Atul from

Thursday, 19 May 2016

ચેલૈયાનુ હાલરડુ ને તેમની સાથે જોડાયેલી દંતકથા

દંતકથા એવી છે કે – દાનવીર કર્ણ મૃત્યુ પછી સ્વર્ગમાં ગયો, જ્યાં એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જ્યારે જમવાનો સમય થયો, ત્યારે કર્ણને થાળીમાં સુવર્ણના ટુકડા પીરસાયા, જ્યારે અન્ય સૌને અન્ન. કર્ણ હેરાન થઈ ગયો. દેવરાજ ઇન્દ્રને કારણ પૂછતા જાણવા મળ્યું કે કર્ણએ પૃથ્વી પર હમેંશા બ્રાહ્મણોને, અને એ ય માત્ર સુવર્ણદાન જ કર્યું છે, એટલે સ્વર્ગમાં પણ સુવર્ણ જ મળે. જો પૃથ્વી પર અન્નદાન કર્યું હોત, તો સ્વર્ગમાં અન્ન મળી શકત. કર્ણ દેવરાજ પાસે પૃથ્વી પર ફરી જન્મ લેવાની આજ્ઞા માગે છે અને મૃત્યુલોકમાં કળિયુગમાં, વાણિયાના ખોળિયે શેઠ સગાળશા રુપે જન્મ ધારણ કરે છે.

શેઠ સગાળશા અને તેમના પત્ની ચંગાવતી (કે સંગાવતી) સદાવ્રત ચલાવે છે. સમાજનાં દરેક વર્ગના લોકોને બન્ને જણાં જમાડે છે. ધમધોકાર સદાવ્રત ચાલે છે. દુકાળનાં કપરાં વર્ષોમાં પણ શેઠ સગાળશાનાં અન્નના ભંડારો ખુલ્લા રહે છે. દૂર દૂર સુધી એમની ખ્યાતિ ફેલાયેલી છે.

બધી વાતે સુખ હોવાં છતાં એમને શેર માટીની ખોટ છે. એક જોગંદરના કહેવાથી પતિ-પત્ની એક વ્રત રાખે છે કે ઓછામાં ઓછા એક અતિથિને જમાડ્યા વગર ભોજન ન લેવું. આવી અનેક માનતાઓ પછી પતિ-પત્ની પુત્રરત્ન પામે છે. ચેલૈયો એનું નામ. માતા-પિતા પાસેથી અત્યંત નાની ઉમરમાં જ ચેલૈયાએ ઉત્તમ સંસ્કારો પ્રાપ્ત કરેલા છે. નાનકડો ચેલૈયો શાળાએ ભણવા પણ જાય છે.

એકવાર ચોમાસામાં વરસાદ ચાલુ થાય છે, તે રોકાવાનું નામ જ લેતો નથી. નવ-નવ દિ’ વીતવા છતાં હેલી ધરતીને ધમરોળવાનું ચાલુ રાખે છે. ભયંકર વરસાદને લીધે આંગણે કોઈ માગણ કે અતિથિ ડોકાતો નથી. શેઠ-શેઠાણી અને ચેલૈયો લાંઘણ પર લાંઘણ ખેંચે રાખે છે. આખરે દસમે દિવસે વરસાદ થંભે છે અને જનજીવન પૂર્વવત બને છે. દીકરા ચેલૈયાને શાળાએ મોકલી શેઠ-શેઠાણી ગામમાં કોઈ અતિથિ – ભૂખ્યાંની શોધમાં નીકળે છે.

ગામને પાદર એક અવાવરુ જગ્યામાં તેમને એક અઘોરી મળી જાય છે. અઘોરી તદ્દન કુરૂપ અને, મેલો-ઘેલો છે. સમગ્ર શરીરે રક્તપિત્તના ચાઠાં છે, જેમાંથી પરુ નીતરે છે. એની નજીક જતાં જ ભયંકર વાસ આવે છે. દંપતિ એમની પાસે જાય છે અને એમને ઘરે પધારવા વિનંતી કરે છે પણ અઘોરી કહે છે કે તમે મારી માગણીઓ પૂરી નહિ કરી શકો. વણિક દંપતિ ખૂબ આગ્રહ કરીને પરાણે ઘરે લઈ આવે છે. એમને હૂંફાળા પાણીએ સ્નાન કરાવે છે, પરુથી નીતરતા એના ઘારા સાફ કરે છે, સારા વસ્ત્રો પહેરાવે છે અને પછી સુંદર આસને બેસાડીને અનેક વાનગીઓ ભરેલો થાળ ધરે છે. ગુસ્સે થઈને અતિથિ થાળને ઠોકર મારી દે છે અને કહે છે કે અમે અઘોર પંથના સાધુ છીએ, અમને તો રાંધેલું માંસ ખાવા જોઈએ!!

