Atul from

Tuesday, 12 July 2022

ગુરુ વંદના

 ભારતીય સંસ્કૃતિમાં ગુરુનુ એક આગવુ મહત્વ રહેલુ છે. ગુરુ-શિષ્યના સબંધ વગર ભારતીય સંસ્કૃતિ અધૂરી છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનુ મહત્વ કેટલુ છે તે તો આ શ્લોક પરથી જ ખબર પડે છે..


ગુરૂ બ્રહ્મા ગુરૂ વિષ્ણુ

ગુરૂ દેવો મહેશ્વર

ગુરૂ સાક્ષાત પરબ્રહ્મા

તસ્મૈ શ્રી ગુરૂવે નમ:


એટલે કે ગુરૂ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન છે અને ગુરૂ સાક્ષાત પરમેશ્વર સમાન છે. પરંતુ આજના આધુનિક સમયમાં ભારતીય સમાજ માંથી ગુરૂનુ મહત્વ ઓછુ થતુ જાય છે. જો કે તેના માટે કેટલાય પરિબળો જવાબદાર છે.


તુલસીદાસે પણ ગુરૂનો મહિમા ગાતા કહ્યું છે કે ભલે ચારેય વેદોનો અભ્યાસ કરવમાં આવે પરંતુ ગુરૂ વગર મનનો સંતાપ મટતો નથી કે ગુરૂ વગર જ્ઞાન મળી શકતુ નથી.


પ્રાચીન કાળમાં જ્યારે છોકરો સાત વર્ષની ઉંમરનો થાય ત્યારે તેના અભ્યાસાર્થે ગુરૂકુળમાં મોકલવામાં આવતો હતો, અને તેણે તેના જીવનના 25 વર્ષ સુધી ગુરૂના સાનિધ્યમાં પોતાનુ જીવન ઉચ્ચ બને તેના વિશેનુ જ્ઞાન મેળવે છે. જ્યારથી બાળક ગુરૂકુળમાં દાખલ થાય ત્યારથી ગુરૂ તેના માબાપનુ સ્થાન લેતા હતા. ગુરૂકુળમાં ગુરૂ તેને જીવન લક્ષી શિક્ષણ આપે છે. તેને ફક્ત પુસ્તકિયુ જ્ઞાન આપતા નથી પરંતુ તેના જીવનમાં આવનારા શારિરીક અને માનસિક સંઘર્ષો સામે કેવી રીતે લડવુ તે અંગેનુ જ્ઞાન આપે છે.


આજના આધુનિક સમયમાં આધુનિક સ્કૂલ અને કોલેજોમાં બાળકોને શિક્ષકો ફક્ત રોટલો કેવી રીતે કમાવવો તે અંગેનુ જ જ્ઞાન આપે છે. પરંતુ સાચો ગુરૂ બાળકને તેના જીવનને એક ધ્યેય આપે છે. તેનો અને ભગવાનનો સબંધ શો છે, દુનિયામાં તેના આવવાનુ કારણ શુ છે તે અંગેની સાચી સમજ આપે છે. તે કેવળ ધ્યેય આપતો નથી પરંતુ તેને તે ધ્યેય સુધી પહોંચવામાં મદદ કરે છે. ગુરૂ શિષ્યમાં રહેલી આંતરિક શક્તિઓને બહાર લાવે છે અને તે શક્તિનો કેવી રીતે અને ક્યાં ઉપયોગ કરવો તેની સાચી સમજ આપે છે.


શુ ગુરૂ વગર આપણને આવા શક્તિશાળી લોકો મળ્યા હોત ?

