશ્વર
બાર જ્યોતિર્લિંગમાં રામેશ્વર જ્યોતિર્લિંગનું મહત્ત્વ પણ અદ્ભુત છે. ભગવાન શ્રી રામે રેતીનું શિવલિંગ બનાવી શિવ અર્ચના કરી હતી. ભગવાન શિવજીએ લંકા વિજય માટે વરદાન આપ્યું હતું. રામેશ્વર ભગવાન શિવની પૂજન, અર્ચના કરવાથી વ્યક્તિ શારીરિક, માનસિક, તેમજ બ્રાહ્ય શત્રુ પર વિજય મેળવી શકે છે. શત્રુઓ ઉપર વિજય મેળવવા માટે અનુકૂળ વાતાવરણ સર્જાય તેમજ યોગ્ય સહયોગ મળી રહે. ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રાર્થનાથી શિવજી ત્યાં જ જ્યોતિર્લિંગ સ્વરૂપે સ્થિર થયા જેથી આ સ્થાનનું નામ રામેશ્વર જ્યોતિર્લિંગ રાખવામાં આવ્યું.

(૧૨)  દેવ સરોવર શિવાલયમાં ઘુશ્મેશ્વર
ઘુશ્મેશ્વર જ્યોતિર્લિંગના પૂજન, અર્ચનથી વ્યક્તિ સંસારના તમામ સુખ-વૈભવ-સમૃદ્ધિ ભોગવી અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે. એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. પ્રાચીન શાસ્ત્રો પ્રમાણે ‘સુશર્મા’ નામનો એક બ્રાહ્મણ હતો. સુશર્માની પત્ની ‘સુદેહા’ ને સંતાન ન હતા. નિ:સંતાન પણાના દુ:ખને દૂર કરવા સુદેહાની સંમતિથી સુશર્માએ પોતાની સાળી ‘ઘુશ્મા’ સાથે લગ્ન કર્યા. શિવકૃપાથી ઘુશ્માને ત્યાં પુત્ર જન્મ થયો. સુદેહાએ ઈર્ષાને લીધે પોતાની જ બહેનના (આમ, તો પોતાના જ) પુત્રને મારી નાંખ્યો. ત્યારે ઘુશ્માએ ભગવાન શિવની અખંડ આરાધના કરી અને ભગવાન શિવે પુત્રને ફરી જીવિત કર્યો. ઘુશ્માની પ્રાર્થનાથી શિવશંકરે ત્યાં નિવાસ કર્યો. જેથી જ ઘુશ્મેશ્વર બારમા જ્યોતિર્લિંગના નામથી પ્રસિદ્ધ થયું.
ભગવાન શિવની કાયિક વાચિક અને માનસિક રીતે પણ પૂજા થઈ શકે. શિવપંચાયત અને દેવનું પૂજન કરી સૃષ્ટિના તમામ દેવોને વંદન કરી મહાશિવરાત્રિના દિવસે જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે અથવા કોઈપણ શિવલિંગ પર વિધિવત્ પૂજન, અર્ચન કરવામાં આવે તો ભગવાન સદાશિવ પ્રસન્ન થાય છે અને વ્યક્તિને અનેક કષ્ટોમાંથી મુક્ત કરે છે.

No comments:

Post a Comment