Atul from

Tuesday 19 September 2023

માતૃભાષા નું ગૌરવ

 મા મારી ને એની ભાષા મને ગમે છે,

નાં ચરણમાં જગત આખું નમે છે, 

જે ભણ્યાં માતૃભાષાને શૈશવ કાળે,

શબ્દ મોતી બની જીવન ભર રમે છે. 


      માતૃભાષા એટલે આપણી માં બોલે છે એ ભાષા. માં પાસે થી શીખેલી ભાષા એટલે આપણી માત્રુભાષા. બાળક તેની મા પાસેથી જેટલુ શીખે છે તેટલુ બીજા કોઇ પાસેથી નથી શીખતુ. જેથી બાળકને પાયાનું જ્ઞાન માતૃભાષાનાં શિક્ષણ દ્વારા પ્રાપ્ત થાય એ અનિવાર્ય છે.  માતૃભાષા એટલે બાળકને મા દ્વારા વારસામાં મળેલી ભાષા, ઘરમાં જે ભાષા બોલાતી હોય છે તે જ બાળકની માતૃભાષા હોય છે. ઘરની આસપાસમાં પણ મોટા ભાગે બાળકના ઘરમાં બોલાતી ભાષા જ બોલાતી હોય છે. આમ, ઘર તથા આસપાસના વાતાવરણમાંથી બાળક ભાષા બોલતાં શીખે છે, આથી બાળકને માતૃભાષામાં વિચારો વ્યક્ત કરવાનું ખૂબ જ સરળ પડે છે. વળી, નિશાળમાં ભણતી વખતે માતૃભાષા લખતાં વાંચતાં તેને કોઈ મુશ્કેલી પડતી નથી. આથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા દ્વારા આપવું શ્રેષ્ઠ ગણાય. સાચા અર્થમાં બાળકના વિકાસ માટે ઉત્તમ ગણાય. સાચી વાત તો એ જ છે કે માતૃભાષા દ્વારા મેળવેલું શિક્ષણ બાળકને જલદી પચે છે. આથી બાળક બધાં વિષયોને સારી રીતે સમજી શકે છે અને પોતાના વિચારો પણ સારી રીતે વ્યક્ત કરી શકે છે. માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવતાં બાળક પોતાના અભ્યાસમાં ફૂલની જેમ ખીલી ઊઠે છે. તદુપરાંત, એક વાર માતૃભાષા દ્વારા શિક્ષણ મેળવી લીધા પછી બાળકને અન્ય ભાષાઓ શીખવામાં ઘણી સરળતા રહે છે 

આ૫ણા ગુજરાતી ભાષા ના કસબી શ્રી ઝવેરચંદ મેઘાણી એ ખૂબ જ સાચું કહયુ છે, કે  ‘માતાના પ્રેમ પછીના ક્રમે કંઈ આવતું હોય તો તે છે આપણી માતૃભાષા.


ભલેને બદલાવી નાખો આપણી વેશભૂષા,

માંના પ્રેમ નું સ્વરૂપ છે આપણી માતૃભાષા,

ભારત ભવ્ય દેશ છે ને સૌની વિવિધ ભાષા,

આપણે ગુજરાતી, ને ગુર્જર આપણી ભાષા.


ગુજરાતી ભાષા એ તો આપણ ને અનેરા સાહિત્યકારો આપ્યાં છે અનેક કવિઓ, અનેક સંતો, અનેક લેખકો જેણે આપણી માત્રુભાષા ને જીવતી રાખી છે અખો, મીરાબાઈ, નર્મદ, નરસિંહ મહેતા, રવી ખીમ ભાણ ત્રિકમ દાસી જીવણ જેવાં ઉમદા સંતો,અરે આપણાં અમરેલી ના રમેશ પારેખ જેવા અનેક સાહિત્યકારો એ માત્રુભાષા ને વલોવી ને ભાષા ના મોતીઓ આપ્યાં છે. ગુજરાતી સાહિત્ય જગતના આ એવા અવિસ્મરણીય નામ છે, જેને યાદ કર્યા વગર ગુજરાતી ભાષા વિષે કંઈપણ બોલીએ તો તે અધૂરું જ ગણાય. આવા ઉમદા સાહિત્યકારો અને તેમની કૃતિઓને વર્ષોવર્ષ ગુજરાતી સાહિત્ય યાદ રાખશે અને તેનું સન્માન કરશે.


