Atul from

Sunday, 15 September 2024

તાળી પાડો રે લોલ

આપણા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ

આપણા ગરવા ગિરનારની તાળી પાડો રે લોલ 


પાવાગઢની કાળકા મોરાગઢની મોમાઈ

રાજપરાની ખોડલ ગંગાસતીને પાનબાઈ 


ચોટીલાવાળી ચામુંડમાતની તાળી પાડો રે લોલ

આપણા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ


વીરપુરમાં જલારામ પરબમાં દેવીદાસ

બગદાણા સીતારામ વસે છે આસપાસ 


આપણા સંતોના હરિહરની તાળી પાડે રે લોલ

આપણા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ


દ્વારિકામાં કાનોને સોમનાથમાં શિવજી

કચ્છડામાં સાહેબને દાતારના પિરજી 


આપણા પટોળાની ભાતની તાળી પાડે રે લોલ 

આપણા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ


મીરાંના ભજનોને કલાપીની ગઝલો 

સુન્દરમ્ ના ગીતોને રાજાના મહેલો 


આપણા નરસૈની કરતાળની તાળી પાડો રે લોલ

આપણા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ


રાષ્ટ્રપીતા ગાંધીજીને ઝવેરચંદ મેઘાણી

તરણેતરનો મેળોને ગુજરાતની વાણી  


મારા લોખંડી સરદારની તાળી પાડો રે લોલ 

મારા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ


બાજરાનો રોટલો સાથે લાડુની ઉજાણી 

સૌ વખાણે આપણા ભોજનની થાળી 


આપણા ગીરનાં સાવજની તાળી પાડો રે લોલ

આપણા ગરવા ગુજરાતની તાળી પાડો રે લોલ


સિધ્ધરાજના શાસનમાં સોનેથી શણગારી 

વાવ તો ગળાવે જોને પાટણ કેરી રાણી


આપણા ગરવા ઈતિહાસની તાળી પાડો રે લોલ

આપણા ગરવા ગિરનારની તાળી પાડો રે લોલ