વણિક દંપતિ આવી માગણી સાંભળીને હતપ્રભ થઈ જાય છે. વણિકના ઘરમાં માંસ ચૂલે ચડે? પણ જો માગણી પૂરી ન થાય તો અતિથિ ઘરેથી ભૂખ્યો જાય અને સગાળશાનું વ્રત તૂટે. આખરે ખાટકીને ત્યાં જઈને તાબડતોબ સગાળશા માંસનો પ્રબંધ કરી આવે છે. ચંગાવતી બત્રીસ પકવાનો બનાવી જાણે છે, પણ માંસ રાંધતા થોડું આવડે? કાળજું કઠણ કરીને ચંગાવતી માંસ રાંધે છે. ફરી થાળી અતિથિ સમક્ષ આવે છે. દંપતિ સામે ઉભા રહીને ભોજન ગ્રહણ કરવા વિનંતી કરે છે. થાળીમાં જ્યાં નજર કરે છે ત્યાં અતિથિના ચહેરા પર રોષ પથરાય છે. અતિથિ ફરીથી થાળીનો ઘા કરે છે.

હવે શું? અતિથિની માગણી તો કંઇક ઓર જ છે. અઘોરી બાવા ફરમાવે છે – “શેઠ! અમે રહ્યા અઘોરપંથી. અમને પ્રાણીઓનું માંસ ખવડાવીને અભડાવવા માંગો છો? અમને માનવ-માંસ સિવાય કંઇ ન ખપે…!”

વણિક દંપતિ પર આભ તૂટી પડે છે. માનવ-માંસ ક્યાંથી લાવવું? દંપતિ વિચારે છે કે આપણી ટેક પૂરી કરવા આપણેન્ય માનવજીવનો ભોગ ન આપી શકીએ. માનવ-માંસનો પ્રબંધ તો ઘરમાંથી જ કરવો ઘટે. હૈયા પર પત્થર મૂકી ચેલૈયાનો ભોગ ધરાવવાનું નક્કી થાય છે. ચેલૈયાને શાળાએ તેડું મોકલવામાં આવે છે. અચાનક ઘરેથી તેડું આવતા ચેલૈયો ઉતાવળે પગે ઘરે જવા નીકળે છે. વિઘ્નસંતોષીઓ ચેલૈયાને ચેતવે છે કે તારા માતા-પિતા તારો ભોગ આઘોરીને ધરાવી મોટા દાનેશ્વરી થવા માગે છે, માટે ભાગી નીકળ. સંસ્કારી ચેલૈયો જવાબ આપે છે કે ‘ભાગું તો મારી ભોમકા લાજે..!’

આ પ્રસંગને વર્ણવતું ગીત અહીં જુઓ – ભાગું તો મારી ભોમકા લાજે..!

ભાગુ તો મારી ભોમકા લાજે, ભોરિંગ ઝીલે ન ભાર…(૨)
મેરુ સરીખા ડોલવા લાગે, આકાશનો આધાર,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે….(૨)

મોરધ્વજ રાજાએ અંગ વહેરાવ્યા, કીધા કર્ણે દાન…(૨)
શિબિરાજાએ જાંઘને કાપી ત્યારે મળ્યા ભગવાન,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે….(૨)

શિર મળે પણ સમય મળે નહિ, સાધુ છે મે’માન,
અવસર આવ્યે પાછા ન પડીએ, કાયા થાય કુરબાન,
મે’રામણ માઝા ન મૂકે, ચેલૈયો સત ના ચૂકે….(૨)

ઘરે પહોંચ્યા પછી ચેલૈયાને વ્હાલભરી છેલ્લીવારની ચૂમીઓ ભરે છે. દીકરા પર તલવાર ચલાવતા માવતરનો જીવ કેમ ચાલે? ચેલૈયો કહે છે કે બાપુ, ઝટ કરો, મને બધી જ જાણ થઈ ચૂકી છે. અતિથિદેવતા ક્ષુધાતુર છે, તેમને વધુ રાહ નથી જોવડાવવી. આવા ઉત્તમ પુત્રની ગેરહાજરી જીરવાશે નહિ એ નક્કી જ છે.

No comments:

Post a Comment