પરંતુ આધુનિકતા અને ટેક્નોલોજીથી સજ્જ એવા લોકો દલીલો કરતા કહે છે કે ગુરૂની જરૂર શુ છે? માણસ જ પોતે પોતાનો ગુરૂ છે આવી તાર્કિક દલીલો કરે છે. પરંતુ મિત્રો થોડુ વિચારો કે રામ અને કૃષ્ણ જેવી સૂર્ય ચંદ્ર સહિત સમગ્ર બ્રહ્માંડને હલાવનારી શક્તિ પણ શિષ્ય કાળ માંથી પસાર થઈને ગુરૂ પાસે વિદ્યા ગ્રહણ કરે છે. સમગ્ર બ્રહ્માંડના રહસ્યોને જાણનાર અને સૃષ્ટીના સર્જન હાર પણ પોતે અજ્ઞાની છે તે રીતે ગુરૂ પાસે જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે જાય છે.


અરે કૃષ્ણને પોતાના સખા સમજવા વાળા અર્જુને પણ કુરૂક્ષેત્રના મેદાનમાં તેમનુ શિષ્યત્વ માન્ય કરે છે. હાલના કળિયુગમાં આપણે રામ રાજ્ય લાવવાની વાતો કરે છે તે રામ રાજ્ય પાછળ રઘુકુળના કુળગુરૂ વશિષ્ઠનો અથાક પ્રયત્ન રહેલો છે. જો સમર્થ રામદાસ ના હોત તો કદાચ આપણને શિવાજી ન મળ્યા હોત, અને ચાણક્યએ તો કહ્યું જ છે કે... શિક્ષક કદી પણ સામાન્ય હોતો નથી સર્જન અને પ્રલય બન્ને તેના ખોળામાં હોય છે.


ચાણક્યએ ચંદ્રગુપ્ત જેવા સામાન્ય માનવીની અંદર રહેલી શક્તિઓને જાગૃત કરીને ધનનંદનો નાશ કર્યો હતો. આમ ગુરૂ શિષ્યમાં રહેલી આંતરીક શક્તિઓને બહાર લાવે છે. નરેન્દ્ર જેવા સામાન્ય યુવાનને સ્વામિ વિવેકાનંદ બનાવવા પાછળ રામકૃષ્ણ પરમહંસનો ફાળો બહુ મોટો છે. શીખ ધર્મ તો ગુરૂ પરંપરા પર જ ઉભેલો છે. શીખ ધર્મમાં થઈ ગયેલા દસ દસ ગુરૂઓએ ભારતની વિદેશી લોકો સામે રક્ષા કરવા પોતાના જીવનની આહૂતિ આપી દીધી હતી.


આજના કાળમાં આવા ગુરૂ મળવા શક્ય છે?

ગુરૂનુ મહત્વ જાણ્યા પછી થાય કે શુ આજના આવા કળિયુગમાં આપણને આવા સાચા ગુરૂ મળવા શક્ય છે? કૃષ્ણંવંદે જગત ગુરૂ પર શ્રધ્ધા રાખી સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિની સાચી સમજણ આપનાર પાડુંરંગ શાસ્ત્રી કહેતા કે આજના કળિયુગમાં સાચા ગુરૂ મળવા કઠિન છે અને મળે તો તેને ઓળખવા બહુ કઠિન છે.

આજે ગુરૂ-શિષ્ય વચ્ચે બનેલી કેટલીક ઘટનાઓએ લોકોની આ પવિત્ર સબંધ પરની શ્રધ્ધાના પાયાને હચમચાવી નાંખ્યા છે. પાટણ કાંડ જેવી ઘટનાએ લોકોના મનમાં રહેલી ગુરૂ પ્રત્યેની છબીને તોડી નાંખી છે.


પરંતુ સમાજમાં બનતી આવી ઘટનાઓથી નિરાશ થવાની જરૂર નથી જો કો મનુષ્ય યોગ્ય ના હોય તો સૃષ્ટીમાં એવા કેટલાય તત્વો છે જેની પાસેથી આપણે જીવન વિકાસનુ જ્ઞાન મેળવી શકીએ છીએ. દત્તાત્રેય ભગવાને અજગર, વૃક્ષ, ધરતી, વેશ્યા વગેરેને તેમના ગુરૂ માન્યા હતા.મોરારી બાપુ તો કહે છે કે જો તમારે કોઈ ગુરૂ ના હોય તો હનુમાનને તમારા ગુરૂ માનવા.