મળેના પ્રેમ સાચો માના પાલવ વિના

તથ્ય ગુજરાતી બોલશે આશય વિના


     માતૃભાષા એટલે ખાલી ગુજરાતી ભાષા, એવું નથી. કોઈપણ વ્યક્તિને પોતાની માતા તરફથી મળેલી ભાષા એ માત્રુભાષા છે, જ્યારે બાળક જન્મે કે તરત જ કોઈ ભાષા શીખીને આવતું નથી. તે એકદમ કોરી પાટી જેવું હોય છે. તમે તેને જે શીખવાડો તે શીખે છે. અને બાળક નાનું હોય ત્યારે તે મોટેભાગે પોતાની માં પાસે રહે છે, એટલે જ તેની પ્રથમ ભાષા તે પોતાની માં પાસેથી શીખે છે,  જેમ વ્યક્તિત્વના ઘડતરમાં સંસ્કારોનું સિંચન કરવું જરૂરી છે, તેવી જ રીતે વ્યક્તિના સર્વાંગી વિકાસમાં ભાષાનું ઘડતર અને માતૃભાષા પરનું પ્રભુત્વ ખૂબ જ જરૂરી છે. એ ખરું છે કે અંગ્રેજી એ જગતભરમાં ફેલાયેલી અને સમૃદ્ધ ભાષા છે પરંતુ એ માટે બાળકને બાળપણથી જ અંગ્રેજી માધ્યમની શાળામાં ભણવા મોકલવામાં આવે એ કેટલું યોગ્ય ગણાય તે એક પ્રશ્ન છે. એથી ઊલટું ઘરમાં અને આસપાસના વાતાવરણમાં અંગ્રેજી ભાષાનું વાતાવરણ મળતું ન હોવાથી બાળકોને અંગ્રેજી દ્વારા શિક્ષણ મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે. તેઓ કેટલીક વખત અભ્યાસમાં પાછળ રહી જાય છે. તેઓ અંગ્રેજી ભાષામાં પોતાના વિચારો સારી રીતે વ્યક્ત કરી શકતાં નથી. હા, ઉચ્ચશિક્ષણમાં અંગ્રેજી ભાષા દ્વારા શિક્ષણને ભલે સ્થાન અપાય પરંતુ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાએ તો માતૃભાષા દ્વારા શિક્ષણ એ જ આદર્શ સ્થિતિ ગણાવી જોઈએ.

આપણે જો સાચું લોકતંત્ર સ્થાપવા માગતા હોઈએ તો દેશનો વ્યવહાર પણ માતૃભાષામાં અને રાષ્ટ્રભાષામાં જ ચાલવો જોઈએ. તે માટે પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ.

દુનિયામાં અંગ્રેજી ભાષાનું મહત્ત્વ છે એ ખરું પરંતુ માતૃભાષાને અવગણીને અંગ્રેજી ભાષાના માધ્યમ દ્વારા અપાતું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બાળકને માટે ભારરૂપ બની જાય છે તે વાસ્તવિકતા સ્વીકારવી જોઈએ. આમ, આપણે દેખાદેખીથી નહિ પરંતુ બાળકના માનસિક વિકાસને લક્ષમાં લઈને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ માતૃભાષા દ્વારા જ આપવાનો આગ્રહ રાખવો જોઈએ. 

      દરેક વ્યક્તિને પોતાની માતૃભાષા સિવાય બીજી કેટલી ભાષા આવડવી જોઈએ ?  દરેક વ્યક્તિને ત્રણ ભાષા આવડવી ખૂબ જ જરૂરી છે. એક માતૃભાષા કે જે તેની પોતાની ભાષા છે, અને જેના દ્વારા તે પોતાની આસપાસ રહેલા લોકો તેમજ સમાજમાં રહેલા લોકો સાથે વાર્તાલાપ કરી શકે છે. બીજા પ્રકારની વાત કરીએ તો તે એટલે આપણી રાષ્ટ્રીય ભાષા. આપણી રાષ્ટ્રીય ભાષા “હિન્દી” છે. આ ભાષાનો ઉપયોગ આપણે આપણા દેશના બીજા રાજ્યમાં રહેતા લોકો સાથે વાર્તાલાપ કરવામાં કરીએ છીએ.

