આયખું
આયખું
જુવાનીનું જોશ બધું ઓગળીને
ખાટલાના વાણમાં
મેલની જેમ બાજ્યું છે
પાંગતે બેસીને
ખીખીયારા કરતું આયખું
તરડાય ગયેલી પુંઠાની પાટી માં
લખાય ગયેલું
ઠો.....ઠો......કરતું , ખખડતું
બરછટ ધોળા વાળ ની અંદર
કોળાતું
સુકાતું
ભુંસાતું આયખું
ચાર પાયા પરથી ઉભું થઈને
ખીટીએ વળગાડેલી કાળી કટાયેલી
તલવારને ધ્રુજતા હાથથી ઉપાડવાની
વ્યર્થ કોશિષ થી
ફસાડતું
વળી પડતું - આખડતું
ખાટલાની પાંગતે ખડવડતું આયખું
બે શ્વાસ વચ્ચે ની જગ્યા
વચ્ચે અટકીને
તગતગતી આંખોથી છેલ્લે
ધૂળથી રગદોળાયેલી
ઝુંપડીની માયાને ''આહ '' ની જેમ
શરીરમાં સમાવી લઈ ને અંતિમ તરફ
દોરતું આયખું
એ કટાયેલી
સમશેરના સમ તું જીવીજા
છેલ્લી વાર
છાતી ગજ - ગજ ફુલાવી લે
જીતી લે
આ છેલ્લા જંગ ને તું
ને પોઢી જા
શાંતિ થી સાત સમંદર પર
------- અતુલ બગડા '' તથ્ય ''
No comments:
Post a Comment