જો કોઈ ના હોય તો કૃષ્ણ તો છે જ. કારણ કે કૃષ્ણ તો સમગ્ર જગતના ગુરૂ છે અને તેમણે ગાયેલી ગીતા તેમણે વિશ્વને આપેલો ગુરૂ મંત્ર છે.


ભારતીય સંસ્કૃતિ અને આઘ્યાત્મિક પરંપરામાં ગુરુ, ગુરુતત્ત્વ, ગુરુદેવનું મહત્વ-મહાત્મ્ય સર્વોચ્ચ સ્થાન પર છે. તેથી ધાર્મિક પરંપરામાં ગુરુદેવનું સ્થાન સર્વોત્કૃિષ્ટ છે. આથી જ ‘ગુરુપૂર્ણિમા’નું મહાપર્વ ભાવ વિભાર વાતાવરણમાં રસબસ બની ઉજવવામાં આવે છે. ગુરુની પૂજા, ચરણસ્પર્શ અને યશાશક્તિ ભેટ એ ગુરુપૂર્ણિમાનો મહાભાવ છે. આ પ્રસંગ એવો છે કે તે ઉજવીને ગુરુ પ્રત્યેનું આપણું ૠણ અદા કરવાનું છે. આ તો પવિત્ર પર્વ છે કારણ કે ગુરુ સદાએ શિષ્યના કલ્યાણ માટે વિચારતા હોય છે. અને શિષ્ય એમની કૃપા થકી જીવનને ધન્ય ધન્ય બનાવી શકે છે.

પ્રભુ તો પ્રત્યક્ષ દેખાતા નથી. એટલે મનુષ્યના આત્મકલ્યાણ માટે કોઈ માઘ્યમતો જોઈએને ! એટલે ગુરુ પ્રત્યક્ષ દેવ છે. ભગવાને જ ગુરુરૂપી એક માઘ્યમ ઉભુ કરેલ છે શિષ્યનું અંતિમ ઘ્યેય પ્રભુપ્રાપ્તિ છે, જે ગુરુકૃપાથી સાપેક્ષ થાય છે. શિષ્ય જો ગુરુ ઉપર પૂર્ણ શ્રઘ્ધા રાખે અને અટલ-અચળ વિશ્વાસથી ગુરુ શરણમાં જાય તો શિષ્યના ઉત્કર્ષ માટેની સર્વશક્તિ પરમાત્મા ગુરુને પ્રદાન કરે છે. અને ગુરુ શિષ્યનું કાર્ય કરવા શક્તિમગ્ન બને છે. ગુરુ શરણાગત જીવને સાધન બતાવે છે ? જીવનના લક્ષ્યની યાદ આપે છે, જ્ઞાન આપે છે ? તેમની કૃપાથી સુખસંપત્તિ તો મળે જ છે પરંતુ ભક્તિ અને પ્રભુકૃપા પણ મળે છે. માટે સાધક માટે સર્વપ્રથમ ગુરુ શરણાગતિ આવશ્યક છે. આમ ભૌતિક અને આઘ્યાત્મિક ક્ષેત્રોમાં ગુરુની આવશ્યકતા અનિવાર્ય માનેલ છે. અષાઢ માસની પૂર્ણિમાને ‘‘ગુરુપૂર્ણિમા’’ કહે છે અને તે દિવસે મુનિશ્વર વેદવ્યાસની જન્મજંયતિ પણ છે. સદ્‌ગુરુમાં અનન્ય નિષ્ઠા સિવાય ઉપાસના પૂજા અઘુરાં રહે છે. તેમણે આપેલા ગુરુમંત્રમાં મનની અસ્થિરતા દૂર કરવાની શક્તિ હોય છે. પ્રભુને પ્રભુદેવ કહેવામાં નથી આવતું, જ્યારે ગુરુને ગુરુદેવનું સ્થાન - સન્માન - મોભો - બિરૂદ આપવામાં આવેલ છે.