દરેક રાજ્યની પોતાની પ્રાદેશિક ભાષા હોય છે, પરંતુ આ બધી જ ભાષાઓને એક તાંતણે જોડતી ભાષા એટલે હિન્દી. હિન્દી ભાષા આપણને આવડવી ફરજિયાત નહીં પરંતુ ઉપયોગી છે, જેથી કરીને ક્યારેક આપણા જ દેશના કોઈ બીજા પ્રદેશમાં જઈએ તો વાત કરવામાં તકલીફ ના પડે. હવે ત્રીજી ભાષાની વાત કરીએ તો તે એટલે “આંતરરાષ્ટ્રીય ભાષા”. જે એક દેશના વ્યક્તિ બીજા દેશના વ્યક્તિ સાથે વાત કરવા માટે કરે છે. આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે ભારતમાં “અંગ્રેજી” ભાષાને સ્થાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ભાષા આવડવી જરૂરી છે, પરંતુ તેની ઘેલછા ક્યારેય માતૃભાષાના પતનને આધીન ન હોવી જોઈએ.


આજે વાત કરવી છે શિક્ષણમાં ભાષાના મહત્વની.  આપણે સૌ કોઈ જાણીએ છીએ કે, દરેક વ્યક્તિ જે ભણે છે, તે વિદેશ ના લોકો સાથે કંઈ સીધા મુલાકાત મા આવવા ના નથી. અને આપણી ભણતર પ્રણાલી પણ એ મુજબની છે કે સ્નાતક સુધીના અભ્યાસમાં દરેક વ્યક્તિ સારૂ અંગ્રેજી બોલતા, સમજતા તો શીખી જ જાય છે. 

તો પ્રશ્ન એ થાય કે આજના સમયમાં દરેક ગુજરાતી પોતાની માતૃભાષા છોડીને અંગ્રેજી ભાષાને આટલું પ્રાધાન્ય કેમ આપે છે ? શું કડકડાટ અંગ્રેજી બોલતાં આવડતું હોય તો જ તમે ભણેલાં છો તેવું સાબિત થાય ? કે પછી કહેવાતા આપણાં ભાર વિનાના ભણતરમાં અંગ્રેજીનો ભાર હોવો જરૂરી છે ? આ પ્રશ્ન અત્યારે પોતાના છોકરાને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવાની ઈચ્છા રાખતા દરેક માતા પિતાને પૂછવો આવશ્યક છે.

ભણતર માટે સહુથી મહત્વની બાબત એ છે કે તમે જે પણ ભાષામાં છોકરાને ભણાવો, તે ભાષાનું પૂરતું જ્ઞાન છોકરાને આપવા પોતે સક્ષમ છો કે નહીં તે જાણવું જરૂરી છે. તે જે વાતાવરણમાં મોટો થશે, તેને તે સમાજમાં, તે સોસાયટીમાં અંગ્રેજી ભાષાના જ લોકો મળવાના કે પછી માતૃભાષાના ? આ દરેક બાબતનો વિચાર કર્યા પછી જ છોકરાના અભ્યાસનું માધ્યમ નક્કી કરવું જોઈએ, ના કે પછી આજુબાજુવાળાના છોકરાઓએ કયું માધ્યમ પસંદ કર્યું છે તે પરથી.

મારા મત મુજબ નાનું બાળક એ એક કુમળા છોડ સમાન હોય છે. હવે તમે જ વિચારો કે એક કુમળા છોડને ઝંઝાવાત સામે ઊભો કરી દેવામાં આવે તો તે કેટલો સમય ટકી શકશે ? અને ટકી પણ ગયો તો તેના મૂળ કેટલા મજબૂત હશે તેનો અંદાજ આપણે સૌ લગાવી શકીએ છીએ. બસ તમે એમ જ સમજો કે તમારું બાળક એ કુમળો છોડ છે, અને અંગ્રેજી માધ્યમ એ એક ઝંઝાવાત. 

