દરિયો સાલ્લો તડપાવે છે
----- અતુલ બગડા '' તથ્ય ''
પ્રખર ધીખતો ફણગાવે છે
વિખી-ચુંથીને ઉભા શઢને
આમ-તેમ કઈ ફંગોળે
પથ્થર છાતી બેસારી દે
એવો ચડ્યો કઈ હિલ્લોળે
વાવડો જીવતર ફફડાવે છે
દરિયો સાલ્લો તડપાવે છે
હલેસાનું જીવન બિચારું
ખાપવામાં વીતી ગયું
ખલાસીનું જીવન બનીને
કાફલામાં વીતી ગયું
હાલક-છાલક વલખાવે છે
દરિયો સાલ્લો તડપાવે છે
ઘૂઘવાટાના મોજા ભયંકર
સાંઢ બની જઈ ફુન્ગારે
લાકડયાળી છત પે બળતો
સુરજ બની જઈ અંગારે
ફીણ-ફીણ જન્માવે છે
દરિયો સાલ્લો તડપાવે છે
નેજવું કરી જોતા ઉભા
ફાગણ ભૂખ્યા મરજીવા
કિનારાની વાટે ઝૂરતા
ખાંપણ બાંધ્યા કેસરિયા
માથું ખડક સાથે ભટકાવે છે
દરિયો સાલ્લો તડપાવે છે
મૌત ઝઝૂમ્યા ઝડબામાંથી
બચવું કેમ કહી દો ?
મધ્યે ડૂબ્યા જીવતર માં
તરવું કેમ કહી દો ?
ભીતર કોઈક તો જગાડે છે
દરિયો સાલ્લો તડપાવે છે
સ્વયં ખોજનો વખત થયો
ત્યાં ગ્રહણ થયાના એંધાણ
આયખાની આ ખેપ લઈને
ક્યારે પહોચે મારા વહાણ
આ પાર-તે પાર વચગાળે છે
દરિયો સાલ્લો તડપાવે છે
No comments:
Post a Comment