બાળક જ્યારે પોતાની અબોધ અવસ્થામાં હોય છે ત્યારે માતા-પિતા વગેરે પરિવારજન પ્રેમાવિષ્ટ થઈને એની સંભાળ રાખે છે. એમના સહવાસમાં બાળકને સંસ્કાર મળે છે. બાળક જેમ જેમ મોટું થતું જાય છે, અને પોતાની જાતે રમવા લાગે છે, હાવભાવ કરે છે. આગળ જતાં ઠીક ઠીક બોલવા લાગે છે. આ અવસ્થામાં માતા-પિતા વગેરે પરિવારજન એના માટે ગુરુનું કાર્ય કરે છે ? તેથી ય આગળ જતાં બાળક વિશેષ જ્ઞાન સંપાદન માટે વિદ્યાલયમાં જાય છે. અહીં એના વિદ્યાગુરુ અક્ષર જ્ઞાન કરાવે છે. ધીરે ધીરે તે શિક્ષિત બનીને અનેક વિષયોમાં પારંગત થઈ જાય છે. તંદતર એ પોતાની બુઘ્ધિ વૈભવથી અર્થોપાર્જન વગેરે કાર્યોમાં સફળ થતાં થતાં પોતાના લૌકિક જીવનને સુખમય બનાવવાના કાર્યોમાં લાગી જાય છે.

હૃદયમાં જ્ઞાનનો દીપક પ્રગટાવવાળા સાક્ષાત ભગવાન ગુરુદેવ જ છે. પરંતુ પ્રત્યક્ષ ગુરુને પોતાના માઘ્યમ બનાવે છે. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ગાલોકેમાં પાછા ફરવાના હતા. ત્યારે અર્જુને ભગવાનને કહ્યું કે ‘‘હવે અમારું કોણ ? અમે એકલા પડી ગયા.’’ ત્યારે ભગવાને કહ્યું કે તેઓ શ્રીમદ્‌ ભાગવતમાં સાક્ષાત સ્વરૂપે રહેશે અને ભગવાનના સહારે મનુષ્યો તેમની કૃપા મેળવી શકશે. આમ ભાગવતમાં તેમની સ્પષ્ટ આજ્ઞા છે કે - ‘‘આચાર્ય ગુરુને મારું જ સ્વરૂપ સમજવું અને કદાપિ પણ એમનો તિરસ્કાર ન કરવો. એમને સામાન્ય મનુષ્ય સમજીને દોષ-દ્રષ્ટિથી ન જોવા, કારણ કે ગુરુદેવ સર્વદેવમય હોય છે.’’ તાત્પર્ય એ છે કે ભગવદ્‌ કૃપાની પ્રાપ્તિ માટે સાધકે ગુરુ શરણાગત થવું જોઈએ. સાથે સાથે ગુરુદેવમાં ંભગવદભાવ પણ રાખવો જોઈએ ત્યારેજ ગુરુ-શિષ્ય સંબંધ પ્રાણવાન બની શકે છે. ભાગવતમાં તો ગુરુનું પ્રમાણ છે પરંતુ વેદ, પુરાણ, શાસ્ત્રોમાં પણ પ્રમાણ છે. ભગવદ્‌ગીતા કહે છે કે ‘‘કૃષ્ણ વંદે જગદ્‌ગુરુ.’’ કૃષ્ણ તો આખા જગતના ગુરુ છે જેઓ ગુરુરૂપી માઘ્યમો દ્વારા શિષ્યોનું કલ્યાણ કરે છે.