આ ઝંઝાવાત સામે લડવાની તેની ઉંમર ૧૭ વર્ષ પછીની છે, અને આપણે તેને ૫ વર્ષનો હોય ત્યારે જ ધકેલી દઈએ છીએ. કોઈપણ બાળક પોતાના માતા પિતાની મહત્વાકાંક્ષામાં, નથી તેમને કંઈ કહી શકતું, કે નથી પોતાની પરિસ્થિતિ જીરવી શકતું. અને અંતે પરિણામ આવે છે – અપમૃત્યુ. જે આપણાં બધાની નજર સમક્ષ છે. હવે તમે જ વિચારો શું આપણે આપણા બાળકને આ રીતે મુરઝાવા દઈએ ખરા ? 

કોઈપણ ભાષા શીખવા માટેનાં ચાર આધાર સ્તંભ છે; સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું. જો તમે તમારા બાળકને અંગ્રેજીમાં ભણાવો છો, તો તેને આ ચારેય આધારસ્તંભ એક પછી એક શીખવા જ પડે છે. તેને અંગ્રેજીમાં સાંભળવાનો, બોલવાનો, વાંચવા તેમજ લખવાનો મહાવરો કરવો પડે છે. 

પરંતુ જો તમે તમારા બાળકને માતૃભાષામાં ભણાવો છો, તો પ્રથમ બે આધારસ્તંભ એટલે કે સાંભળવું અને બોલવું – આ તો ઘરેથી જ શીખી ગયા હોય છે. પછી બાકીના સમયમાં બીજા બે જ આધારસ્તંભ શીખવાના હોય છે. એટલે તમે જ વિચાર કરો, કયા માધ્યમમાં તમારું બાળક વધારે ઝડપથી ભાષા પર પ્રભુત્વ મેળવી શકશે ? માતૃભાષામાં કે પછી અંગ્રેજીમાં ? અને ત્યારબાદ જ નક્કી કરજો કે તમારા બાળકને કયા માધ્યમમાં ભણાવવું છે.

અંતમાં વાત કરીએ અભ્યાસમાં પસંદ કરેલી ભાષાની બાળકના માનસપટ પર થતી અસર અને તેના કારણે સમાજમાં થતી પ્રતિક્રિયાની. આપણે ઘણીવાર જોયું હશે કે અંગ્રેજી માધ્યમનું બાળક એ મોટેભાગે એકલવાયું રહેતું હોય છે. તે બીજા સાથે ભળવાનું, રમવાનું અને બાળપણની મજા માણવાનું ઓછું પસંદ કરે છે. તેનામાં વ્યવહારુ જ્ઞાનનો મહદઅંશે અભાવ જોવા મળે છે.  જ્યારે ગુજરાતી માધ્યમનું બાળક તમે જોશો તો તે મળતાવડા સ્વભાવનું, તરત જ બીજા સાથે ભળી જાય તેવું, સ્ફૂર્તિલું અને જીવનની બાલ્યાવસ્થા નો ભરપુર આનંદ માણવાવાળું હોય છે. છેલ્લે એટલું જ કહીશ કે વિદેશી ભાષા અંગ્રેજી એ આપણી માતૃભાષાના ભોગે આપણા પર હાવી ક્યારેય ના થવી જોઈએ. આપણી માતૃભાષાનો વૈભવ જ કંઇક જુદો છે. ગુજરાતી નાં એવાં ઘણાં શબ્દો છે જેનો અનુવાદ થઇ શકતો નથી. લાડકી કે લાડકવાયા શબ્દ નો અનુવાદ કરી બતાવો જોઈએ. અને મને ગર્વ છે મારી માતૃભાષા ઉપર કે અહીંયાથી જતી વ્યક્તિને “બાય બાય સિયું" નહીં પણ ફરી “આવજો” એવું કહેવામાં આવે છે.


પ્રેમભીના આચમનથી ચિંતન કરજો 

શબ્દથી કલમની શાહી ચંદન કરજો 

ક્યારેક ગીતો રચો કે ક્યારેક ગઝલ

તથ્ય દિલથી માતૃભાષાને વંદન કરજો.

No comments:

Post a Comment