ભગવાન કૃષ્ણને સાંદીપનિ, શ્રીરામને વસિષ્ઠ ગુરુસ્થાન અને મોટા મોટા મહાત્માઓ, સંતો અને ભક્તોને પણ ગુરુ હોય છે. શિષ્યને જો પોતાના સ્વરૂપ અને કર્તવ્યનો બોધ મળી જાય તો ગુરુનુ દિવ્ય સ્વરૂપ એના હૃદયમાં પ્રગટ થઈ જાય છે. ‘‘સદ્‌ગુરુ દેવકી જય’’ બોલાય છે. સદ્‌ એટલે સાચું અને સાચું એટલે સત્ય. વળી સત્ય એટલે પ્રભુ પોતે આમ ગુરુ - ગોવંિદ સમાન ગણવામાં આવેલ છે. કેટલાકના મતે તો ગુરુને ગોવંિદથી ઉપર ગણેલ છે. રામ કરતાં રામના નામનાં વધારે શક્તિ છે તેમ ગોવંિદ કરતાં તેમના સ્વરૂપે બિરાજતા ગુરુમાં ગોવંિદે વઘુ શક્તિ પ્રદાન કરેલ છે.

જેમ ભક્ત અને ભગવાનનો સંબંધ નિષ્ઠા અને અનન્યતા પર નિર્ભર છે તેમ ગુરુ અને શિષ્યના સંબંધનું પણ છે. નિષ્ઠા અને અનન્યતા શુ કરી શકે છે તેનો સુંદર દાખલો છે કે શ્રી કૃષ્ણની બંસરીના અવતાર શ્રી હિતહરિવંશ મહાપ્રભુજીની પ્રશંસા સાંભળીને શ્રીદામોદારદાસ સેવકજી મહારાજે તેમને જોયા નહોતા- મળ્યા નહોતા- દર્શન કર્યો નહોતાં છતા અનન્ય નિષ્ઠાથી મનોમન મહાપ્રભુજીને સેવકજીએ ગુરુ તરીકે સ્વીકારી લીધા. થોડા સમય પછી જ્યારે શ્રીસેવકજી મહાપ્રભુજીને વૃન્દાવનમાં તેમને મળવા ગયા ત્યારે મહાપ્રભુજી શ્રીરાધારાણીની સેવામાં નિકુંજમાં પધારી ગયા હતા. પરંતુ સેવકજી તો પૂર્ણ નિષ્ઠાથી ગુરુભક્તિમાં બેસી ગયા. પરિણામ સ્વરૂપ શ્રીહરિવંશ નિકુંજમાંથી આવીને, શ્રીસેવકજીને સ્વપ્નમાં દર્શન આપી, ગુરુમંત્ર આપ્યો, અને વાણી રચનાની શક્તિ પણ આપી. જેના આધારે સેવકજીએ ‘‘સેવકવાણી’’ નામક સિઘ્ધાંત ગ્રંથની રચના કરી દીધી. આવી રીતે એકલવ્યજીનો દાખલો પણ જગજાહેર છે. ગુરુ શબ્દમાં ‘ગુ’ કાર એ અંધકાર છે. ‘રુ’ કાર એ રાધેનાર છે. અંધકાર (અજ્ઞાત)નો નાશ કરે છે માટે જ તેઓ ગુરુ કહેવાય છે.

જો કે આ જગતમાં જનની, જનક અને ગુરુનું ૠણ કદી ચુકવી શકાતું નથી. સંસ્કૃતિના ઈતિહાસમાં ગુરુપૂજનનો મહીમા છે. પૌરાણિક ઈતિહાસ મુજબ સૌપ્રથમ ભગવાન વેદવ્યાસનુ પૂજન નૈમિષ્યારણ્મમાં વસતા સૌનક ૠષિએ કહ્યું હતું. વર્ષોની સાધના- ઉપાસના કરવા છતાં સૌનક ૠષિને પ્રભુની અનુભૂતિ નહોતી થતી. વેદવ્યાસે દિવ્યદ્રષ્ટિ આપી. તેથી તેમને આત્મજ્ઞાન થયું. એટલે ૠષિએ તેમને ગુરુમાની પૂજન કર્યું. ત્યારથી ગુરુની મહત્તા વધી ગઈ. ગુરુ આદિ-અનાદિ છે. ગુરુની કૃપાએ મોક્ષનું કારણ છે ગુરુએ શિવનું જીવંત રૂપ છે તથા તેમનાં ચરણ તીથોનો આશ્રય છે. ગુરુના ત્રણ સ્વરૂપ છે. શિષ્યનું અંકુરણ કરે તે પહેલું સ્વરૂપ. પ્યારવાળું જોડવાનું કામ કરે તે વરૂણ બીજુ સ્વરૂપ. ત્રીજુ સ્વરૂપ સોમ સ્વરૂપ છે. ‘સોમસ્તુચન્દઃ,’ સોમ એટલે ચંદ્ર. ભારતીય સંસ્કૃતિના સંરક્ષક અને સંવર્ધક છે સદ્‌ગુરુ. દત્તાત્રેયે જેમનામાં જે સારું લાગ્યું તે લીઘું અને ચોવીસ ગુરુ કર્યા હતા.

ગુરુ સાકાર ઈશ્વરીય પ્રતિમા છે. ‘‘ગુરુ કીજે જાનકાર ઔર પાની પીજે છાન’’ પ્રમાણે ગુરુ સમજીને કરવા જોઈએ. પરંતુ એક વખત ગુરુ કર્યા પછી તેમનામાં અનન્ય નિષ્ઠા રાખવી જોઈએ. આજના જમાનામાં તો પહેલી દ્રષ્ટિએ ઘણા લોકો ગુરુ-શિષ્યની પરંપરાને માનતા નથી. પરંતુ આઘ્યાત્મિક પરંપરામાં સુદ્દઢ માન્યતા છે કે સમય પાકે ત્યારે સાધકને તેમના ગુરુ મળે જ છે. ગુરુ-શિષ્યનો સંબંધ માત્ર એક જન્મ પૂરતો જ મર્યાદિત નથી હોતો. આ સંબંધ જન્મોજન્મનો હોય છે. ગુરુનું દિલ મોટું હોય છે. ગુરુપૂર્ણિમાએ આશીર્વાદ સહગુરુ તેમની તપસ્યાનો એક અંશ આપે છે જે શિષ્યને માટે અમૂલ્ય બની રહે છે. તેમ ગમે તેટલું કરો પણ ગુરુ વિના પૂર્ણજ્ઞાન ન મળી શકે. સંતોના વચન પ્રમાણે જો હૃદયમાં પૂર્ણ શ્રઘ્ધા અને નિષ્ઠા, વિશ્વાસ હોય તો ગુરુદ્વારા ગોવંિદની સો ટકા અનુભૂતિ થાય છે.

ગુરુના મહત્વની વાત ન્યારી છે. શ્રીકૃષ્ણ ભગવાને પણ ગુરુદક્ષિણમાં ગુરુમાતાને તેમનો પુત્ર (સંસારના નિયમો તોડીને) પાછો લાવી આપ્યો હતો. કોઈ એમ કહેકે હું ગુરુમાં માનતો નથી. પરંતું તમે જ્યારે આપત્તિકાળમાં તમને વિશ્વાસ હોય તેમની પાસે સલાહ લેવા જાવ, અને એ જે સલાહ આપે તે ગુરુકર્મનો એક ભાગ થયો કહેવાય. પરંતુ આઘ્યાત્મિક ગુરુની તો અનિવાર્યતા છે.

ગુરુ છે બ્રહ્મા, વળી ગુરુ જ વિષ્ણુ અને ગુરુ છે દેવ મહેશ્વર

ગુરુ તો ‘સાક્ષાત’ પરબ્રહ્મ છે, તેવા ગુરુજીને કરીએ નમસ્કાર.

તો આવો ‘‘ગુરુપૂર્ણિમા’’નું મહાપર્વ પૂર્ણ નિષ્ઠા-શ્રઘ્ધા-અનન્યતા- વિશ્વાસથી ભક્તિમાં રસબસ થઈ ઉજવીએ અને ધન્ય ધન્ય બનીએ।----